નાનકડાં વાંદરાએ શીખવ્યો પાઠ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 'માફ કરો બહેનબા! અમે તો પાંચ વાંદરા ખાવાનું લઈને આવતા હતા. પણ રસ્તામાં એક બીજી વાઘણ મળી. એ કહે કે, 'હું આ જંગલની અસલી રાણી છું, બધું ખાવાનું મને આપો.'
સુંદરવનના જંગલમાં સુંદરી નામની વાઘણ રહેતી હતી. એ બહુ તાકાતવર પણ એટલી જ આળસુ અને ક્રૂર હતી. એને શિકાર કરવા ન જવું પડે એટલે એણે નવો નિયમ બનાવ્યો - રોજ જંગલના બધા પ્રાણીઓએ ભેગા થઈને એના માટે ખાવાનું પહોંચાડવું. જે ન આપે એને વાઘણ સીધી જ ખાઈ જાય. બધાં પ્રાણીઓ ડરના માર્યાં રોજ ફળ, કંદમૂળ અને મધ ભેગું કરીને એની ગુફા પાસે મૂકી આવતાં.
એ જ જંગલમાં જામફળીના ઝાડ પર ટીખળુ નામનો વાંદરો રહેતો હતો. એ બહુ નાનો પણ નટખટ અને હોશિયાર હતો. એને આ વાઘણનો જુલમ જરાય પસંદ નહોતો. એક દિવસ વાંદરાઓનો વારો આવ્યો ખાવાનું લઈ જવાનો. બધા વાંદરા ધૂ્રજતા હતા. ટીખળુ બોલ્યો, 'તમે બધા રહેવા દો. આજે હું એકલો જઈશ. હું એનો કાયમી ઈલાજ કરીશ.'
ટીખળુ એક મોટું કેળનું પાન લઈને વાઘણની ગુફાએ પહોંચ્યો. વાઘણ ભૂખી થઈને બેઠી હતી.
વાઘણ ગરજી, 'અલ્યા વાંદરા! આટલું મોડું કેમ કર્યું? અને આ શું? માત્ર એક પાન? બાકીના વાંદરા ક્યાં છે? આજે તો તને જ ચાવી જઈશ!'
ટીખળુ જરાય ગભરાયો નહીં. એણે રડમસ ચહેરો બનાવીને ડાળી પર ઊંધા માથે લટકતાં કહ્યું, 'માફ કરો બહેનબા! અમે તો પાંચ વાંદરા ખાવાનું લઈને આવતા હતા. પણ રસ્તામાં એક બીજી વાઘણ મળી. એ કહે કે, 'હું આ જંગલની અસલી રાણી છું, બધું ખાવાનું મને આપો.' એણે બીજા ચાર વાંદરાઓને પકડી લીધા. હું માંડ જીવ બચાવીને ભાગ્યો છું. એણે તો એમ પણ કહ્યું કે સુંદરી તો મારી નોકર જેવી છે!'
આ સાંભળી સુંદરીની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. એની મૂછના વાળ ઊભા થઈ ગયા.
વાઘણ બોલી, 'શું? મારા જંગલમાં બીજી રાણી? એની આટલી હિંમત? ચાલ, અત્યારે ને અત્યારે બતાવ ક્યાં છે એ! હું એના ટુકડા કરી નાખીશ!'
ટીખળુ મનમાં હસ્યો. એ વાઘણને લઈને જંગલની વચ્ચે આવેલા એક જૂના કૂવા પાસે ગયો. આ કૂવો વરસોથી સુકાઈ ગયો હતો અને એના તળિયે અરીસા જેવા ચમકતા સફેદ પથ્થરો હતા.
ટીખળુએ કહ્યું, 'બહેનબા, એ દુશ્મન વાઘણ આ કૂવામાં છુપાઈને રહે છે. જરા અંદર ડોકિયું તો કરો!'
સુંદરીએ ગુસ્સામાં કૂવામાં નજર કરી. નીચે સફેદ પથ્થરમાં એનું જ પ્રતિબિંબ દેખાયું. બપોરનો તડકો હોવાથી પ્રતિબિંબ એકદમ ચોખ્ખું દેખાતું હતું. એને થયું કે ખરેખર અંદર બીજી વાઘણ બેઠી છે.
વાઘણ તાડૂકી, 'અલી કાયર! મારા જંગલમાં આવીને મને પડકારે છે? હિંમત હોય તો બહાર આવ!'
એણે જોરથી ગર્જના કરી. કૂવામાંથી પડઘો પડયો, 'આવ… આવ… આવ!'
સુંદરીથી હવે રહેવાયું નહીં. 'તું મને સામી ગર્જના કરે છે?' એમ કહીને એણે કૂવામાં જોરથી છલાંગ લગાવી દીધી.
ધડામ…!
કૂવો સાવ સૂકો અને પથરાળ હતો. નીચે પછાડાતાં જ વાઘણના પગ ભાંગી ગયા અને એ ત્યાં જ કણસતી પડી રહી.
ટીખળુએ જઈને બધાં પ્રાણીઓને ખુશખબર આપી. રીંછ નાચવા લાગ્યું અને સસલું ઢોલ વગાડવા લાગ્યું. બધાં એક અવાજે બોલ્યાં, 'ટીખળુભાઈ કી જય!'
ત્યારથી જંગલમાં શાંતિ સ્થપાઈ ગઈ. કોઈ કોઈનાથી ડરે નહીં અને બધાં પ્રાણીઓ મહેનત કરીને પોતાનું પેટ ભરવા લાગ્યાં. ભાંગેલા પગવાળી સુંદરીને પણ બધાં પ્રાણીઓએ સાથે મળીને સાજી કરી. એનો ઘમંડ ઓગળી ગયો, એ સુધરી ગઈ અને પછી જંગલની વફાદાર ચોકીદાર બની ગઈ.
બોધઃ
ઘમંડીનું માથું હંમેશાં નીચું થાય છે. બીજાને હેરાન કરનાર એક દિવસ પોતે જ મુશ્કેલીમાં મુકાય છે.




