Zagmag

જીગલો જાડિયો,કીડી અને ભગવાન

By GS Team
9 Oct 20267 mins read
જીગલો જાડિયો,કીડી અને ભગવાન
  • જીગલાની ભીની આંખોમાંથી પશ્ચાત્તાપનાં આંસુ વહી નીકળ્યાં. 'ઓહ, મેં આ અબોલ જીવો પર અત્યાર સુધી કેટલો ઘોર અત્યાચાર કર્યાે છે! મારી કેટલી મોટી ભૂલ હતી!' તે દ્રવી ઊઠયો.
  • ગુરુદેવ પ્રજાપતિ

એક નાનકડા ગામમાં જીગલો નામનો એક છોકરો રહેતો હતો. જીગલો ધોરણ ૫ાંચમા ભણતો હતો. તે શરીરે થોડો જાડિયો હતો, તેથી ગામના લોકો અને શાળાના મિત્રો તેને પ્રેમથી 'જીગલો જાડિયો' કહીને બોલાવતા. જીગલો ભણવામાં હોશિયાર અને બુદ્ધિશાળી હતો, પરંતુ તેની એક બહુ ખરાબ આદત હતી - તે અત્યંત તોફાની અને હિંસક પ્રવૃત્તિઓ કરતો હતો.
શાળામાં પણ તે ક્યારેક ક્યારેક મિત્રો સાથે આડી-અવળી મસ્તી અને તોફાન કરતો રહેતો, અને રજા પડે ત્યારે ગામની શેરીઓમાં રખડવા નીકળી પડતો. તેને કીડીઓ સહેજ પણ ગમતી નહોતી. રસ્તામાં ક્યાંય પણ કીડીઓનું દર દેખાય એટલે તે તરત હાથમાં લાકડી લઈને તેને તોડી-ભાંગી નાખતો. ક્યારેક એ દરમાં પાણી રેડીને બિચારી કીડીઓનું ઘર આખું બગાડી નાખતો, તો ક્યારેક રસ્તા પર ચાલતી કીડીઓ પર જાણીજોઈને પગ દઈ તેમને કચડી નાખતો.
કીડીઓ ભલે કદમાં સાવ નાનકડી હતી, પણ તેમનું પણ એક પોતાનું આખું ઘર હતું, તેમનો પરિવાર હતો અને આપણી જેમ જ તેમને પણ આ સૃષ્ટિ પર શાંતિથી જીવવાની તીવ્ર ઇચ્છા હતી. જીગલાના આવા નિર્દય તોફાનથી તેઓ રોજ ભારે દુખી થતી હતી.
એક દિવસ જીગલાએ રસ્તાની બાજુમાં એક બહુ મોટું કીડીઓનું દર જોયું. તેમાં અસંખ્ય કીડીઓ વસતી હતી. જીગલાએ આજુબાજુ નજર દોડાવી અને કોઈને ન જોતાં, એક જાડી લાકડી લઈને એ દરને જોરજોરથી ખોદવા લાગ્યો.
'આજે તો આ આખુંય દર તોડી-ફોડીને સાફ કરી નાખું!' તે ક્રતાથી હસતાં હસતાં બોલ્યો.
કીડીઓ પોતાનો જીવ બચાવવા ગભરાઈને આમતેમ દોડાદોડી કરવા લાગી. સેંકડો કીડીઓનાં ઘર ઉજ્જડ થઈ ગયાં. તેમણે શિયાળા માટે સંગ્રહ કરેલા અનાજના દાણા પણ ચારેકોર વેરાઈ ગયા.
પીડિત કીડીઓએ અંદરોઅંદર ચર્ચા કરી, 'જો આ જીગલો રોજ આવી જ હિંસા કરતો રહેશે, તો આપણને આ ગામમાં જીવવા જ નહીં દે! હવે આપણે ક્યાં જવું અને શું કરવું?'
ત્યાં એક વયોવૃદ્ધ અને સમજદાર કીડીએ રસ્તો બતાવ્યો, 'આપણે સૌ સૃષ્ટિના પાલનહાર ભગવાન પાસે જઈને આપણું દુખ કહીએ. દયાળુ ઈશ્વર નાનામાં નાના જીવનું પણ ધ્યાન રાખે છે.'
બધી કીડીઓ એકઠી થઈ અને તેમણે અંતરના નાદથી ભગવાનને કરુણ આજીજી કરી, 'હે ભગવાન! અમે કદમાં ભલે નાની અને અશક્ત છીએ, પણ તમે અમને પણ આ ધરતી પર જીવવાનો સમાન અધિકાર આપ્યો છે. આ જીગલો વારંવાર અમારાં આશિયાના તોડી નાખે છે અને અમને રંજાડે છે. કૃપા કરીને તેને સદબુદ્ધિ આપો અને સમજાવો.'
પરમકૃપાળુ ભગવાને કીડીઓની આ આર્તપ્રાર્થના સાંભળી. ભગવાને વિચાર્યું કે જીગલાને કોઈ આકરી સજા કરતાં પહેલાં તેને પ્રેમથી અને નૈતિકતાથી સમજાવવો વધુ યોગ્ય રહેશે.
તે રાત્રે જીગલો પોતાના ખાટલામાં ઘસઘસાટ ઊંઘી ગયો હતો. મધ્યરાત્રિએ તેને એક અત્યંત પ્રભાવશાળી અને આશ્ચર્યજનક સપનું આવ્યું. સપનામાં સાક્ષાત્ ભગવાન તેજસ્વી સ્વરૃપે તેની સામે આવીને ઊભા હતા! જીગલો ભગવાનને નજર સામે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને ભયભીત થઈ ગયો.
ભગવાને અત્યંત ગંભીર પણ વત્સલ અવાજે પૂછયું, 'જીગલા, તું પેલા નિર્દોષ અને અબોલ જીવ કીડીઓને શા માટે આટલી બધી પીડા આપે છે?'
જીગલો નતમસ્તક થઈને ચૂપ રહ્યો.
ભગવાને આગળ કહ્યું, 'યાદ રાખજે, આ સુંદર દુનિયા માત્ર મનુષ્યોની જ જાગીર નથી. કીડીઓ, પક્ષીઓ, પશુઓ અને દરેક નાના-મોટા જીવોને આ પૃથ્વી પર જીવવાનો પૂરો હક છે. તું ક્યારેય કોઈ નિર્દોષ જીવને કષ્ટ આપીશ નહીં.'
જીગલાએ ક્ષોભ અનુભવતાં પોતાનું માથું નમાવી દીધું.
ભગવાને અંતે ચેતવણી આપતાં કહ્યું, 'હવે પછી જો તું કીડીઓને હેરાન કરીશ, તેમના ઘર તોડીશ કે જીવથી મારીશ, તો તારી આ બૂરી આદતની માઠી અસર તારા પોતાના શરીર પર થશે. તારું આ પેટ ધીમે ધીમે મોટું ને મોટું ફૂલતું જશે!'
જીગલો તો સાંભળીને જ થરથર કાંપવા લાગ્યો. 'હે ભગવાન! મને માફ કરો, હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું!' તેણે ભીની આંખે વચન આપ્યું.
સવાર પડી અને જીગલો ઊઠયો. તેને રાત્રે આવેલું આખુંય સ્વપ્ન આબેહૂબ યાદ હતું. થોડા દિવસો સુધી તો તે ડરના માર્યા સાવ શાંત અને ડાહ્યો થઈને રહ્યો. પરંતુ કહેવત છે ને કે જૂની ટેવ અતિશય મુશ્કેલથી છૂટે છેત તેની તોફાની પ્રકૃતિ બહુ જૂની હતી.
એક દિવસ બપોરે શાળા છૂટયા બાદ ઘરે પાછા ફરતાં રસ્તામાં ફરી તેને કીડીઓનું એક આખું દર નજરે ચડયું. તેણે આસપાસ નજર નાખીને ખાતરી કરી લીધી કે કોઈ તેને જોઈ રહ્યું નથી.
'ભગવાન તો રાત્રે સપનામાં આવ્યા હતા, અત્યારે થોડા અહીં જોવાના છે!' એમ વિચારીને તેણે કૌતુકવશ ફરી એ દરમાં લાકડી નાખીને આખું દર વેરવિખેર કરી નાખ્યું!
કીડીઓ જીવ બચાવવા બહાર આવીને દોડવા લાગી અને નાસમજ જીગલો તેના પર હસવા લાગ્યો.
પરંતુ તે જ સાંજે તેને પોતાના પેટમાં કશુંક ભારેપણું અને અજુગતો ફેરફાર વર્તાયો. તેનું પેટ પહેલાં કરતાં સહેજ મોટું અને ફૂલેલું દેખાતું હતું.
'કદાચ આજે બપોરે ઘેર જઈને વધારે જમી લીધું હશે!' તેણે મન મનાવ્યું.
પરંતુ બીજે દિવસે સવારે પેટ થોડું વધારે બહાર આવેલું દેખાયું. ત્રીજા દિવસે તો તેનું પેટ પહેલાં કરતાં પણ ઘણું વધારે મોટું અને અસ્વસ્થ થઈ ગયું!
જીગલો આ જોઈને અંદરથી સાવ ગભરાઈ ગયો. 'આ મારી સાથે શું થઈ રહ્યું છે?'
તેની માતાએ પણ ચિંતાતુર થઈને પૂછયું, 'અરે જીગલા, તારા પેટને આ શું થઈ ગયું છે? આ આટલું બધું કેમ ફૂલી ગયું છે?'
જીગલા પાસે આનો કોઈ ઉત્તર નહોતો, તે અવાચક થઈ ગયો. તેને સપનામાં મળેલી ભગવાનની આખરી ચેતવણી અક્ષરેઅક્ષર સાચી પડતી દેખાઈ. છતાં પણ તે મનથી એટલો વહેમી હતો કે હજુ કીડીઓને પજવવાનું સંપૂર્ણપણે બંધ કરી શક્યો નહોતો.
જેમ જેમ દિવસો વીતતા ગયા, તેમ તેમ તેનું પેટ સતત વધતું જ રહ્યું. હવે તો જીગલાને સામાન્ય ચાલવામાં અને ઊભા રહેવામાં પણ ભયંકર મુશ્કેલી પડવા લાગી હતી! શાળાના મિત્રો અને રસ્તાના લોકો તેનું આ અસાધારણ પેટ જોઈને ભારે આશ્ચર્ય પામતા.
'અરે જીગલા, તારા પેટને વળી આ શું થઈ ગયું છે?'
કોઈ તેની આવી દશા પર છૂપું હસતું, તો કોઈ વળી દયાભાવથી ચિંતા વ્યક્ત કરતું. પરંતુ જીગલો અંદરથી ઘણો પીડાતો અને પસ્તાવો અનુભવતો હતો.
એક દિવસ તે ભારે વજને શાળાએથી ઘરે પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં તેની નજર એક સાવ નાનકડી કીડી પર પડી. એ કીડી પોતાના શરીરના કદ કરતાં ત્રણ ગણો મોટો અનાજનો દાણો પોતાના મોંમાં પકડીને અત્યંત પરિશ્રમપૂર્વક ઊંચા ચડાણ પર ખેંચી જઈ રહી હતી. જીગલો ત્યાં જ થંભી ગયો અને તેને તાકી રહ્યો.
તેને અચાનક અંતઃકરણમાંથી સમજાયું કે જે જીવોને પોતે અત્યાર સુધી તુચ્છ, નિર્બળ અને નાકામ સમજતો હતો, તેઓ પણ પોતાના અસ્તિત્વ માટે કેટલી અદ્ભુત મહેનત કરે છે! તેઓ પણ પોતાના પરિવારની ભૂખ મટાડવા આખો દિવસ દાણા ભેગા કરે છે અને પોતાના ઘરનું જતન કરે છે.
જીગલાની ભીની આંખોમાંથી પશ્ચાત્તાપનાં આંસુ વહી નીકળ્યાં. 'ઓહ, મેં આ અબોલ જીવો પર અત્યાર સુધી કેટલો ઘોર અત્યાચાર કર્યાે છે! મારી કેટલી મોટી ભૂલ હતી!' તે દ્રવી ઊઠયો.
તે તાબડતોબ, પોતાના ભારે પેટ સાથે જેટલું દોડી શકાય એટલું દોડયો. પેલા જૂના કીડીના દર પાસે પહોંચ્યો, જે તેણે છેલ્લે પીંખી નાખ્યું હતું. ત્યાં બેસીને તેણે બંને હાથ જોડયા, 'મારી વહાલી નાની બહેનો! મને હૃદયપૂર્વક માફ કરી દો. મેં તમારી કોઈ પણ ભૂલ વિના તમારાં સુંદર ઘરો તોડી નાખ્યાં, તમને વારંવાર નકામી પીડા પહોંચાડી અને હેરાન કરી. હવેથી હું વચન આપું છું કે આ જિંદગીમાં ક્યારેય કોઈ પણ નાના-મોટા જીવને સહેજ પણ હેરાન નહીં કરું.'
કીડીઓ જાણે તેનો આ સાચો પશ્ચાત્તાપ સમજી ગઈ હોય તેમ, કોઈ પણ નુકસાન પહોંચાડયા વગર શાંતિથી પોતાના દરમાં પાછી ફરી ગઈ.
જીગલાએ આકાશ તરફ દ્રષ્ટિ કરી હાથ જોડયા, 'હે ભગવાન! મને ક્ષમા કરો. તમે મને રાત્રે સપનામાં આવીને કેટલો પ્રેમથી સમજાવ્યો હતો, છતાં મેં અહંકારમાં આવી તમારું માન્યું નહીં. હવે હું અંતઃકરણથી વચન આપું છું કે હંમેશાં પ્રત્યેક જીવ પ્રત્યે દયા અને સદભાવ રાખીશ.'
તે રાત્રે જીગલાને ફરી એક સુંદર સ્વપ્ન આવ્યું. ભગવાન ફરી સ્મિતભર્યા ચહેરે તેની સામે આવીને ઊભા રહ્યા.
ભગવાને આશીર્વાદ આપતાં કહ્યું, 'જીગલા, ભૂલ તો માણસ માત્રથી થાય છે, પરંતુ જે પોતાની ભૂલને સાચા દિલથી સ્વીકારીને તેને સુધારવાનો નિાપૂર્વક પ્રયત્ન કરે, તે જ સાચો અને ઉત્તમ માણસ છે. તેં હૃદયથી પ્રાયશ્ચિત કર્યું છે, હવે આ પરિવર્તનને તારા રોજિંદા વ્યવહારમાં પણ કાયમ સાબિત કરજે.'
જીગલાએ આદરપૂર્વક નમન કરી કહ્યું, 'હા ભગવાન, હું તમારી આ શીખ હંમેશાં મારા હૈયે રાખીશ.'
બીજી સવારે જીગલો જાગ્યો. તેણે ઉત્સુકતાથી પોતાના શરીર પર હાથ ફેરવી પેટ તરફ જોયું. તેનું મોટું ફૂલેલું પેટ સાવ ગાયબ થઈ ગયું હતું અને તે પહેલાં જેવો જ તંદુરસ્ત અને હળવો થઈ ગયો હતો! જીગલાના હર્ષનો કોઈ પાર ન રહ્યો.
તે દિવસથી જીગલાનું જીવન સાવ બદલાઈ ગયું. હવે તે ક્યારેય ભૂલેચૂકે પણ કોઈ કીડીનું દર તોડતો નહીં. રસ્તા પર ચાલતાં પણ જો કોઈ કીડી દેખાય, તો તે પોતાનો પગ બચાવીને આગળ વધતો. વળી, ઝાડ પરથી પડેલા કોઈ ઘાયલ પક્ષીની કે શેરીના કૂતરાની પણ તે ખૂબ કાળજી રાખતો. જીગલાનો આવો દયાળુ અને નમ્ર સ્વભાવ જોઈને શાળાના શિક્ષકો અને તેના મિત્રો પણ ભારે આશ્ચર્ય અને ખુશી અનુભવવા લાગ્યા.
એક દિવસ તેના પાકા ભેરુએ પૂછયું, 'અરે જીગલા, તારામાં અચાનક આટલો મોટો અને અદ્ભુત બદલાવ કેવી રીતે આવી ગયો?'
જીગલો નમ્રતાપૂર્વક હસીને બોલ્યો, 'ભાઈ, મને હવે બરાબર સમજાઈ ગયું છે કે કોઈ પણ જીવ કદમાં નાનો હોય, એટલે એનું જીવન તુચ્છ કે નાનું નથી હોતું. આ સૃષ્ટિના પ્રત્યેક જીવને આપણી જેમ જ આઝાદીથી અને સન્માનથી જીવવાનો પૂરો અધિકાર છે.'