ઈરાન સાથે ઓઈલનો વેપાર કરતી મુંબઈની 2 કંપની તથા 5 ભારતીયો પર અમેરિકાએ બૅન મૂક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA Ban 2 Mumbai Firms : ઈરાન સાથે ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પેદાશોનો વેપાર કરવા બદલ અમેરિકાએ મોટી કાર્યવાહી કરતા મુંબઈની બે ભારતીય કંપનીઓ અને પાંચ ભારતીય નાગરિકો પર કડક પ્રતિબંધો ઝીંકી દીધા છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આક્ષેપ કર્યો છે કે આ ભારતીય કંપનીઓએ પ્રતિબંધો હોવા છતાં ઈરાનથી પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાતમાં મદદ કરી ઈરાની તંત્ર સુધી લાખો ડૉલર પહોંચાડ્યા હતા. આ સાથે જ અમેરિકાના નાણા મંત્રાલયે ઈરાનના ઓઇલ નેટવર્ક સાથે જોડાયેલા 17 વિશાળ જહાજો પર પણ સકંજો કસ્યો છે.
મુંબઈની કઈ બે કંપનીઓ અને 5 ભારતીયો પર ગાજ પડી?
અમેરિકી વિદેશ મંત્રાલયના રિપોર્ટ મુજબ મુંબઈ સ્થિત 'SSPL સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ' અને 'સમુદ્ર મરીન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ' પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.
SSPL સોલ્યુશન્સ: આ કંપની સાથે જોડાયેલા ભારતીય નાગરિક ધ્વનિ વોરા અને નિસર્ગ વોરા પર પ્રતિબંધ મુકાયો છે.
સમુદ્ર મરીન સર્વિસીસ: આ કંપની સાથે સંકળાયેલા કેતન કોચિકર, ભૂપેન્દ્રસિંહ સાહૂ અને હરિશ્યામ હરિહરન ચુંડાકટ્ટિલ પર યુએસ તંત્રે કડક કાર્યવાહી કરી છે.
અમેરિકાની સરકારે આ તમામ લોકો અને કંપનીઓના નાણાકીય વ્યવહારો પર તુરંત અસરથી રોક લગાવી દીધી છે. જોકે, સમુદ્ર મરીન સર્વિસીસને અગાઉના ચાલુ વ્યવહારો આટોપી લેવા માટે 23 ઓક્ટોબર સુધીનો મર્યાદિત સમય આપવામાં આવ્યો છે.
‘ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ’: ઈરાનને આર્થિક રીતે કંગાળ કરવાનો પ્લાન
ટ્રમ્પ પ્રશાસને આ સમગ્ર આક્રમક ઝુંબેશને ‘ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ’ નામ આપ્યું છે. અમેરિકાનો દાવો છે કે ઈરાન પ્રતિબંધિત ઓઇલ વેચીને મળતા કરોડો ડૉલરનો ઉપયોગ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં પોતાના મિલિટરી ઓપરેશન્સ અને આતંકી સંગઠનોને ફંડિંગ આપવા માટે કરે છે. આથી ઈરાનની ઓઇલથી થતી કમાણી પર સંપૂર્ણ બ્રેક મારી તેની આર્થિક અને સૈન્ય તાકાત તોડી પાડવા અમેરિકાએ આ મોરચો ખોલ્યો છે.
17 ઓઇલ ટેંકર અને તુર્કિયે-UAE ની કંપનીઓ પણ બ્લેકલિસ્ટ
માત્ર ભારત જ નહીં, પરંતુ અમેરિકાના નાણા મંત્રાલયે ઈરાની ક્રૂડ ઓઈલ, એલપીજી, મેથેનોલ અને નેપ્થા જેવા ઉત્પાદનોની હેરફેર કરતા 17 આંતરરાષ્ટ્રીય જહાજો (ટેંકરો) પર પ્રતિબંધ લાદી દીધો છે, જે દક્ષિણ અને પૂર્વ એશિયાના બજારોમાં માલ પહોંચાડતા હતા. આ સિવાય ઈરાની પેટ્રોકેમિકલ્સ ખરીદવા બદલ તુર્કિયેની 'નૂરઝાદ પેટ્રોકેમ્યા' અને યુએઈ (UAE) ની 'અરેબિયનપ્રો મટિરિયલ્સ' સહિત અન્ય બે શિપ મેનેજમેન્ટ કંપનીઓ પર પણ અમેરિકાએ પ્રતિબંધનો કોરડો વીંઝ્યો છે.




