Zagmag

રખોપાનું રખોપું

By GS Team
9 Oct 20264 mins read
રખોપાનું રખોપું
  • રખોપો કહેઃ એલા ગાડું કંઈ રહી ગયું? રખોપી કહેઃ અને બળદ?દીકરો કહેઃ મા! ફોઈની દશા તો મારાથી જોઈ ન ગઈ. ગામ તો એવું ભેંકાર કે ખાવા દોડે! બાપુ! મને થયું કે ફોઈ પાસે બળદગાડું હશે તો તેઓ વહેલાં બેઠાં થશે, ગામ વહેલું બેઠું થશે.
  • સમતાની આંખમાં તે આંસુ જોઈ ગયો
  • જરૂર પડે આ રખોપાને યાદ કરજો.
  • હરીશ નાયક

કાઠિયાવાડની ધરતી. દુકાળ વખતોવખત પડે. પશુઓને તો સુરત વલસાડ મોકલી અપાય, પણ માણસોનું શું ?
અને જે ન જઈ શકે એવા માણસોનું શું ?
એવી જ એક મહિલા. નામ સમતા. પતિનું અવસાન થયું હતું. પાછળ એક બાળક હતું.
ખાંભા ગામના લોકો એક પછી એક ગામ છોડી ગયા. એકલી સમતા રહે કેવી રીતે ? જે થોડાઘણા હતા, તે જઈ ન શકે તેવા હતા. લાચાર, માંદા અને ઘરડા હતા.
સમતાને ય અહીં રહેવું હતું પણ અહીં રોજીરોટી ન હતી, કામ ન હતું.
લાંબા વિચારે તે તૈયાર થઈ. ખાંભા ગામે તેનો ભાઈ હતો. થોડા દિવસ તો બહેન-ભાણિયાને રાખશે જ. પછી તે પાછી આવી જશે. આ દુખ કંઈ કાયમનું થોડું જ છે ?
તે ઉપડી ખાંભા. થયું એવું કે ભાઈએ બહેનને આવતી જોઈએ. તેના મનમાં ભય પેસી ગયો કે બહેન-ભાણિયા એક વખત અહીં રહેશે તો પછી કદી જશે જ નહિ.
બહેન ભાઈને જોઈ ગઈ હતી. છતાં ભાઈ વાડામાં થઈને નાસી ગયો.
બહેન ગામમાં આવી જ ગઈ હતી. પાછી કંઈ ઓછી જ જાય ? તે ભાભીને મળી - ભાભી ! મારા ભાઈ…?
ભાભી કહે - એ તો કાલના બહારગામ
ગયા છે.
સમતાનું મન ખાટું થઈ ગયું. તે રહેવા ધારત તો રહેત. માથે પડીને રહેત, પણ તેને ઠીક ન દેખાયું. જેવી આવી હતી તેવી જ પાછી જવા લાગી. દુકાળમાં આવું જ બને છે. સગાં સગાં નથી રહેતાં, ભાઈ ભાઈ મટી જાય છે. સુખદુખ વહેંચવાની વાત તો બધી પોથીઓમાં છે.
ભાભીએ 'આવો' સરખુંય કીધું નહિ. તે ભાઈભાભીના ભાવ જાણી ગઈ.
તે ગામ છોડીને જતી હતી. ગામને પાદરે જ તેને રખોપો મળી ગયો. તે ઊંચી જાતિનો નહિ. ગામની બહાર રહે પણ મહેનત કરીને ખાય. પાસે બે પૈસાય ખરા, અનાજના બે કોથળાય ખરા.
સમતાની આંખમાં તે આંસુ જોઈ ગયો.
ગામની દીકરીની આંખમાં આંસુ ? ગામની દીકરી તો બહેન કહેવાય. તે કહે - બહેન ! ગામનું રખોપું કરું છું, તારું જ નહિ કરું ? શું દુખ છે કહે. ગામને નાતે ભાઈ કહે.
બહેને કહેવાય એ રીતે વાત કહી.
રખોપો કહે - ઘરે ચાલ. ભાણિયાને દૂધ-બાટી દે. તુંય તાજીમાજી થા. પછી વાત.
રખોપો ઉદાર હતો. રખોપી તેનાથી ચઢિયાતી હતી.
તે તો બહેન-ભાણિયાને રાખવા તૈયાર થઈ ગઈ, પણ રખોપો કહે - એના ભાઈને નહિ ગમે. નાહકનું ભાઈબહેનને વેર થશે. એના કરતાં અનાજપાણીની સગવડ કરી દઈએ.
દીકરાને તૈયાર કરી દીધો. બળદગાડામાં બે કોથળા અનાજ તથા દાળ, મગ, મઠની થેલીઓ ગોઠવી દીધી. જીવન જીવવાની બધી ચીજો ય
મૂકી દીધી.
રખોપો કહે - સમતાબેન! ઘરે પધારો. મનમાં દુખ રાખશો નહિ. જરૂર પડે આ રખોપાને યાદ કરજો. જાતિનો નથી, પણ ભાઈ છું. ભાઈ ગણજો.
રખોપી દીકરાને કહે - બરાબર મૂકીને આવજે. જોજે બહેન-ભાણિયાને તકલીફ ન પડે.
આંખમા આંસુ વહી ગયાં. ગાડુંય વહી ગયું.
તેમના ગયા બાદ રખોપી કહે - મને એમ હતું કે ગાડું બળદેય આપી દીધાં હોત તો ! બહેનને ચાલત અને ભાણિયોય મોટો તો થશે જ ને !
રખોપો કહે - દીકરાને મોકલેલ છે. જોઈએ હવે એ શું કરે છે ? એ જો આપણાં સતનો દીકરો હશે તો વરતાઈ જશે.
થોડા દિવસ રહીને દીકરો પાછો આવતો દેખાયો. ચાલતો હતો.
રખોપો કહે - એલા ગાડું કંઈ રહી ગયું ?
રખોપી કહે - અને બળદ ?
દીકરો કહે - મા ! ફોઈની દશા તો મારાથી જોઈ ન ગઈ. ગામ તો એવું ભેંકાર કે ખાવા દોડે ! બાપુ ! મને થયું કે ફોઈ પાસે બળદગાડું હશે તો તેઓ વહેલાં બેઠાં થશે, ગામ વહેલું બેઠું થશે.
મા-બાપ એકબીજાની સામે જોતાં હતાં.
દીકહો કહે - મા ! બાપુ ! મારાથી કંઈ ખોટું થયું?
મા કહે - બેટા, તું કસોટીમાંથી પાર ઊતરી ગયો છે. તું અમારો સતનો દીકરો સાબિત થયો છે. અમે વિચારતાં હતાં કે અમે ગાડુંબળદ બહેનને કેમ ન દીધાં ? અને તેં અમારી ખોટ પૂરી કરી.
લોકકથા કહે છે - જાતિ તો કરમોથી ઓળખાય! જનમની જાતિને શું ધૂળ મહાનતા આપે ?