મહાપ્રશ્નનો મહાઉત્તર

- 'જે રાષ્ટ્રની પ્રજા જાગી ઉઠેલી છે, જેને હૈયે રાષ્ટ્રની લગની છે, રાષ્ટ્રરક્ષા માટે જે સદા તૈયાર અને તત્પર છે, એવા રાષ્ટ્રને કોઈ હરાવી કે હઠાવી શકતું નથી.'
- '…ત્યાં સુધી હું મારા પ્રાણ ત્યજીશ નહિ!'
- 'કયું રાષ્ટ્ર કદી હાર ન પામે?'
- હરીશ નાયક
ભીષ્મપિતામહ મૃત્યુંજય હતા.
તેમણે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો હતો અને મૃત્યુને ધારે તેટલું રોકી શક્તા હતા.
કૌરવ પક્ષ તરફથી તેઓ લડતા હતા. અર્જુનનાં બાણે તેઓ ઘવાયા અને અર્જુને તૈયાર કરેલી બાણશય્યા ઉપર તેઓ છેલ્લો શ્વાસ લેવા લાગ્યા.
તેમણે નક્કી કર્યું હતું કે - 'સૂર્ય ઉત્તરાયણમાં આવે નહિ ત્યાં સુધી હું મારા પ્રાણ ત્યજીશ નહિ.'
એટલે તીક્ષ્ણ બાણોની ધાર ઉપર પણ તેઓ હજી જીવિત હતા. તેમણે કહ્યું હતું - 'એ દરમિયાન જેને જે કંઈ પૂછવું હોય તે પૂછી શકો છો, મારા જ્ઞાનનો લાભ લઈ શકો છો.'
કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું - 'ધર્મવીર! મહાપ્રશ્ન પૂછી નાખો.'
અને એ ધર્મવીરે મહાપ્રશ્ન પૂછ્યો - 'પિતામહ! આપના અગાધ જ્ઞાનની તીવ્ર મનોવેધી દૃષ્ટિ વડે મને એ કહો કે કયું રાષ્ટ્ર વિજેતા બની શકે અને તે કદી હાર પામે નહીં?'
ભીષ્મે આંખ મીંચીને હાથ જોડયા, કહ્યું- 'સાચે જ મહાપ્રશ્ન પૂછ્યો છે તેં યુધિષ્ઠિર!'
અને તેમણે કહેવા માંડયું - 'ધર્મજય! જે રીતે આ માળાના મણકાઓ છે તેમ જ બધી જાતના માનવીઓ એક જ સૂત્રમાં બંધાયેલા હોય, ન્યાત, જાત, ભાત બધું ભૂલી જઈ એકરસ, એકપ્રાણ બની જતા હોય એવી એકતાવાળા રાષ્ટ્રને કોઈ હરાવી કે હટાવી શકતું નથી.'
'ધર્મ!' તેમણે યુધિષ્ઠિરને આગળ કહ્યું - 'ખેડૂત અને વેપારી રાષ્ટ્રના સાચા સૂત્રધાર છે. જે રાષ્ટ્રના ખેડૂતો તથા વેપારી પરાક્રમી છે ત્યાં ધનધાન્ય અને ચીજવસ્તુઓનો કદી તોટો પડતો નથી. એ પરાક્રમ લક્ષ્મીનું છે અને જ્યાં લક્ષ્મી પરાક્રમી છે, ત્યાં રાષ્ટ્ર સદા વિજયવંત જ બને છે.'
'તથા હે ધર્મ!' ભીષ્મપિતામહે છેલ્લે કહ્યું - 'જે રાષ્ટ્રની પ્રજા જાગી ઉઠેલી છે, જેને હૈયે રાષ્ટ્રની લગની છે, રાષ્ટ્રરક્ષા માટે જે સદા તૈયાર અને તત્પર છે, એવા રાષ્ટ્રને કોઈ હરાવી કે હઠાવી શકતું નથી.'
શ્વાસ લેવા રોકાયેલા ભીષ્મપિતામહે છેલ્લે કહ્યું - 'માળાના મણકા જેવી એકતા, ખડતલ ખેડૂત તથા પરાક્રમી વેપારી અને બલિદાન આપનારી પ્રજા- એ ચાર વાતને એકસાથે ગોઠવી દે યુધિષ્ઠિર! અને એ રાષ્ટ્ર હંમેશને માટે વિજયી જ બનશે. એને એક કે અનેક રાજ્યો એકસાથે પણ જીતી શકશે નહિ.'
મહાપ્રશ્રનો આવો મહાઉત્તર સાંભળી યુધિષ્ઠિરે મહાપિતાને મહાવંદન કર્યું.









