જંગલ જાગ્યું, ડેન્ગ્યુ ભાગ્યું !

- 'હું છું ડેન્ગ્યુ ફેલાવતી એડીસ મચ્છર! હું એક વેપારી જહાજમાં છુપાઈને છેક આફ્રિકાથી અહીં આવી પહોંચી છું. મારા શરીર અને પગ પર કાળા-સફેદ ટપકાં છે. મને ગંદુ કે ડહોળું પાણી જરાય પસંદ નથી. મને તો ચોખ્ખું અને કૂંડાં કે વાસણોમાં ભરાયેલું સ્થિર પાણી ખૂબ ગમે છે!'
- આરતીબેન જાવિયા
એક સુંદર અને લીલુંછમ જંગલ હતું. જંગલમાં વનરાજ સિમ્બા સિંહ, વાઘ, હરણ, સસલું, વાંદરો, હાથી, મોર, ચકલી, પોપટ સહિત અનેક પશુ-પક્ષીઓ સંપ અને શાંતિથી રહેતાં હતાં. જંગલની વચ્ચે એક રમણીય તળાવ હતું, જ્યાં બધાં પ્રાણીઓ અને પંખીઓ તરસ છીપાવવા આવતાં હતાં.
એક વખત જંગલમાં મૂશળધાર વરસાદ વરસ્યો. આખા વનમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયાં. મોટાં પાંદડાં, સૂકાં નાળિયેરનાં કાચલાં અને નાના-મોટા ખાડાઓ વરસાદી પાણીથી છલકાઈ ગયાં.
થોડા દિવસો પછી જંગલમાં એક માદા એડીસ ઇજિપ્તી જાતિની મચ્છર આવી પહોંચી. ચકલીની નજર તેના પર પડી એટલે તેણે પૂછયું, 'તું કોણ છે?'
મચ્છરે ઘમંડથી કહ્યું, 'હું છું ડેન્ગ્યુ ફેલાવતી એડીસ મચ્છર! હું એક વેપારી જહાજમાં છુપાઈને છેક આફ્રિકાથી અહીં આવી પહોંચી છું. મારા શરીર અને પગ પર કાળા-સફેદ ટપકાં છે. મને ગંદુ કે ડહોળું પાણી જરાય પસંદ નથી. મને તો ચોખ્ખું અને કૂંડાં કે વાસણોમાં ભરાયેલું સ્થિર પાણી ખૂબ ગમે છે! એમાં જ હું મારાં અસંખ્ય ઈંડાં મૂકીશ. હું બહુ ઊંચે કે લાંબે ઊડી શકતી નથી, એટલે આ જંગલમાં જ રહીને તમને બધાંને કરડીશ અને ડેન્ગ્યુનો રોગચાળો ફેલાવીશ!'
આ સાંભળીને ચકલી તો ભારે ચિંતામાં પડી ગઈ. તે તાબડતોબ રાજા સિમ્બા સિંહ પાસે પહોંચી અને આખી વાત વિગતવાર જણાવી. ચકલી બોલી, 'મહારાજ, આપણા જંગલમાં ઠેરઠેર ચોખ્ખું પાણી ભરાયેલું પડયું છે. જો આ સ્થિર પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધશે, તો સમગ્ર જંગલવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ જશે!'
સિમ્બા સિંહને આ વાત ગંભીર લાગી. તેમણે સમય ગુમાવ્યા વિના તાત્કાલિક તમામ પશુ-પક્ષીઓની એક આપાતકાલીન સભા બોલાવી અને સૌને સ્વચ્છતાની જવાબદારીઓ સોંપી દીધી.
બીજા જ દિવસથી બધાં પોતપોતાના કામે લાગી ગયાં. હાથીભાઈએ પોતાની લાંબી સૂંઢ વડે જૂનાં વાસણો અને ડબ્બાઓમાં ભરાયેલું પાણી ઢોળી નાખ્યું.
હરણોએ જંગલના નાના-મોટા ખાડાઓમાં માટી પૂરીને સપાટ કરી દીધા.
વાંદરાઓએ ઝાડ પરથી નાળિયેરનાં કાચલાં, તૂટેલાં પ્લાસ્ટિકનાં પાત્રો અને નકામી વસ્તુઓ વીણીને દૂર કરી.
પક્ષીઓએ આકાશમાંથી બાજ નજર રાખીને જ્યાં જ્યાં પાણી ભરાયેલું દેખાયું, ત્યાં ત્યાં તરત જ નીચે આવીને બધાંને જાણ કરી.
સભામાં ચતુર શિયાળે એક મહત્વની સલાહ આપી, 'માત્ર ઊડતાં મચ્છરોને મારવાથી આ ઉપદ્રવ નહીં અટકે. જ્યાં મચ્છરોનો જન્મ થાય છે એ તમામ સ્રોત આપણે સમૂળગા નષ્ટ કરવા પડશે!'
બધાંએ શિયાળની આ વૈજ્ઞાાનિક વાત
માની લીધી.
એવામાં એક ઝાડી પાછળ પડેલા એક જૂના વાસણમાં પાણી તો નહોતું, પણ અંદર ભારે ભેજ રહેલો હતો. ડેન્ગ્યુની મચ્છરે એ ભીની કિનારી પર જ પોતાનાં ઈંડાં ચોંટાડી દીધાં હતાં!
ચતુર ચકલીની નજર તરત ત્યાં પડી. તે બોલી ઊઠી, 'અરે! અહીં ભલે પાણી ભરાયેલું નથી, છતાં આ ભીની કિનારી પર મચ્છરનાં સેંકડો ઈંડાં ચોંટેલાં છે!'
હાથીભાઈએ જરાય વાર કર્યા વિના પગ મૂકીને એ વાસણને ઊંધું વાળી સાફ કરી નાખ્યું.
પોતાની યોજના નિષ્ફળ જતાં મચ્છર ગુસ્સે થઈને બબડી, 'તમે બધાએ ભેગા મળીને મારી આખી યોજના બગાડી નાખી!'
સસલું હસીને બોલ્યું, 'અમે તને મારવા પાછળ નથી દોડયા, અમે તો તારા વંશવૃદ્ધિનું કારણ જ નષ્ટ કરી દીધું છે!'
બધાં પશુ-પક્ષીઓ એકસૂરે ગર્જના કરી ઊઠયાં-
'પાણી ભરાવા નહીં દઈએ,
મચ્છરોને વધવા નહીં દઈએ!
જંગલ સ્વચ્છ બનાવીશું,
ડેન્ગ્યુને દૂર ભગાડીશું!'
જોતજોતામાં જંગલમાંથી મચ્છરોનો ઉપદ્રવ સાવ નાબૂદ થઈ ગયો અને આખું જંગલ ફરીથી સ્વસ્થ અને ખુશખુશાલ બની ગયું.
અંતમાં વનરાજ સિમ્બા સિંહે સૌને પ્રેરક સંદેશ આપતાં કહ્યું-
'ડેન્ગ્યુ સામેની ખરી લડાઈ માત્ર મચ્છર મારવાથી નથી જીતાતી, પરંતુ તેના પ્રજનન અને જન્મસ્થાનનો નાશ કરવાથી જીતાય છે!'
સૌએ વનરાજ સિમ્બાને આદરપૂર્વક પ્રણામ કર્યા.




