Zagmag

ખેડૂત અને કાબેલક વાનર

By GS Team
10 Jul 20263 mins read
ખેડૂત અને કાબેલક વાનર

ખેડૂતે પહેલાં કરતાં બમણા કાંટા આંબાના થડ ફરતે ભરાવ્યા.આ વખતે વાંદરાભાઈ જબરા ફસાયા! આંબો વિશાળ અને ઊંચો હતો એટલે કૂદકો લગાવી નીચે અવાય એમ નહોતું.
હસમુખ આસોડિયા 'કલ્પન'

પશુ-પંખીઓને રહી જવાનું મન થઈ આવે એવું એક સુંદર ગામ શોભતું હતું. ગામને છેવાડે એક વિશાળ વડ અડીખમ ઊભો હતો. અડખે-પડખે ખેતરોની લાંબી હાર જોવા મળતી હતી. ખેતરોના શેઢા ઉપર ક્યાંક ક્યાંક આંબા, જાંબુ અને મહુડાનાં વૃક્ષો પવનમાં લહેરાતાં હતાં. આ બધાં આંબામાં એક બારમાસી આંબો હતો. આ બારમાસી આંબા પર પાર વિનાની કેરીઓ ડાળીઓ પર લટકતી હતી. આવતા-જતા સહુ કોઈ આ કેરીઓને ફાટી આંખે જોયા કરતા.
વન-વગડેથી વિખૂટો પડેલો એક વાનર આ ખેતરે આવી ચડયો. વાનરે આંબા તરફ નજર નાખી. કેરીઓ જોતાં જ તે રાજીના રેડ થઈ ગયો. કૂદાકૂદ કરતાં વાનરે આજુબાજુ નજર દોડાવી. આંબા પર ચડતાં જ એની નજરમાં આવ્યું કે ખેતરના માલિકે આંબાના થડની ફરતે કાંટા બાંધી રાખ્યા હતા. વાનર વિચારમાં પડયો કે હવે કરવું શું? કેરીઓ જોઈ મોંમાં પાણી આવ્યું હતું. એ કંઈ હિંમત હારે? વાંદરાભાઈએ તો છલાંગ લગાવી. લાંબી ફલાંગ ભરતાં આંબા પર ચડયા. વાંદરાભાઈને તો મીઠી કેરીઓ પણ ભાવે ને આંબાનાં કૂણાં કૂણાં તાજાં પાન પણ ભાવે. ખવાય એટલું ખાઈ લીધું ને પછી તે તોફાને ચડયા. નાહકની કેરીઓ અને નાની ડાળખીઓ તોડી નાખી.
થોડીવારમાં ખેતરનો માલિક હાંફતો-હાંફતો આવી ચડયો. વાનરનું તોફાન જોતાં જ તે ક્રોધે ભરાયો. ખેડૂતે નક્કી કર્યું કે વાનરને એની સજા આપવી જ છે. ખેડૂતે પહેલાં કરતાં બમણા કાંટા આંબાના થડ ફરતે ભરાવ્યા. આ વખતે વાંદરાભાઈ જબરા ફસાયા! આંબો વિશાળ અને ઊંચો હતો એટલે કૂદકો લગાવી નીચે અવાય એમ નહોતું.
ખેડૂતે વાંદરા પકડવાની વાન બોલાવવા ફોન કર્યાે. વાંદરાભાઈ ભારે સંકટમાં મૂકાયા. આખરે વાંદરાએ જોર જોરથી 'હા… હા… ખા… ખા…' એમ ખિખિયારીઓ બોલાવવી શરૂ કરી. વાંદરાભાઈનો આ અવાજ સાંભળી ઘણા બધા વાંદરા એક પછી એક ત્યાં આવવા લાગ્યા. ખેતરના ખૂણે વાનરોની મોટી સભા ભરાઈ. સૌ વાત પામી ગયા, પણ હવે કરવું શું?
વાનરોની સભામાં કાબેલક નામનો એક ઘરડો પણ ખૂબ બુદ્ધિશાળી વાનર હતો. કાબેલક વાનરે ખેડૂત પાસેથી વાંદરાભાઈને છોડાવવા માટે બીડું ઝડપ્યું. કાબેલક વાનર ખેડૂત પાસે ગયો અને વિનંતીના સ્વરમાં કહ્યું, 'હે ધરતીપુત્ર! આપની અને અમારી યુગો-યુગોથી ઓળખાણ છે. અમે વન-વગડે રહીએ, કોક દિવસ આમ ગામમાં આવી ચડીએ. બસ એમ જ અમારા કબીલાનો આ વાનર અમારાથી વિખૂટો પડી તમારા ખેતરે આવી ચડયો અને અજાણતામાં તોફાન કર્યું. કેરીની લાલચમાં અને સ્વભાવવશ થયેલા અપરાધની આટલી મોટી સજા ન આપશો.'
કાબેલક આગળ બોલ્યો, 'અમે ફરીથી આપના ખેતરમાં આવીશું નહીં. તમે ખેડૂત છો અને દયાવાન કહેવાઓ છો. પ્રાણીઓ અને પંખીઓ તમને વહાલાં હોય છે. કૃપા કરીને અમારા વાનરભાઈને છોડી દો.'
આખરે ખેડૂતનું હૃદય પીગળ્યું. ખેડૂતે વાનર પકડવાની વાનને અડધે રસ્તેથી જ પાછી વળાવી દીધી. આંબાના થડ પરના બધા કાંટા હટાવ્યા. વાનરભાઈ હરખાઈને નીચે ઊતર્યા અને નીચે પડેલી બે-ચાર કેરીઓ હાથમાં લેતા ગયા. ખેડૂતે પણ હસતાં-હસતાં ઘણી બધી કેરીઓ વાનરટોળાને ખાવા માટે આપી.