Zagmag

સુંદરવનમાં રમતોત્સવ

By GS Team
23 Oct 20265 mins read
સુંદરવનમાં રમતોત્સવ
  • 'અપ્પુ, તારે આટલી જોરથી ફૂટબોલને લાત નહીં મારવાની! તું તો પહાડ જેવો ભારેખમ અને જાડોપાડો છે. તારા આ ભીમકાય પ્રહારથી અમને નાનાં પ્રાણીઓને બહુ તકલીફ પડે છે.'
  • ભરત પંચોલી

વનરાજ સિંહ મહારાજ દર વર્ષે સુંદરવનમાં ભવ્ય રમતોત્સવનું આયોજન કરતા. તેઓ દ્રઢપણે માનતા કે વિવિધ રમતો રમવાથી શરીર સુદ્રઢ અને મજબૂત બને છે તેમજ મનની ચપળતા વધે છે. તેથી જ તેઓ જંગલનાં તમામ પ્રાણીઓનાં બચ્ચાં આ રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લે તેવો ખાસ આગ્રહ રાખતા.
રમતોત્સવમાં જાતજાતની રોમાંચક સ્પર્ઘાઓનું આયોજન કરવામાં આવ્યું હતું- કબડ્ડી, હોકી, ફૂટબોલ, દંડા ફેંક, ભાલા ફેંક, ઊંચો કૂદકો, લાંબો કૂદકો, દોડ, કોથળા દોડ, લીંબુ-ચમચી અને સંગીત ખુરશી! આ તમામ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નાનાં બચ્ચાં તેમજ મોટાં પ્રાણીઓ પણ થનગની રહ્યાં હતાં. સૌમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ છવાયેલો હતો. વાઘુભાઈ, મીની મ્યાંઉ, ચિન્ટુ ચિત્તો, મોન્ટુ હાથી, ઝીલુ ઝિરાફ અને હણુ હરણ વગેરે સ્પર્ધાના નિર્ણાયક બન્યા હતા.
ટીનુ મ્યાંઉ, ગલુ ગલુડિયું, અપ્પુ મદનિયું, વનુ વાંદરો, સસ્સુ સસલું અને હની હરણ ફૂટબોલની મેચમાં સામસામે રમી રહ્યાં હતાં. લાઉડસ્પીકર પરથી જુદી જુદી સ્પર્ધાઓની જીવંત કોમેન્ટરી ગુંજી રહી હતી.
ફૂટબોલની મેચ બરાબર જામી હતી. પ્રેક્ષક બનેલાં પ્રાણીઓ કિકિયારીઓ પાડીને ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યાં હતાં. ટીનુ મ્યાંઉ અને ગલુ ઝડપથી દોડીને બોલ પાસ કરી રહ્યાં હતાં. વનુ વાંદરો વચ્ચે વચ્ચે ગેલમાં આવી કૂદાકૂદ કરતો હતો. સસ્સુ સસલું અદભુત ચપળતા દાખવતું હતું, જ્યારે હની હરણ વીજળીવેગે દોડીને ફૂટબોલની સુંદર રમત રમી રહ્યો હતો.
પરંતુ અપ્પુ હાથી શરીરે ભારે હોવાથી ધીમે ધીમે રમતો હતો. તેને રમતમાં ખાસ મજા નહોતી આવી રહી. એક તો તેનાથી ઝડપથી દોડાતું નહોતું અને ભારેખમ શરીરને કારણે ભરશિયાળે પણ રેબઝેબ પરસેવો વળી ગયો હતો! છતાં પ્રેક્ષકોને અપ્પુની રમત જોવામાં ભારે મનોરંજન મળતું હતું. તેનું ગોળમટોળ શરીર જ્યારે જોરથી ફૂટબોલને લાત મારતું, ત્યારે બોલ હવામાં ફંગોળાઈને છેક દૂર દૂર સુધી ઊડી જતો! બધાં પ્રાણીઓ એ બોલ પાછળ દોડાદોડ કરતાં.
ટીનુ મ્યાંઉએ કહ્યું, 'અપ્પુ, તારે આટલી જોરથી ફૂટબોલને લાત નહીં મારવાની! તું તો પહાડ જેવો ભારેખમ અને જાડોપાડો છે. તારા આ ભીમકાય પ્રહારથી અમને નાનાં પ્રાણીઓને બહુ તકલીફ પડે છે.'
આ સાંભળી અપ્પુને મનોમન અભિમાન આવી ગયું- 'જોયું, હું કેવી જોરદાર લાત મારું છું કે બોલ છેક આકાશને આંબી જાય છે!' આમ વિચારીને તે ફરીથી બોલને જોરદાર કિક મારવા ગયો. પરંતુ તેનો પગ ભીની માટીમાં લપસ્યો! બોલને બદલે પથ્થર સાથે તેના પગની જોરદાર ઠોકર વાગી અને અપ્પુ ધડામ દઈને જમીન પર ગબડી પડયો!
'અપ્પુ પડયો! અપ્પુ પડયો! પહાડ જેવો અપ્પુ ગબડી પડયો!' કહીને ટીનુ અને ગલુ તો ખડખડાટ હસવા લાગ્યાં. આ જોઈ અપ્પુને ભારે ગુસ્સો આવ્યો- 'એક તો મને વાગ્યું છે અને તમે બંને ઊભાં ઊભાં દાંત કાઢો છો?' અપ્પુએ ઊભા થવા ખૂબ મથામણ કરી, પણ ભારે શરીરને લીધે તેનાથી ઊભા ન થવાયું. તે તો રડમસ થઈને પોકારવા લાગ્યો, 'કોઈ મને ઊભો કરો… અરે, કોઈ મને મદદ કરો!'
ટીનુ અને ગલુએ અપ્પુને ઊંચકવાનો પ્રયત્ન કર્યાે, પણ એવા પહાડ જેવા અપ્પુ મદનિયાને બે નાનાં જીવ કઈ રીતે ઊભો કરી શકે? સૌ ભેગાં થઈને મુંઝાઈ ગયાં કે હવે અપ્પુને કેમ ઊભો કરવો.
એવામાં વનુ વાંદરો ઝાડની ડાળ પર ચડીને બોલ્યો, 'અપ્પુ, તારે મીઠી મીઠી શેરડી ખાવી છે? મને આ ઝાડની ટોચ પરથી દૂર એક સરસ મજાનું ખેતર દેખાય છે. જો તું ઝટપટ બેઠો થઈ જાય, તો હું તને શેરડીના ખેતરમાં લઈ જાઉં!'
'શેરડી! ક્યાં છે શેરડી? મને તો શેરડી બહુ ભાવે છે!' શેરડીનું નામ પડતાં જ અપ્પુના કાન ચમક્યા.
વનુ બોલ્યો, 'પહેલાં તું જાતે ઊભો થા, પછી આપણે સાથે જઈને શેરડી ખાઈશું.'
શેરડીની લાલચ જાગતાં જ અપ્પુ બધો આળસ-મરોડ ખંખેરીને એક જ ઝાટકે સીધો ઊભો થઈ ગયો! આ જોઈ બધાં પ્રાણીઓ હસી પડયાં. સસ્સુ સસલું બોલ્યું, 'વાહ રે અપ્પુ! શેરડી ખાવાના લોભે કેવો તરત ઊભો થઈ ગયો! નહીંતર પડયો પડયો આખો દહાડો રડયા જ કરત!'
અપ્પુએ ઉત્સાહથી કહ્યું, 'ચાલ વનુ, હવે ઝડપથી આપણને શેરડીના ખેતરમાં લઈ જા!'
વનુ મોઢું મલકાવીને બોલ્યો, 'શેરડી કેવી ને વાત કેવી! અહીં આસપાસ કોઈ ખેતર નથી. હું તો તને ઊભો કરવા યુક્તિ કરતો હતો!' એમ કહી વનુ વાંદરો અપ્પુને ચીડવવા લાગ્યો. અપ્પુ તો ક્રોધથી લાલચોળ થઈ ગયો.
'સારું સારું અપ્પુ, તું ગુસ્સે ન થા,' કહી વનુએ ખિસ્સામાંથી કાગળનો ટુકડો કાઢયો, 'જો, આ કાગળ પર શેરડીના ખેતરનું ચિત્ર છે! આને જોઈ લે અને બેઠો બેઠો મનથી શેરડી ખાજે!'
'એમ! તું મારી મશ્કરી કરે છે વનુડા? હવે તારી ખેર નથી!' કહી અપ્પુએ ગુસ્સામાં આવી સૂંઢ વડે ઝાડનું થડ પકડીને જોરજોરથી હલાવવા માંડયું. પણ ચતુર વનુ કૂદીને બીજા ઊંચા ઝાડ પર જતો રહ્યો. અપ્પુ દોડી દોડીને સાવ થાકી ગયો અને હાંફતાં બોલ્યો, 'નીચે આવ, પછી તને બતાવું!'
ત્યાં શાંત સ્વભાવનું ઝીણું ઝિરાફ આગળ આવ્યું અને પ્રેમથી બોલ્યું, 'અપ્પુ, તું નિરાશ ન થા. મારા પપ્પાના પરમ મિત્ર રામુકાકાનું નજીકમાં જ શેરડીનું મોટું ખેતર છે. તેઓ અત્યંત ભલા અને માયાળુ છે. ચાલો, આપણે સૌ ત્યાં જઈએ. આપણે ધરાઈને શેરડી ખાઈશું અને મોજ કરીશું!'
આ બાજુ ફૂટબોલની રમત પડતી મૂકીને બધાં મિત્રો રામુકાકાના ખેતર તરફ દોડયાં.
રસ્તામાં ઝીણું ઝિરાફે સૌને શિખામણ આપી- 'ખેતરમાં જઈને આપણે સૌએ એકદમ શાંતિ જાળવવાની છે. કોઈએ ત્યાં તોફાન-મસ્તી કરવાની નથી અને કાકાના પાકને જરાય નુકસાન પહોંચાડવાનું નથી. રામુકાકા પ્રેમથી આપે તો જ શેરડી ખાવાની, બાકી કોઈએ જિદ્દ કે ગુસ્સો કરવાનો નથી.'
અપ્પુએ ચિંતા વ્યક્ત કરી, 'કદાચ તેઓ ના પાડશે તો મને શેરડી ખાવા નહીં મળે?'
ઝીણુંએ કહ્યું, 'તેઓ ક્યારેય ના નહીં પાડે. હું પોતે તેમની સાથે વિનમ્રતાથી વાત કરીશ.'
સૌ રામુકાકાના ખેતરે પહોંચ્યાં. રામુકાકાએ નાનાં ભૂલકાંઓને જોઈને હેતભર્યાે આવકાર આપ્યો. ઝીણુંએ બધી વાત માંડીને કહી. રામુકાકા હસીને બોલ્યા, 'અરે વાહ! તમે બધાં તો ખૂબ ડાહ્યાં બાળકો છો. તમારે જેટલી ખાવી હોય તેટલી મીઠી શેરડી પેટ ભરીને ખાઓ અને તાજો રસ પણ પીવો!' સૌએ ધરાઈને શેરડી ચૂસી અને મીઠો રસ પીધો.
સૌથી વધુ આનંદ અપ્પુ મદનિયાને આવ્યો. અપ્પુએ આનંદમાં આવી સૂંઢ હલાવતાં કહ્યું, 'જો હું મેદાનમાં ગબડી ન પડયો હોત, તો આપણને આવી મીઠી શેરડી ખાવા મળત ખરી? ખરું ને મિત્રો! મેં તો એટલી બધી શેરડી ખાધી છે કે હવે મારાથી ડગલુંય ભરાય તેમ નથી!'
એવામાં અપ્પુના પપ્પા તેને શોધતાં શોધતાં ખેતરે આવી પહોંચ્યા. તેમણે અપ્પુનો મોટો કાન પકડીને વહાલભર્યા ઠપકા સાથે કહ્યું, 'ચાલ અપ્પુડા, ઘેર જવાનો સમય થઈ ગયો છે!'
અપ્પુ કાન પકડાયેલી હાલતમાં જ પગ ઉપાડીને દોડવા લાગ્યો. આ દ્રશ્ય જોઈ બધાં મિત્રો હસતાં હસતાં ગાવા લાગ્યાં-
'ભાગ્યો ભાગ્યો, અપ્પુ કેવો ભાગ્યો!
પપ્પાએ ખેંચ્યા કાન, ને અપ્પુ દડબડ દડબડ ભાગ્યો!'