કેમિસ્ટ્રીમાં સાદો અને સરળ ટેસ્ટઃ લિટમસ

ઘણી વખત વ્યવહારમાં અઘરી કસોટીને 'લિટમસ ટેસ્ટ' કહેવાનો રિવાજ છે. લિટમસ ટેસ્ટ ખરેખર તો કેમિસ્ટ્રીમાં કોઈપણ પદાર્થ એસિડિક છે કે કેમ તે જાણવા માટેનો સૌથી જૂનો અને સરળ ટેસ્ટ છે. ૧૩મી સદીમાં સ્પેનના એમેલ્ડસ ડી વિલા નોવા નામના વિજ્ઞાાનીએ પ્રથમવાર લિટમસ ટેસ્ટ કરેલો. લિટમસ પેપર નેધરલેન્ડમાં થતા લિશન્સ નામના છોડના રસામાંથી બને છે. આ છોડના રસમાં ઘણા બધા રંગો હોય છે.
ભૂરા લિટમસ પેપરને એસિડિક પ્રવાહીમાં બોળતાં લાલ થઈ જાય છે અને લાલ લિટમસને બોળતાં તે ભૂરો થઈ જાય છે. કોઈપણ પ્રવાહીમાં લિટમસ પેપર બોળીને તે એસિડિક છે કે આલ્કલી તે તરત જ જાણવા મળે છે. કેમિસ્ટ્રીમાં પ્રવાહી એસિડિક છે કે આલ્કલી તે મહત્ત્વપૂર્ણ છે એટલે આ ટેસ્ટ આજે પણ વ્યાપક રીતે ઉપયોગી થાય છે. હવે તો ઘણા બધા છોડના રસમાં લિટમસ જેવા ગુણ હોવાનું જાણવા મળ્યું છે. લાલ કોબીજના રસામાંથી પણ લિટમસ પેપર બનાવી શકાય છે. પીવાના પાણીમાં એસિડિક દ્રવ્યો છે કે કેમ તે જાણવા પણ લિટમસ ટેસ્ટ થાય છે.




