એકલાં ખવાય ?

કિરીટ ગોસ્વામી
'આમ જામફળ માટે ઝઘડો ન કરાય! બંને સંપીને ખાઓ! કુદરતે આપેલો ખાનપાનનો ખજાનો આપણા સહુનો સહિયારો છે! એના પર બધાંયનો સમાન હક છે, તેથી એકલાં કદી ન ખવાય!'
એક કીડી જામફળના ઝાડ પર ચડી. ઝાડ પર સરસ મજાનું જામફળ લટકતું જોઈને કીડીના મોંમાં તો પાણી આવ્યું! કીડી રાજી થતાં, મનોમન બોલી, 'આહા! આ જામફળ ખાવાની કેવી મજા પડશે!
એકલી-એકલી જામફળ ખાઉં!
મીઠું-મીઠું જામફળ ખાઉં!
જામફળ ખાઈને તગડી થાઉં!
છાનીમાની ભાગી જાઉં!'
કીડી હજી તો જામફળ ખાવાના વિચારમાં હતી, ત્યાં ઊડતી આવીને એક ચકલી ડાળીએ બેઠી.
જામફળ જોઈને ચકલી પણ રાજી થઈ ગઈ. તેના મોંમાં પણ પાણી આવ્યું!
'વાહ… કેવું સરસ જામફળ છે! આજે તો ખાવાની મજા પડી જશે!' ચકલી તો મનોમન રાજી થતાં બોલી ગઈ.
જામફળને નજીકથી જોઈને ચકલીનો રાજીપો વધી ગયો.
'લીલું-લીલું જામફળ!
મારું વહાલું જામફળ!
ચાલો, ખાઉં જામફળ!
સહુથી છૂપાવું જામફળ!'
ચકલીએ કીડીને કહ્યું, 'જામફળ તો હું જ ખાઈશ! તને નહીં આપું!'
કીડી બોલી, 'ના, ના, જામફળ તો હું ખાઈશ! તને નહીં આપું!'
કીડી અને ચકલીની વચ્ચે જામફળ ખાવાની બાબતે મોટો ઝઘડો થયો.
એવામાં ત્યાં રમતી-રમતી એક ખિસકોલી આવી. બંનેના ઝઘડાનું કારણ પૂછયું.
કીડીએ તરત જ કહ્યું, 'આ જામફળ પહેલાં મેં જોયું! એટલે મારું કહેવાય ને! તો હું જ જામફળ ખાઈશ!'
ચકલી કહે, 'ના હોં! જામફળ તો ઊડતાં-ઊડતાં મેં જોયું! એટલે જામફળ તો હું જ ખાઈશ!'
કીડી અને ચકલીના ઝઘડાની વાત સાંભળીને ખિસકોલીએ બંનેને શાંત પાડતાં કહ્યું, 'આમ જામફળ માટે ઝઘડો ન કરાય! બંને સંપીને ખાઓ! કુદરતે આપેલો ખાનપાનનો ખજાનો આપણા સહુનો સહિયારો છે! એના પર બધાંયનો સમાન હક છે, તેથી એકલાં કદી ન ખવાય!'
ખિસકોલીની આ સુંદર સલાહ કીડી અને ચકલીને ગમી ગઈ.
બંનેએ સાથે મળીને મોજથી જામફળ ખાધું ને ખિસકોલીને પણ ખવડાવ્યું!









