શાણી બિલ્લી ટીચરજી

- બિલ્લી ટીચરજીએ સૌને શીખ આપી, 'અજાણતાં ભૂલ થઈ જાય એ ગુનો નથી, પરંતુ ભૂલનો નિખાલસ સ્વીકાર કરીને માફી માંગવી એ સાચી બહાદુરી છે.' તે દિવસથી બાળપ્રાણીઓ નાની-નાની બાબતોમાં ઝઘડવાને બદલે એકબીજાની ભાવના સમજવા લાગ્યાં.
- બિલ્લી ટીચરજી શાળા શરૂ થતાં પહેલાં જ આખો વર્ગ સરસ રીતે ગોઠવી દેતાં. તેઓ ક્યારેય હાથમાં સોટી કે લાકડી રાખતાં નહીં. તેમના હાથમાં હંમેશાં એક પુસ્તક અને ચહેરા પર મીઠું સ્મિત રહેતું.
- ડો. ફાલ્ગુની રાઠોડ 'ફાગ'
એ ક ગાઢ લીલુંછમ જંગલ હતું. જંગલમાં ઊંચાં-ઊંચાં વૃક્ષો, રંગબેરંગી ફૂલો, ઠંડાં ઝરણાં અને મધુર અવાજે ગાતાં પક્ષીઓ હતાં.
આ જંગલનાં બધાં પ્રાણીઓ સંપ અને પ્રેમથી હળીમળીને રહેતાં હતાં.
જંગલની વચ્ચે 'વનમિત્ર વિદ્યાલય' નામની એક સુંદર શાળા હતી. શાળામાં સસલું, હરણ, વાંદરો, ખિસકોલી, ચકલી, મોર, હાથી અને કાચબાનાં બચ્ચાં ભણતાં હતાં.
શાળાના શિક્ષક હતા સિંહસાહેબ.
તેઓ બહારથી કડક દેખાતા, પરંતુ હૃદયથી ખૂબ પ્રેમાળ હતા. તેઓ હંમેશાં બચ્ચાંને કહેતા, 'માત્ર પુસ્તકનું જ્ઞાાન પૂરતું નથી. એક સારા પ્રાણી બનવું એ જ સાચું શિક્ષણ છે.'
એક દિવસ સિંહસાહેબ અચાનક બીમાર પડી ગયા.
બીજા દિવસે તેઓ શાળાએ આવી શક્યા નહીં, તેથી બચ્ચાં આખો દિવસ ઉદાસ રહ્યાં.
વાંદરો બોલ્યો, 'હવે આપણને કોણ ભણાવશે?'
સસલું બોલ્યું, 'મને તો સિંહસાહેબ વગર શાળામાં મજા જ નહીં આવે!'
ત્યારે જ શાળાના દરવાજે એક નાનકડી બિલાડી આવી. તેનું નામ હતું સોનુ બિલ્લી.
તે ખૂબ બુદ્ધિશાળી, ચતુર અને માયાળુ હતી. તે જંગલમાં સૌને મદદ કરતી હોવાથી બધાં તેને સારી રીતે ઓળખતાં હતાં.
સોનુ બિલ્લીએ બાળકોને વહાલથી કહ્યું, 'બાળકો, સિંહસાહેબ થોડા દિવસ આરામ કરશે. ત્યાં સુધી હું તમને ભણાવીશ.'
આ સાંભળી બધાં બાળકો રાજી-રાજી થઈ ગયાં. બીજા દિવસથી સોનુ બિલ્લી બની ગઈ 'બિલ્લી ટીચરજી'.
બિલ્લી ટીચરજી શાળા શરૂ થતાં પહેલાં જ આખો વર્ગ સરસ રીતે ગોઠવી દેતાં.
તેઓ ક્યારેય હાથમાં સોટી કે લાકડી રાખતાં નહીં.
તેમના હાથમાં હંમેશાં એક પુસ્તક અને ચહેરા પર મીઠું સ્મિત રહેતું.
સૌપ્રથમ દિવસે તેમણે બચ્ચાંઓને પૂછયું, 'બાળકો, કહો જોઈએ, શાળામાં આપણે શા માટે આવીએ છીએ?'
વાંદરો તરત બોલ્યો, 'રજા પડે ત્યારે વહેલા ઘેર જવા!'
આ સાંભળી બધાં બાળપ્રાણીઓ ખડખડાટ હસી પડયાં.
હાથી બોલ્યો, 'ભણવા માટે.'
ટીચરજી બોલ્યાં, 'સાચી વાત, પણ ભણવું એટલે માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવા પૂરતું નથી. ભણવું એટલે સાચું-ખોટું પારખવું અને જીવનમાં યોગ્ય નિર્ણયો લેતાં શીખવું.'
એક દિવસ બિલ્લી ટીચરજીએ બાળકોને ગણિત શીખવવાનું નક્કી કર્યું.
તેમણે ટેબલ પર દસ કેરીઓ મૂકી અને પૂછયું, 'જો અહીં દસ કેરી છે અને પાંચ બચ્ચાં છે, તો દરેકને કેટલી કેરી મળે?'
વાંદરો તરત બોલી ઊઠયો, 'મને પાંચ!'
બિલ્લી ટીચરજી હસ્યાં, 'અને બાકીનાં બાળકોનું શું?'
વાંદરો શરમાઈને ચૂપ થઈ ગયો.
સસલું બોલ્યું, 'બધાને સરખે ભાગે બે-બે કેરી મળે.'
ટીચરજી બોલ્યાં, 'વાહ! આનું નામ સાચું ગણિત અને સાચો ન્યાય!'
બાળકોને હવે ભણવામાં ખૂબ રસ પડવા લાગ્યો.
બીજા એક દિવસે ટીચરજીએ પર્યાવરણનો પાઠ ભણાવ્યો.
તેમણે પૂછયું, 'આપણું જંગલ એ આપણું ઘર છે. જો આપણે વૃક્ષો કાપી નાખીશું અને ગંદકી ફેલાવીશું તો શું થશે?'
ચકલી બોલી, 'પક્ષીઓને રહેવા માટે માળા નહીં મળે.'
હરણ બોલ્યું, 'અમને તાજો ખોરાક અને શીતળ છાંયડો નહીં મળે.'
હાથી બોલ્યો, 'જંગલનું કુદરતી સૌંદર્ય નષ્ટ થઈ જશે.'
બિલ્લી ટીચરજી ખુશ થઈ બોલ્યાં, 'ખૂબ સરસ! આજથી આપણે સૌ સાથે મળીને જંગલને હરિયાળું અને સ્વચ્છ રાખીશું.'
બાળકોએ નિયમ લીધો કે કોઈ કચરો નહીં ફેંકે અને દર અઠવાડિયે એક વૃક્ષનો ઉછેર કરશે.
થોડા દિવસ પછી વર્ગમાં એક નાની તકરાર થઈ. રમતાં-રમતાં વાંદરાના હાથે ખિસકોલીની પેન્સિલ તૂટી ગઈ. ખિસકોલી ગુસ્સે થઈને બોલી, 'તેં મારી પેન્સિલ કેમ તોડી?'
વાંદરો બોલ્યો, 'ભૂલથી તૂટી ગઈ!' બંને વચ્ચે ઝઘડો વધવા લાગ્યો.
બિલ્લી ટીચરજીએ બંનેને પ્રેમથી પાસે બોલાવ્યાં અને પૂછયું, 'વાંદરાભાઈ, જો તારી કોઈ પ્રિય વસ્તુ તૂટી જાય તો તને કેવું લાગે?'
વાંદરો ધીમેથી બોલ્યો, 'મને પણ દુખ થાય.'
'તો પછી ખિસકોલીને પણ ખરાબ લાગ્યું હોય ને?'
વાંદરાને પોતાની ભૂલ સમજાઈ. તેણે ખિસકોલીની માફી માંગતાં કહ્યું, 'મને માફ કરજે, હું તને નવી પેન્સિલ લાવી આપીશ.'
ખિસકોલીએ સ્મિત વેરતાં કહ્યું, 'ચાલ, હવે આપણે પાકાં મિત્રો!'
બિલ્લી ટીચરજીએ સૌને શીખ આપી, 'અજાણતાં ભૂલ થઈ જાય એ ગુનો નથી, પરંતુ ભૂલનો નિખાલસ સ્વીકાર કરીને માફી માંગવી એ સાચી બહાદુરી છે.' તે દિવસથી બાળપ્રાણીઓ નાની-નાની બાબતોમાં ઝઘડવાને બદલે એકબીજાની ભાવના સમજવા લાગ્યાં.
થોડાં અઠવાડિયાં પછી સિંહસાહેબ પૂર્ણ સ્વસ્થ થઈને શાળામાં પાછા ફર્યા. તેમણે જોયું કે શાળા પહેલાં કરતાં પણ વધુ સુંદર, સ્વચ્છ અને શિસ્તબદ્ધ બની ગઈ હતી! બાળકો પરસ્પર મદદ કરતાં હતાં, કચરો કચરાપેટીમાં નાખતાં હતાં અને નાનાં પ્રાણીઓની કાળજી લેતાં હતાં.
સિંહસાહેબે પ્રભાવિત થઈને કહ્યું, 'બિલ્લી ટીચરજી, તમે તો અદ્ભુત કામ કર્યું છે! બાળકોને પુસ્તકોની સાથે જીવન જીવવાનું ઉત્તમ શિક્ષણ પણ આપ્યું.'
બિલ્લી ટીચરજી હસીને બોલ્યાં, 'સાહેબ, શિક્ષકનું સાચું કામ માત્ર પાઠયપુસ્તકો ભણાવવાનું નથી. બાળકના મનમાં જ્ઞાાન, દયા, પ્રામાણિકતા, શિસ્ત અને સદ્ભાવનાનાં બીજ વાવવાનું છે.'
બધાં બચ્ચાંઓએ હર્ષથી તાળીઓ પાડી. વાંદરો કૂદીને બોલ્યો, 'બિલ્લી ટીચરજી, તમે તો અમારાં સૌથી શાણાં ટીચર છો!'
બધાં બાળકો એકસૂરે ગાવા લાગ્યાં-
'શાણી બિલ્લી ટીચરજી,
જ્ઞાાનની વાતો મજાની!
પ્રેમથી અમને ભણાવે,
સારા સંસ્કાર શીખવાડે!'
તે દિવસથી જંગલની એ શાળામાં ત્રણ નિયમો અવિભાજ્ય અંગ બની ગયા-
૧. દરરોજ કંઈક નવું શીખવું.
૨. દરરોજ કોઈને નિઃસ્વાર્થ મદદ કરવી.
૩. દરરોજ એક સારું કામ કરવું.
આ આદર્શોને લીધે 'વનમિત્ર વિદ્યાલય' માત્ર પુસ્તકીય જ્ઞાાન આપતી શાળા ન રહેતાં, જીવન ઘડતર કરતી આદર્શ સંસ્થા બની ગઈ.




