વરસાદનું ટીપું

- ટપુડાના હાથ પરથી વરસાદનું ટીપું મોતીની જેમ સરકી પડયું. અચાનક ઘણાં બધાં ટીપાં પડવાં લાગ્યાં… ટપક… ટપક.. ટપક…ટપુડાને વરસાદના ટીપાંથી ગલીપચી થવા લાગી. ટપુડો હાથ ઊંચો કરી નાચવા અને ગાવા લાગ્યો…
એક હતો ટપુડો. ગોળમટોળ ચહેરો ને ધોળા ધોળા ચાંદ જેવો ઉજળો! રોજ આકાશમાં કાળાં કાળાં વાદળોની જાન જોતો. આકાશમાં દોડતાં વાદળોને જોવાની ટપુડાને ખૂબ મજા પડતી.
એક દિવસ સાંજના સમયે અચાનક પવનના સુસવાટા સંભળાયા - સુ…સુ…સુ… કાળાં ડિબાંગ વાદળાં ખૂબ જ ઝડપથી સરતાં હતાં. ટપુડાને લાગ્યું કે આ વાદળોની જાન હમણાં જ જતી રહેશે, પણ એવું કાંઈ થયું નહીં. ટપુડો તો એકીટશે આકાશ સામું જોઈ રહ્યો. એટલામાં જોરથી અવાજ આવ્યો - 'ડામ…. ડામ…. ડામ… ટપુડો તો ગભરાઈ ગયો! એટલામાં જોરથી પવન આવ્યો - સુ….સુ…સુ….
અચાનક એકદમ અજવાળું છવાયું. કાળાં કાળાં વાદળો હજી દોડાદોડી કરતાં હતાં. આકાશમાં વીજળી - ઝબૂકી… ઝબુક…. ઝબુક…ઝબુક… હવે તો એકી સાથે ઝબુક… ડામ…. ઝબુક… ડામ… થવા લાગ્યું. ટપુડાને મજા પડવા લાગી! પવન હજી વાતો હતો - સુ….સુ….સુ….
આકાશમાંથી એક વરસાદનું ટીપું પડયું- ટપ…. બીજું ટીપું પડયું- ટપ… ટપુડાના હાથ પરથી વરસાદનું ટીપું મોતીની જેમ સરકી પડયું. અચાનક ઘણાં બધાં ટીપાં પડવાં લાગ્યાં… ટપક… ટપક.. ટપક… ટપુડાને વરસાદના ટીપાંથી ગલીપચી થવા લાગી. ટપુડો હાથ ઊંચો કરી નાચવા અને ગાવા લાગ્યો-
'આવ રે વરસાદ ટપક ટપક,
ઝીલી લઉં હું લપક લપક!
વીજળી ચમકે ચમક ચમક,
વાદળ ગરજે ધમક ધમક!'
આકાશમાં હવે તો ટપક ટપક ટીપાં દેખાવાં લાગ્યાં. ધરતી પર ટીપાં પડે - ટપ… ટપ…. જોતજોતામાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. ટપુડો વરસાદમાં ભીંજાયો. ટપુડાને ખબર પડી ગઈ કે ચોમાસું શરૂ થઈ ગયું છે, હવે મજા પડશે!
હવે ટપુડાની મમ્મી બહાર આવી. ટપુડાને ભીંજાતો જોઈ હસવા લાગી. અંધારું થવા આવ્યું. આકાશ આખું વરસતું હતું. મોરલાઓ મીઠા ટહુકા કરવા લાગ્યા. વાદળો હવે થોડાં શાંત થયાં. વરસાદનું ટીપું નીચે પડતાં જ વહેવા લાગ્યું - સર… સર… સર… ટપુડો છબછબિયાં કરવા લાગ્યો - છબ… છબ… છબ….
બાળદોસ્તો, તમે પણ વરસાદનું ટીપું જોયું હશે. આ ચોમાસામાં વરસાદનાં ટીપાં સાથે રમજો અને વરસાદનાં ટીપાંને ઝીલજો. અનુભવ એ જ સાચું જ્ઞાાન છે.




