મદદનું મેઘધનુષ

- યુગે નમ્રતાપૂર્વક કહ્યું, 'કાકા, હિંમત ન હારશો. નવો પાક ફરી લહેરાશે. આ મુશ્કેલ ઘડીમાં અમે સૌ તમારી સાથે છીએ.' થોડા દિવસ પછી મેઘરાજા શાંત થયા. પૂરનાં પાણી ઓસરવા લાગ્યાં.
- શૈલેષ રાઠોડ
નડિયાદ શહેરમાં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. નદીઓ બંને કાંઠે છલકાઈ ગઈ હતી અને નીચાણવાળી સોસાયટીઓમાં ઘૂંટણ સમાણાં પાણી ભરાઈ ગયાં હતાં. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતાં ચારેકોર અંધકાર છવાઈ ગયો હતો. કેટલાક પરિવારો પાસે પીવાનું શુદ્ધ પાણી નહોતું, તો કેટલાકનાં ઘરોમાં અનાજ ખૂટી પડયું હતું. ખેતરો બેટમાં ફેરવાઈ જતાં ધરતીપુત્રોની આંખોમાં ભારે ચિંતા
વ્યાપેલી હતી.
આ કરુણ પરિસ્થિતિ જોઈને છઠ્ઠાં ધોરણમાં ભણતો યુગ અને તેની નાની બહેન રીતુ અત્યંત વ્યથિત થઈ ગયાં.
'મમ્મી, પેલાં નાનાં બાળકો શું ખાતાં હશે? તેઓ ક્યાં સૂતાં હશે?' રીતુએ ધીમા અવાજે પૂછયું.
મમ્મીએ વાત્સલ્યપૂર્વક કહ્યું, 'દીકરી, મુશ્કેલીના સમયે પીડિતોની વહારે જવું અને નિઃસ્વાર્થ મદદ કરવી એ જ સાચી
માનવતા છે.'
યુગ તરત ઊભો થયો અને તેણે પોતાના મિત્રોને ફોન જોડયા. સૌ બાળમિત્રોએ ભેગા મળીને નક્કી કર્યું કે પોતપોતાના ઘરમાંથી બિસ્કિટ, ચણા, ગોળ, મીણબત્તી, દીવાસળી, પાણીની બોટલો અને પહેરવાલાયક સ્વચ્છ કપડાં એકઠાં કરવાં.
જોતજોતામાં બાળકોની એક નાનકડી રાહત ટુકડી તૈયાર થઈ ગઈ. દરેક બાળક પોતાની યથાશક્તિ પ્રમાણે કંઈક ને કંઈક સામગ્રી લઈને આવ્યું. કોઈ દૂધનાં પેકેટ લાવ્યું, કોઈ દવાઓ, તો કોઈ ધાબળા લઈને હાજર થયું.
વડીલોના માર્ગદર્શન હેઠળ તેઓ સીધા રાહત કેમ્પમાં પહોંચ્યાં. ત્યાં નાનાં ભૂલકાં ભયભીત થઈને બેઠાં હતાં. યુગે તેમની સાથે મનોરંજક રમતો રમીને તેમનો ડર ભગાડયો. રીતુએ તેમને રસપ્રદ વાર્તાઓ કહી અને બાળગીતો ગાઈ સંભળાવ્યાં. થોડી જ વારમાં ગમગીન બાળકોના ચહેરા પર ફરી નિર્દોષ સ્મિત ખીલી ઊઠયું.
રાહત કેમ્પમાં એક વૃદ્ધ ખેડૂત કાકા મળ્યા. તેઓ ગદ્ગદ્ થઈને બોલ્યા, 'બેટા, મારું આખું ખેતર પાણીમાં ગરકાવ થઈ ગયું છે, પણ તમારા જેવાં નાનાં બાળકોનો આ નિઃસ્વાર્થ પ્રેમ જોઈને મને જીવવાની નવી હિંમત મળી છે.'
યુગે નમ્રતાપૂર્વક કહ્યું, 'કાકા, હિંમત ન હારશો. નવો પાક ફરી લહેરાશે. આ મુશ્કેલ ઘડીમાં અમે સૌ તમારી
સાથે છીએ.'
થોડા દિવસ પછી મેઘરાજા શાંત થયા અને પૂરનાં પાણી ઓસરવા લાગ્યાં. લોકો પોતપોતાનાં ઘરોની સાફસફાઈ કરવા લાગ્યા. યુગ અને રીતુએ સાથી મિત્રો સાથે મળીને રાહત કેમ્પ અને શેરીઓમાં સફાઈ અભિયાન હાથ ધર્યું. તેમણે લોકોને સમજાવ્યું કે ભરાયેલા ગંદા પાણીથી રોગચાળો ફેલાય છે, તેથી સ્વચ્છતા જાળવવી, પાણી ઉકાળીને પીવું અને મચ્છરોથી બચવું અત્યંત જરૂરી છે.
શાળા ખૂલતાં જ પ્રાર્થનાસભામાં આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા આ બંને બાળકોના પ્રશંસનીય સેવાકાર્યની મુક્તકંઠે સરાહના કરવામાં આવી. શિક્ષકે પ્રેરક શબ્દોમાં કહ્યું, 'સંકટના સમયમાં જે બાળક સ્વાર્થ ભૂલીને બીજાનાં આંસુ લૂછે છે, તે જ સમાજનો સાચો નાયક બને છે.'
તે દિવસથી યુગ અને રીતુનો એક જ જીવનમંત્ર બની ગયો- 'આપત્તિ આવે ત્યારે ગભરાવું નહીં, પરંતુ પરસ્પર સહકારનો હાથ લંબાવવો. સેવા, સમર્પણ અને સંવેદના જ માનવસમાજને સાચા અર્થમાં સશક્ત
બનાવે છે.'
બોધઃ
વરસાદ અને પૂર જેવી કુદરતી હોનારતમાં સૌપ્રથમ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરો. પીવા માટે શુદ્ધ પાણીનો ઉપયોગ કરો, આસપાસ સ્વચ્છતા જાળવો અને આપત્તિમાં ફસાયેલા જરૂરિયાતમંદોને તમારી શક્તિ મુજબ સહાય કરો. તમારો એક નાનકડો સહયોગ પણ કોઈના અંધકારમય જીવનમાં આશાનો દીપક પ્રગટાવી શકે છે.




