Zagmag

આપણા સ્વાતંત્ર્ય નાયકો : વિષ્ણુ ગણેશ પિંગળે

By GS Team
23 Oct 20262 mins read
આપણા સ્વાતંત્ર્ય નાયકો : વિષ્ણુ ગણેશ પિંગળે
  • વિષ્ણુને મેરઠની છાવણીમાં વિદ્રોહ ભડકાવવાનું કામ સોંપવામાં આવ્યું. ત્યાં ૧૨ નંબરના રસાલામાં એમણે પરિચય કેળવીને ઘૂસ મારી. આ રસાલામાં નાદિરખાન નામનો એક લુચ્ચો જમાદાર હતો. તેણે વિષ્ણુને ફસાવવા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ખોટું બોલવા માંડયું.

વિષ્ણુ ગણેશ પિંગળે મહારાષ્ટ્રનાં પૂનાના વતની હતા. એન્જિનિયરિંગનું ભણવા તેઓ અમેરિકા ગયેલા. અમેરિકામાં એ વખતે ભારતીયોમાં ગદર પાર્ટીનું બહુ વર્ચસ્વ. વિષ્ણુ તેના સંપર્કમાં આવતાં દેશભક્તિના રંગે રંગાયા. ઘરના લોકોને એમ હતું કે દીકરો એન્જિનિયરીંગનું શિક્ષણ લઈને આવશે ને ખૂબ પૈસા કમાઈ આપશે. પરંતુ વિષ્ણુ અમેરિકાથી ઘરે ન જતાં પંજાબ પહોંચ્યા. પાર્ટી તરફથી તેમને દેશમાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ વિદ્રોહ જગાવવાનો આદેશ મળ્યો હતો. ભારત આવીને વિષ્ણુએ આખા દેશનો પ્રવાસ કર્યો. પંજાબના ક્રાંતિકારીઓ સાથે તો અમેરિકાથી જ સંપર્ક હતો. કોલકાતા જઈને બંગાળના ક્રાંતિકારીઓનો પરિચય કેળવ્યો. રાસબિહારી બોઝ અને શચીન્દ્રનાથ સાન્યાલ તેમનાથી બહુ પ્રભાવિત થયા. ત્યાં એમને કરતારસિંહ સરાબા તરફથી પંજાબ પાછા ફરવાનો આદેશ થતાં રાસબિહારી બોસને સાથે લઈને તેઓ પંજાબ આવ્યા. પોષાકથી તેઓ પૂરેપૂરા પંજાબી બની ગયા હતા. ભાષા પણ ત્યાંની સરસ લોકોથી બોલી શકતા. પાર્ટી દ્વારા ૨૧ ફેબ્રુઆરી, ૧૯૧૫ના રોજ વિપ્લવ જગાવવાનું નક્કી કરવામાં આવ્યું. વિષ્ણુને મેરઠની છાવણીમાં વિદ્રોહ ભડકાવવાનું કામ સોંપવામાં આવ્યું. ત્યાં ૧૨ નંબરના રસાલામાં એમણે પરિચય કેળવીને ઘૂસ મારી. આ રસાલામાં નાદિરખાન નામનો એક લુચ્ચો જમાદાર હતો. તેણે વિષ્ણુને ફસાવવા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ખોટું બોલવા માંડયું. વિદ્રોહ થતો હોય તો પોતે ખૂબ રાજી છે એમ કહી તેણે વિષ્ણુને બોમ્બની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી. તેની વાતથી ભોળવાઈને વિષ્ણુ બોમ્બ લેવા તેની સાથે બનારસ ગયા. ત્યાંથી વિષ્ણુને દસ બોમ્બ મળ્યા તો ખરા, પરંતુ આ બોમ્બે એમના માટે જ આફત સર્જી, તેઓ ડબ્બામાં બોમ્બ લઈને મેરઠથી પાછા આવ્યા કે દગાબાજ જમાદારે વિષ્ણુની બોમ્બના ડબ્બા સાથે ધરપકડ કરાવી દીધી. વિષ્ણુ હવે એને શું કરી શકે ? લાહોર ષડયંત્રના નામથી તેમના પર કેસ ચલાવવામાં આવ્યો. ગિરફતાર થનારા વિષ્ણુ એકલા નહોતા. એક યા બીજા કારણસર જેલમાં જનારા ગદર પાર્ટીના કાર્યકરોની સંખ્યા એકસઠ હતી. ગદર પાર્ટીની વિપ્લવની યોજના પર પાણી કરી વળ્યું. તમામ ક્રાંતિકારીઓએ વકીલ રાખવાની ના પાડી દીધી. સરકારે ન્યાયનું નાટક પૂરું કરીને ફેસલો સંભળાવ્યો. સાતને ફાંસીની સજા કરવામાં આવી. આ સાતમાં વિષ્ણુ સિવાય બધા પંજાબી ક્રાંતિકારીઓ હતા. ૧૬ નબેમ્બર, ૧૯૧૫ના રોજ તેમને લાહોરની જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. મહારાષ્ટ્રની ભૂમિમાં જન્મેલો ક્રાંતિકારી અમેરિકા જઈ પંજાબની ધરતી પર શહીદ થયો.

  • જિતેન્દ્ર પટેલ