Zagmag

આપણા સ્વાતંત્ર્ય નાયકો : વાસુદેવ ચાફેકર

By GS Team
2 Oct 20262 mins read
આપણા સ્વાતંત્ર્ય નાયકો : વાસુદેવ ચાફેકર
  • દામોદર અને બાલકૃષ્ણની શોધનું કામ અંગ્રેજ સરકારે સી.આઈ.ડી. સુપ્રીટેન્ડન્ટ બુ્રઇનને સોંપ્યું. આ માણસ મોટો ધૂર્ત હતો. બે મહિના સુધી તેણે ચાકેફર બંધુઓને શોધવા ફાંફાં માર્યા, પણ કશું હાથ ન લાગ્યું. તેણે અંગ્રેજ સરકારની નીતિ મુજબ બાતમી આપનારને વીસ હજાર રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી.

લાલા લજપતરાયે 'મરાઠા' શબ્દનું સરસ અર્થઘટન કર્યું છે. મરાઠા એટલે મરહઠા એટલે કે મરવાની હઠવાળા. ચાફેકર બંધુઓએ લાલા લજપતરાયના એ અર્થઘટનને સાર્થક કરી બતાવ્યું. વાસુદેવ ચાફેકર એટલે બીજા કોઈ નહિ, દામોદર અને બાલકૃષ્ણ ચાફેકરના નાનાભાઈ, બેઉ મોટાભાઈઓ રેન્ડ અને આયરીસ્ટની હત્યા કરીને ફરાર થઈ ગયા. આ હત્યાના ઉત્તરકાંડમાં વાસુદેવ ચમકે છે. ફરારી દામોદર અને બાલકૃષ્ણની શોધનું કામ અંગ્રેજ સરકારે સી.આઈ.ડી. સુપ્રીટેન્ડન્ટ બુ્રઇનને સોંપ્યું. આ માણસ મોટો ધૂર્ત હતો. બે મહિના સુધી તેણે ચાકેફર બંધુઓને શોધવા ફાંફાં માર્યા, પણ કશું હાથ ન લાગ્યું. તેણે હવે અંગ્રેજ સરકારની નીતિ મુજબ બાતમી આપનારને વીસ હજાર રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી. ઇનામની આ તગડી રકમથી ગણેશશંકર અને રામચંદ્ર નામના બે દ્રવિડ બંધુઓ લલચાયા.
તેમણે પોલીસને ચાફેકર બંધુઓનાં નામ આપી દીધાં. બસ થયું, સરકારે તરત દામોદર ચાફેકરની ધરપકડ કરી લીધી. મોટાભાઈની ધરપકડ માટે જવાબદાર દેશદ્રોહી દ્રવિડબંધુને ગદ્દારીનો બદલો આપવાના વાસુદેવ ચાફેકરે સોગંદ ખાધા. ૮ ફેબુ્રઆરી, ૧૮૯૯ના રોજ મિત્ર મહાદેવ રાનડેને લઈને તેઓ દ્રવિડબંધુનાં ઘર પાસે પહોંચી ગયા. બંનેએ પંજાબી કપડાં પહેર્યા હતાં. આ સમયે દ્રવિડબંધુઓ ગંજીપત્તો રમી રહ્યા હતા. નીચેથી વાસુદેવે પંજાબી લહેકામાં તેમને કહ્યું કે 'બુ્રઈનસાહેબ તમને તાત્કાલિક બોલાવી રહ્યા છે.' જવાબમાં દ્રવિડબંધુએ કહ્યું 'તમે જાવ અમે આવીએ છીએ.' વાસુદેવ અને મહાદેવે હવે નક્કી કર્યું હતું. તે સ્થળે છુપાઈ ગયા. પત્તાંની રમત પૂરી થઈ કે દ્રવિડ બંધુઓ તરત પોલીસથાણા તરફ જવા ચાલતા થઈ ગયા. તેઓ જેવા ગલીના વળાંક પાસે પહોંચ્યા કે વાસુદેવ અને મહાદેવે તેમના પર ધડાધડ ગોળીઓ વરસાવવા માંડી. ગણેશ શંકર ઘટનાસ્થળે જ મરી ગયો. રામચંદ્રે હોસ્પિટલમાં શ્વાસ છોડયો.
આ હત્યાના થોડા દિવસમાં જ પોલીસે વાસુદેવ અને મહાદેવની ઘરપકડ કરી લીધી. વચેટભાઈ બાલકૃષ્ણ ત્યારે એ જ જેલમાં હતા. તેમની સાથે જ વાસુદેવ અને મહાદેવનો કેસ ચલાવવામાં આવ્યો. ચુકાદો વિચિત્ર આવ્યો બાલકૃષ્ણ પહેલાં વાસુદેવને ફાંસીએ ચડવાનું હતું. ૮ મે ના રોજ વાસુદેવને ૧૦મે ના રોજ મહાદેવ રાનડેને અને ૧૨ મેનાં રોજ બાલકૃષ્ણને ફાંસીની સજા નક્કી થઈ. ૮ મેના રોજ વાસુદેવને ફાંસીના માંચડા પર લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં બાલકૃષ્ણની કોટડી આવી. વાસુદેવે મોટાભાઈને જોરથી કહ્યું : 'ભાઈ હું જઈ રહ્યો છું અલવિદા.' જવાબમાં બાલકૃષ્ણે કહ્યું : 'હિંમત ના હારતો. હું પાછળ જ આવી રહ્યો છું.' ધન્ય હો આ ક્રાંતિકારીઓની માતાને!

  • જિતેન્દ્ર પટેલ