આપણા સ્વાતંત્ર્ય નાયકો : વાસુદેવ બળવંત ફડકે

- વાસુદેવ સહ્યાદ્રિના જંગલમાં ઊતરી પડયા. શિવાજીએ જેમ માવલાઓને સંગઠિત કર્યા તેમ વાસુદેવે પહાડોમાં વસતી રામાશી નામની પછાત જાતિને સંગઠિત કરવા માંડી. અખાડા પ્રવૃત્તિ ચલાવી. પ્લેગ અને દુકાળ વખતે પગપાળા ફરીને લોકોને સમજાવવા માંડયું કે આપણી કંગાલિયતનું મૂળ અંગ્રેજો છે.
મહારાષ્ટ્રમાં બીજા શિવાજી તરીકે ઓળખાતા વાસુદેવ બળવંત ફડકે કોલાબા જિલ્લાના શિરઢોણ ગામના વતની હતા. મેટ્રિક સુધીનો અભ્યાસ કરીને તેઓ અંગ્રેજ સરકારની મિલીટ્રીમાં ફાઈનાન્સ વિભાગમાં પૂણે ખાતે નોકરી કરતા હતા. એક દિવસ એમને ખબલ મળ્યા કે પોતાની મા બીમાર છે. વાસુદેવે અધિકારી પાસે રજા માગી પણ નિષ્ઠુર અંગ્રેજ અધિકારીએ રજા આપવાની ના પાડી દીધી. વાસુદેવ નોકરીમાં રાજીનામું આપીને બીમાર માતા પાસે પહોંચી ગયા. માતાનાં એમને અંતિમદર્શન તો થઇ શક્યા, પરંતુ એમની સેવા કરવાનો લાભ વાસુદેવને ન મળ્યો. બીજા જ દિવસે મા મરી ગઈ. વાસુદેવનું મન અંગ્રેજ સરકાર પ્રત્યે ઘૃણાથી ભરાઈ ગયું. એમણે નિશ્ચય કર્યો. ભલે હું મારી જન્મદાતા માતાની સેવા ન કરી શક્યો, પરંતુ ભારતમાતાની સેવા જરૂર કરીશ. એને અંગ્રેજ સરકારના પંજામાંથી છોડાવીને જ રહીશ. આ નિશ્ચય સાથે વાસુદેવ સહ્યાદ્રિના જંગલમાં ઊતરી પડયા. શિવાજીએ જેમ માવલાઓને સંગઠિત કર્યા તેમ વાસુદેવે પહાડોમાં વસતી રામાશી નામની પછાત જાતીને સંગઠિત કરવા માંડી. આ ઉપરાંત ગરોડી, માંગ, ધનગર જેવા વનવાસી લોકોને પણ તેમાં સામેલ કર્યા. અખાડા પ્રવૃત્તિ ચલાવી. પ્લેગ અને દુકાળ વખતે નાગપુર, ખંડવા, ઈન્દોર વગેરે સ્થળે પગપાળા ફરીને લોકોને સમજાવવા માંડયું કે આપણી કંગાલિયતનું મૂળ અંગ્રેજો છે. સિંહગઢમાંથી વાસુદેવને ગોવિંદરાવ દાવરે અને દોલતરાવ રામોશી નામના બે ખડતલ સૈનિકો મળી આવ્યા. આ બંનેનું વનવાસીઓમાં ખૂબ જ વર્ચસ્વ હતું. બંને સેનાપતિની જવાબદારી સંભાળવા માંડયા. જોતજોતામાં મહારાષ્ટ્રમાં વાસુદેવની સેનાની હાક બોલાવા માંડી. અંગ્રેજ સરકારની તિજોરી લૂંટવા એના થાણાં પર વાસુદેવની સેનાએ છાપો મારવા માંડયો. સરકારે વાસુદેવના માથા સાટે ચાર હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. સામે વાસુદેવે મુંબઈના ગર્વનર કે પૂણેનાં કલેકટરના માથા સાટે પાંચ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું. આનાથી સરકાર વધારે ઉશ્કેરાઈ. સરકારે મેજર ડેનિયલ નામના અંગ્રેજ અધિકારીને વાસુદેવની ધરપકડની જવાબદારી સોંપી. કોંકવામાં મહિપાલ ટીલા પાસે વાસુદેવ ઘેરાયા, પરંતુ છટકી ગયા. આ લડાઈમાં સેના સેનાપતિ દોલતરાય શહીદ થયા. બે અંગ્રેજ અધિકારીઓ પણ માર્યા ગયા.
વાસુદેવ બીમાર પડયા. સાજા થઈ પાછા મેદાનમાં ઊતર્યા. પરંતુ તબિયત ફરીને કથળી. દેવાનાવડ ખાતે બેભાન અવસ્થામાં ઝડપાયા. તેમને કાળાપાણીની સજા સંભળાવી એડનની જેલમાં મોકલી આપવામાં આવ્યા. જેલના અધિકારીઓએ એમને પાર વગરની પીડા આપી. અત્યંત ભૂખ અને તરસને કારણે સાડત્રીસ વર્ષના આ ક્રાંતિકારી વિદેશની જેલમાં જ શહાદતને વરી ગયા.
- જિતેન્દ્ર પટેલ




