આપણા સ્વાતંત્ર્ય નાયકો : રોશન સિંહ

- રામપ્રસાદનો ઇરાદો અગર ધાડ પાડનારા બધા ક્રાંતિકારીઓ પકડાઈ ગયા તો રોશનસિંહ જેવા પીઢ માણસને દળનું નેતૃત્વ સોંપી શકાય એ હતો. રેલધાડ પછી સરકારે જે ક્રાંતિકારીઓની ધરપકડ કરી એમાં રોશનસિંહ પણ હતા.
કાકોરી રેલધાડમાં સામેલ ન હોવા છતાં એ કેસમાં ફાંસીની સજા પામેલા ઠાકુર રોશનસિંહ લોકોમાં સુધરેલા પાપી તરીકે જાણીતા હતા. ઉત્તરપ્રદેશનાં શાહજહાનપુર પાસેનાં નાવદા ગામના વતની રોશનસિંહ ક્રાંતિકારી બન્યા પહેલાં લૂંટફાટ અને ધાડ પાડવાની પ્રવૃત્તિ કરતા હતા. ગામમાં એમની ગણતરી પહેલવાન તરીકે થતી. કસરત કરીને શરીર એવું તો કસી નાંખ્યું હતું કે કોઈ એમના પર લાઠી મારતું તો લાઠી મારનારનો હાથ દુ:ખવા માંડતો પણ એમનું રુવાડુંયે ન ફરકતું. તલવાર, ભાલો, બંદૂક, લાઠી, છરી જેવા બધાં હથિયાર રોશનસિંહ ચલાવી શકતા. આ તાકાતના બળે જ એ લૂંટફાટ કરવા પ્રેરાયા હતા. પરંતુ એકવાર શાહજહાનપુરમાં ગાંધીજીનું પ્રવચન સાંભળ્યું ને એ બદલાઈ ગયા. ગાંધીજીની હાકલ સાંભળી અસહકારના આંદોલનમાં કૂદી પડયા. બરેલીથી તેમની ધરપકડ કરી જેલમાં પૂરવામાં આવ્યા. અઢી વરસના જેલવાસ દરમિયાન રોશનસિંહે ઘણી યાતના ભોગવી. ધાર્યું હોત તો ત્યાં પોતાની તાકાતનો પરચો બતાવી શક્યા હોત. જેલમાં એમણે યોગીની જેમ જીવન વીતાવ્યું. ચૌરીચૌરકાંડ પછી ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લેતાં એમનું મન ગાંધીજીની ચળવળમાંથી ઊઠી ગયું. પરંતુ દેશભક્તિની ઓટ ન આવી. ક્રાંતિકારી નેતા રામપ્રસાદ બિસ્મિલનો સંપર્ક સાધ્યો. તેમના ક્રાંતિકારી દળ હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના સક્રિય સભ્ય બન્યા. દળની આર્થિક ભીડ હળવી કરવા તેમની આગેવાની હેઠળ અનેક જગ્યાએ ધાડ પાડવામાં આવી. પરંતુ કાકોરી ખાતે સરકારી ખજાનો લૂંટવાનો થયો ત્યારે રામપ્રસાદે આ ષડયંત્રથી એમને બિલકુલ અજાણ રાખ્યા. આવું કરવા પાછળનો રામપ્રસાદનો ઇરાદો અગર ધાડ પાડનારા બધા ક્રાંતિકારીઓ પકડાઈ ગયા તો રોશનસિંહ જેવા પીઢ માણસને દળનું નેતૃત્વ સોંપી શકાય એ હતો. રેલધાડ પછી સરકારે જે ક્રાંતિકારીઓની ધરપકડ કરી એમાં રોશનસિંહ પણ હતા. રોશનસિંહની ધરપકડનું બધાને આશ્ચર્ય હતું. રામપ્રસાદના સાથીદાર અને હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના સભ્ય હોવાનો આ બદલો મળ્યો હતો. લખનઉ અદાલતમાં કેસ ચાલ્યો. બધા માનતા હતા કે રોશનસિંહ નિર્દોષ છૂટી જવાના. પરંતુ કોર્ટનો ચુકાદો આશ્ચર્યજનક આવ્યો. જે લોકો ધાડમાં સામેલ હતા એમાંના કેટલાકને પાંચ-દસ વર્ષની કે આજીવન કારાવાસની સજા થઈ જ્યારે રોશનસિંહને રામપ્રસાદ બિસ્મિલની માફક ફાંસીની સજા સંભળાવવામાં આવી. લોકોએ સરકારને અરજ કરવાનું કહ્યું. પરંતુ આ સિંહને દયાની ભીખ માગવાનું મંજૂર નહોતું. ઠાકુર થઈને માફી માગું ? મોતથી બીવે એ બીજા. આવા હુંકાર સાથે અલ્હાબાદની જેલમાં આ નિર્દોષ ક્રાંતિકારી ફાંસીના માંચડે ચડી ગયો.
- જિતેન્દ્ર પટેલ









