આપણા સ્વાતંત્ર્ય નાયકો : રાસબિહારી બોઝ

બે વર્ષ પછી ષડયંત્રનો ભાંડો ફૂટયો. સરકારે વિસ્ફોટકારીઓની ધરપકડ કરવા માંડી. રાસબિહારી પોલીસને થાપ આપી બંગાળ ભણી નાસી છૂટયા. ત્યાંથી રવીન્દ્રનાથ ટાગોર સાથે પાસપોર્ટમાં છદ્મનામ પ્રિયનાથ ઠાકુર લખાવી જાપાન પહોંચી ગયા.
રાસબિહારી બોઝ બંગાળના હુગલી જિલ્લાના પલડાવીધા ગામનાં વતની હતા. નોકરીની શોધમાં તેઓ ઉત્તર ભારતમાં જઈ ચડેલા. શિમલામાં એક છાપખાનામાં નોકરી મળી પણ તેમાં ન ફાવ્યું એટલે દેહરાદૂનમાં વનવિભાગમાં જોડાયા. આ નોકરી તેમને ગમતી થઈ પડી. તેની પ્રયોગશાળામાં બોમ્બ બનાવવાનું શીખી શકાય તેમ હતું. અહીંની પ્રયોગશાળાના અધ્યક્ષ પૂરનસિંહના માધ્યમથી તેઓ પંજાબના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા.
વિષ્ણુ ગણેશ પિંગળે સાથે મળી ગદર ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી. ૧૯૧૨ માં દિલ્હીમાં વાઈસરોય હાર્ડિંગ પર અને ૧૯૧૩ માં લાહોરનાં લોરેન્સમાં ગાર્ડનમાં બોમ્બ વિસ્ફોટમાં તેઓ પ્રમુખ સૂત્રધાર રહ્યા. એક સાથીની કમજોરીને કારણે બે વર્ષ પછી ષડયંત્રનો ભાંડો ફૂટયો. સરકારે વિસ્ફોટકારીઓની ધરપકડ કરવા માંડી. રાસબિહારી પોલીસને થાપ આપી બંગાળ ભણી નાસી છૂટયા. ત્યાંથી રવીન્દ્રનાથ ટાગોર સાથે પાસપોર્ટમાં છદ્મનામ પ્રિયનાથ ઠાકુર લખાવી જાપાન પહોંચી ગયા. ૧૯૧૬ થી ૧૯૨૩ સુધી જાપાનમાં બનાવટી નામ હાયસી ઇયોરો રાખીને જીવન ગુજાર્યું. આ સાત વર્ષના ગાળામાં તેમણે સત્તર વખત પોતાનું સ્થળ બદલવું પડયું. બાદમાં તેમણે જાપાનનું નાગરિકત્વ પ્રાપ્ત કરી લીધું. જાપાની ભાષા શીખીને તેમાં કેટલાંક પુસ્તકો પણ લખ્યાં. જેના દ્વારા જાપાનમાં અંગ્રેજો વિરુદ્ધ વાતાવરણ ઊભું કર્યું. એશિયાયી યુવક સંઘનું નિર્માણ કરીને એશિયાયી દેશોને અંગ્રેજો વિરુદ્ધ લડવાનો સંદેશો આપ્યો. આ પછી તેમણે ભારતીય સ્વાધીનતા પરિષદની સ્થાપના કરી. તેનાં અંતર્ગત યુદ્ધ પરિષદ નામની એક અલગ શાખા અસ્તિત્વમાં આવી. જેના દ્વારા સૈનિકોનું સંગઠન કરીને તેમનામાં અંગ્રેજો વિરુદ્ધ આક્રોશ ઉત્પન્ન કરવાનું અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું. આ યુદ્ધ પરિષદમાંથી પ્રેરણા લઈને સુભાષચંદ્ર બોઝે આગળ જતાં આઝાદ હિન્દ ફોજની રચના કરી. જાપાન સરકાર પર દબાણ કરીને તેમણે જ સુભાષચંદ્ર બોઝને જર્મનીથી જાપાન બોલાવ્યા. ટોકિયોમાં તેમનું અને સુભાષબાબુનું મિલન એક અપૂર્વ મિલન બની રહ્યું. ભારતમાં આ બંને નેતાઓ ક્યારેય મળ્યા જ નહોતા. ૪ જુલાઈ, ૧૯૪૩ ના દિવસે સિંગાપુરના કૈથો ભવનમાં એક સમારોહ યોજી આઝાદ હિન્દ આંદોલનની બાગડોર તેમણે સુભાષબાબુને સોંપી દીધી. સતત દોડધામને કારણે તેમનું શરીર કથળ્યું. એમાં પત્ની અને પુત્રનાં મૃત્યુનાં કારમા આઘાત ઉપરાઉપરી સહન કરવાના થયા. ભારતમાતાની આઝાદી ઝંખતા આ ક્રાંતિકારી આઝાદીનાં બે વર્ષ પૂર્વે જાપાનની ધરતી પર મૃત્યુ પામ્યા.
- જિતેન્દ્ર પટેલ




