Zagmag

એ હાલો! હાથીભાઈનાં લગ્નમાં...

By GS Team
7 Aug 20264 mins read
એ હાલો! હાથીભાઈનાં લગ્નમાં...
  • હાથીભાઈ કહે, 'જુઓ ડિયર ઉંદરભાઈ! પહેલાં તો તમારે નાની નાની બાબતોમાં ફરિયાદો નહીં કરવાની… અને દરેક સ્થિતિમાં મગજ ઠેકાણે રાખવાનું, ગુસ્સો નહીં કરવાનો!'
  • દિગ્ગજ શાહ

એ ક હતાં હાથીભાઈ. મસ્ત મજાનાં હાથીભાઈ! હાથીભાઈ તો ચાલે વટથી. રસ્તામાં જે મળે એને સ્માઈલ આપે અને વાતોનાં વડાં કરે. હાથીભાઈથી બધાં જ પ્રાણીઓ ખુશ ખુશ! હાથીભાઈ પણ હંમેશાં ખુશ રહે.
એક દિવસ એક ઉંદર આવીને કહે, 'હાથીભાઈ! તમે આટલા બધા ખુશ કઈ રીતે રહી શકો છો?'
હાથીભાઈ હસતાં હસતાં કહે, 'અરે ઉંદરભાઈ! મેં લગ્ન નથી કર્યાં ને, એટલે હું ખુશ રહું છું!'
ઉંદર કહે, 'જુઓ હાથીભાઈ! તમે છેને મોટી મોટી ફેંકો નહીં. સાચું જ કહો કે તમે હંમેશાં ખુશ કઈ રીતે રહો છો?'
હાથીભાઈ કહે, 'જુઓ ડિયર ઉંદરભાઈ! પહેલાં તો તમારે નાની નાની બાબતોમાં ફરિયાદો નહીં કરવાની… અને દરેક સ્થિતિમાં મગજ ઠેકાણે રાખવાનું, ગુસ્સો નહીં કરવાનો!'
ઉંદરભાઈ કહે, 'હાથીભાઈ! તમે બહુ ઊંચી વાત કરી દીધી, બધા તો આવું ન કરી શકે ને!'
હાથીભાઈ કહે, 'બધા જ કરી શકે… ખુશ રહેવું એ આપણા હાથની વાત છે!'
ઉંદર કહે, 'તમને પણ કોઈ દુખ તો હશે જ ને, છતાં તમે હંમેશાં ખુશ રહો છો!'
હાથીભાઈ કહે, 'તમારા બધા કરતાં હું વધારે દુખી છું… પણ હું દુખ ભૂલીને હંમેશાં મોજમાં રહું છું! જલસા કરું છું… ખુશ રહું છું!'
ઉંદર કહે, 'હાથીભાઈ! તમે તો મારા ડિયર એન્ડ નિયર ફ્રેન્ડ છો! પ્લીઝ કહો ને, તમને શું દુખ છે?'
હાથીભાઈ કહે, 'મારું દુખ હું તને કહું તો તું શું એ દૂર કરી દઈશ?'
ઉંદર કહે, 'અરે હાથીભાઈ! એકવાર કહી તો જુઓ, હું પૂરો પ્રયત્ન કરીશ તમારું દુખ દૂર કરવાનો!'
હાથીભાઈ ઉદાસ થઈને કહે, 'મારાં લગ્ન નથી થયાં, એટલે ઘણાં પ્રાણીઓ મારી મજાક ઉડાવે છે! કોમેન્ટ કરે છે મારા પર… એ મારાથી સહન નથી થતું!'
ઉંદર કહે, 'તો હાથીભાઈ લગ્ન કરી લો ને! એમાં શું મોટી વાત છે! તમને તો લગ્ન માટે કોઈ પણ હાથણી પસંદ કરી લે!'
હાથીભાઈ કહે, 'મને આજ સુધી કોઈ હાથણી પસંદ જ ન આવી! જે મને પસંદ આવી એને હું પસંદ ન આવ્યો, એટલે મેળ પડયો જ નહીં!'
ઉંદર કહે, 'તમે છે ને હજી પ્રયત્ન કરો! હું પણ તમારા માટે પ્રયત્ન કરું છું! બાકી તમારે તો હંમેશાં ખુશ જ રહેવાનું છે!'
હાથીભાઈ કહે, 'હા ઉંદરભાઈ! મારે હંમેશા ખુશ જ રહેવાનું છે અને બીજાઓને પણ ખુશ રાખવાનાં છે. લગ્ન ન થાય તો કોઈ વાંધો નહીં!'
ઉંદર કહે, 'અરે, ટૂંક સમયમાં જ તમારાં લગ્ન ધામધૂમથી થઈ જશે… યે અપુન કા પ્રોમિસ હૈ હાથીભાઈ!'
હાથીભાઈ કહે, 'હા યાર! દોસ્ત હો તો તેરે જેસા! મેરે સાથ તૂ ભી અપની શાદી કર લે, યાર!'
ઉંદરભાઈ કહે, 'હાથીભાઈ કોઈને કહેતા નહીં, મેં તો ખાનગીમાં એક ઉંદરી સાથે લગ્નનું પાક્કું કરી જ નાખ્યું છે! થોડા દિવસોમાં હું તો એની જોડે લગ્ન કરી જ નાખીશ!'
હાથીભાઈ કહે, 'વાહ ભાઈ વાહ! ઉંદરભાઈ તમે તો ખૂબ જ સ્માર્ટ છો! આપણા બંનેનાં લગ્ન એક જ દિવસે ગોઠવાય એવું કરો!'
ઉંદરભાઈ કહે, 'હા, હાથીભાઈ! એવું જ કરીશું!'
હાથીભાઈથી છૂટા પડયા પછી ઉંદરભાઈએ તો પોતાની નજીકમાં રહેતી એક સુંદર હાથણીને તરત જ હાથી સાથે લગ્ન કરવા માટે પૂછી લીધું.
હાથણીએ તરત જ કહ્યું, 'જો એ હાથી મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય, તો હું હમણાં જ એની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. હું એને પહેલાંથી જ પસંદ કરું છું!'
ઉંદરભાઈએ તરત જ હાથીભાઈને ફોન કરીને બધી વાત કરી અને કહ્યું, 'તમે તાત્કાલિક અહીં આવી જાઓ.'
હાથીભાઈ તાત્કાલિક ઉંદરભાઈને ત્યાં પહોંચી ગયા. ઉંદરભાઈએ હાથીની મુલાકાત હાથણી સાથે કરાવી. બંનેએ એકબીજા જોડે મીઠી મીઠી વાતો કરી. હાથીભાઈને એ હાથણી પહેલી નજરમાં જ પસંદ પડી ગઈ!
હાથીભાઈએ શરમાતાં શરમાતાં કહ્યું, 'ઉંદરભાઈ! આ હાથણી મને ગમી ગઈ છે! મારાં લગ્ન આની સાથે જ થશે!'
ઉંદરભાઈએ તાળી આપીને કહ્યું, 'અરે વાહ… મજા પડી ગઈ!'
ઉંદરભાઈએ હાથણીને કહ્યું, 'મારો ફ્રેન્ડ હાથી તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે! તમે તૈયાર છો ને?'
હાથણીએ કહ્યું, 'ભાઈ! હું તો ક્યારની તૈયાર જ છું!'
એક સપ્તાહ પછી હાથીભાઈનાં લગ્ન થઈ ગયાં. હાથીભાઈ સાથે ઉંદરભાઈનાં પણ એ જ દિવસે લગ્ન થઈ ગયાં. બંને ખૂબ જ ખુશ હતાં… મોજ અને જલસા સાથે રહેવા લાગ્યાં, બાપલા!