Zagmag
સરસ મજાની ટેવ
By GS Team
18 Sep 20265 mins read
રોહન અને મોહનની મિત્રતામાં, મોહન રોહનના ઘરે જાય છે. ત્યાં તે જુએ છે કે રોહન અને તેના પરિવારના સભ્યો દરેક વસ્તુને તેની યોગ્ય જગ્યાએ રાખે છે. આનાથી તેમને વસ્તુઓ ઝડપથી શોધવામાં મદદ મળે છે. મોહન આ જોઈને પ્રભાવિત થાય છે અને પોતે પણ વસ્તુઓને વ્યવસ્થિત રાખવાનું શીખે છે.
Summarized by AI; it may make mistakes. Check important info
રોહન અને મોહનની મિત્રતામાં, મોહન રોહનના ઘરે જાય છે. ત્યાં તે જુએ છે કે રોહન અને તેના પરિવારના સભ્યો દરેક વસ્તુને તેની યોગ્ય જગ્યાએ રાખે છે. આનાથી તેમને વસ્તુઓ ઝડપથી શોધવામાં મદદ મળે છે. મોહન આ જોઈને પ્રભાવિત થાય છે અને પોતે પણ વસ્તુઓને વ્યવસ્થિત રાખવાનું શીખે છે.
Summarized by AI; it may make mistakes. Check important info

દુર્ગેશ ઓઝા
- 'બેટા મોહન, જો પેલી પેટી દેખાય છે ને? કાતર, ગુંદરની શીશી, પેન, પેન્સિલ, સ્ટેપલર, રબર, કવર… બધું એમાં જ છે. ક્યારેક કોઈને ભેટ દેવાની હોય, લખવાનું કે બીજું કોઈ કામ હોય તો એ બધું એક જ ઠેકાણે ને તરત જ મળી જાય. વસ્તુ એની જગ્યાએ હોય તો કામ ન પડે લટકી, માણસ ન જાય અટકી!'
રોહન ને મોહન બેય પાકા મિત્ર. બેય સાતમા ધોરણમાં ભણે. એક દી મોહન રોહનના ઘરે ગયો ને બોલ્યો, 'રોહન, આજ મારા પપ્પાનો જન્મદિવસ છે એટલે તમારાં બધાં માટે હું મોહનથાળ લાવ્યો છું.'
'આવ મોહન બેટા, બેસ,' રોહનનાં મમ્મી શારદાએ હસીને કહ્યું.
મોહન ખુરશીમાં બેઠો, ત્યાં તો રોહને મોહનથાળનો એક કટકો મોહનને ખવડાવ્યો, એક પોતે ખાધો ને પછી પાણીના બે પ્યાલા લઈ આવ્યો. રોહને પાણી પીધું ને મોહનને પાયું, પછી ગાયું-
'રોહનના ઘરે મોહન આવ્યો,
રોહનને બહુ આનંદ આવ્યો…
મોહન મોહનથાળ લાવ્યો,
રોહનને એ બહુ ભાવ્યો!'
રોહનના પિતા શરદે કહ્યું, 'બેટા રોહન, જા, 'સુંદર મજાનું જીવન' નામનું પુસ્તક લેતો આવ. આપણી પાસે એની બે નકલ છે. એમાંથી એક આપણે મોહનના પિતાજીને ભેટ આપીએ. એ પુસ્તક ક્યાં રાખ્યું છે એની ખબર છે ને?'
'હા પપ્પા, અંદરના ઓરડામાં નાના કબાટની વચ્ચે જે ખાનું છે ને, એમાં બીજી હારમાં બીજું પુસ્તક એટલે 'સુંદર મજાનું જીવન'. હું આ ગયો ને આ આવ્યો!' રોહન આમ બોલ્યો, પછી ઓરડામાં ગયો ને બે જ મિનિટમાં એ પુસ્તક લઈને આવ્યો.
ત્યાં તો શારદાએ કહ્યું, 'બેટા, આપણે પણ કંઈક મીઠાઈ આપીએ. જા, બરફી લઈ આવ. આખું ખોખું જ લેતો આવજે હોં! ને જો એ મીઠાઈ રસોડામાં…'
'મને ખબર છે, મમ્મી! રસોડાના કબાટમાં જે ત્રીજું ખાનું છે ને, ત્યાં સૌથી ઉપર જે સ્ટીલનો ગોળ ડબ્બો છે એમાં ખાવાનો ગળ્યો ગોળ છે. એની નીચેના ડબ્બામાં જે ચોરસ ખોખું છે ને એમાં બરફી છે. મેં જ એ ખોખું ત્યાં સાચવીને મૂક્યું છે,' રોહન બોલ્યો ને ફટાફટ એ બરફી લેતો આવ્યો.
શરદે કહ્યું, 'યાજ્ઞી દીકરી, જરા મારાં ચશ્માં લેતી આવ ને? જો એ…'
'પપ્પા, તમારાં ચશ્માં ક્યાં છે એ મને બરાબર યાદ છે હોં! એ આ મોટા ઓરડામાં જ્યાં ટીવી સેટ છે ને એની ડાબી બાજુ જે ખાનું છે ને એમાં સૌથી ઉપર છે,' યાજ્ઞી દીકરી આમ બોલી, ને એક જ મિનિટમાં એ ચશ્માં લઈને આવી.
પપ્પાએ દીકરા-દીકરી બેયનો વાંસો થાબડીને કહ્યું, 'વાહ રે વાહ! શાબાશ!'
મોહનને આ બધું જોઈ નવાઈ લાગી! એણે રોહનને પૂછયું, 'આ તો ભારે મજાનું હોં! બધી વસ્તુઓ ક્યાં છે એ તમને બધાંને ખબર છે! વસ્તુઓ તરત જ તમને મળી જાય છે, શોધવી નથી પડતી! એનું કારણ શું?'
રોહને જવાબ આપ્યો, 'મોહન, દરેક વસ્તુ અમે સૌ એની જગ્યા નક્કી કરી ત્યાં જ રાખીએ છીએ. ક્યારેક એની જરૂર પડે તો ત્યાંથી લઈએ, પણ પછી કામ પૂરું થતાં વસ્તુ જ્યાં કામ કરતાં હોઈએ ત્યાં ને ત્યાં જ રાખી નથી દેતા. એ પાછી જ્યાં હતી ત્યાં જ મૂકી દઈએ છીએ, એટલે એ અમને તરત જ મળી જાય છે.'
યાજ્ઞી બોલી, 'ને અમુક વસ્તુઓમાં અમે એવું પણ કરીએ છીએ કે એ જે ડબ્બા વગેરેમાં હોય એની બહાર ચિઠ્ઠી ચોંટાડી અમે એમાં વસ્તુનું નામ લખી નાખીએ છીએ. જેમ કે ઘઉં, બાજરો, મમરા. આમ કરો એટલે વસ્તુ તરત જ મળી જાય.'
શરદે કહ્યું, 'ને બેટા મોહન, જો પેલી પેટી દેખાય છે ને? કાતર, ગુંદરની શીશી, પેન, પેન્સિલ, સ્ટેપલર, રબર, કવર… બધું એમાં જ છે. ક્યારેક કોઈને ભેટ દેવાની હોય, લખવાનું કે બીજું કોઈ કામ હોય તો એ બધું એક જ ઠેકાણે ને તરત જ મળી જાય. વસ્તુ એની જગ્યાએ હોય તો કામ ન પડે લટકી, માણસ ન જાય અટકી!'
મોહનને યાદ આવ્યું. કામ હોય ત્યારે એ વસ્તુ કાઢતો ખરો, પરંતુ કામ પતી ગયા પછી એ જ્યાં હોય ત્યાં જ રહેવા દેતો કે ગમે ત્યાં આડીઅવળી મૂકી દેતો. એને એની મૂળ જગ્યાએ ન મૂકતો, એટલે પછી જ્યારે એ વસ્તુ ફરી જોઈતી હોય ત્યારે એ ક્યાં છે એ યાદ ન હોય, એટલે પછી ગોતાગોતી, દોડાદોડી, ચિંતા… વગેરે થાય. આમાં ઘણો સમય પણ જાય ને હેરાન પણ થવાયત વસ્તુ ઝટ ન મળે.
એક વાર મોહનને એનાં મિત્રો ત્વરા, ખનક, રોહન ને રાઘવ સાથે ફરવા જવાનું હતું. એને એક પુસ્તક સાથે લઈ જવાનું હતું, પણ એને યાદ પણ નહોતું કે એણે એ ક્યાં રાખ્યું હતું! એકવાર એણે એ કાઢયું હતું પણ પછી એણે એ ગમે ત્યાં મૂકી દીધું હતું. માંડ-માંડ એ મળ્યું હતું. આમ મોડું થયું એમાં એનો ને એનાં મિત્રોનો-બેયનો સમય બગડયો હતો. મિત્રોને ચિંતા થઈ હતી ને ગુસ્સો પણ આવ્યો હતો!
મોહનની મમ્મી ઘણીવાર એને સમજાવતી કે, 'એલા મોહન, તારું ભેજું તો ઠેકાણે છે ને? જે તે વસ્તુ એના ઠેકાણે રાખ. આળસ ન કર, બેદરકાર ન રહે!' પણ મોહન 'પછી, પછી…' એમ કર્યા કરતો ને વસ્તુ સાચવીને ન મૂકતો, કાં એમાં મોડું કરતો.
…પણ રોહનના ઘરે એણે જે જોયું એટલે એ સમજી ગયો કે બધું એની જગ્યાએ રાખીએ તો કેવું સારું થાય! એણે કહ્યું, 'રોહન દોસ્ત, હવેથી હું પણ વસ્તુઓ એને ઠેકાણે રાખીશ એટલે એ તરત મળી જાય.' એ ગાવા માંડયો-
'વસ્તુ એની જગ્યાએ હોય,
તો કદી ન થાય હાયવોય…
ફટાફટ વસ્તુ મળે,
ચિંતા ટળે ને ખુશી મળે!'
ઘરે જઈને મોહન વસ્તુઓ એની જગ્યાએ મૂકવા લાગ્યો, સરખી ગોઠવવા લાગ્યો. મોહનનાં મા-બાપ ખુશીથી ડોલી ઊઠયાં ને દીકરાને ભેટી પડીને બોલી ઊઠયાં, 'વાહ રે વાહ! શાબાશ બેટા!'
વસ્તુ યોગ્ય જગ્યાએ ન રાખવાની મોહનની કુટેવ ને આળસ સરરર કરતી દૂર ભાગી ગઈ. હવે મોહનના ઘરમાં વસ્તુઓ જોઈએ ત્યારે પટ દઈને તરત જ મળી જતી, એટલે મોડું પણ ન થતું ને કામ કરવાની મજા પણ આવતી.




