Zagmag

મિતેશ ત્રમ્બક તાપસ

By GS Team
31 Jul 20264 mins read
મિતેશ ત્રમ્બક તાપસ
  • ત્રણેય મિત્રોને કોઈના રડવાનો અવાજ સંભળાયો. તેઓ ચારે બાજુ દોડી વળ્યા, એ જાણવા કે રડવાનો અવાજ ક્યાંથી આવે છે. તેમના ધ્યાનમાં આવ્યું કે વરસાદના કારણે પડેલા એક ખાડામાં ગામનો એક છોકરો પડી ગયો હતો-પોતાની સાયકલ સાથે!
  • હેમંત વાળા

નાનકડા ગામ આંબલીપુરામાં મિતેશ, ત્રમ્બક અને તાપસ નામે ત્રણ મિત્રો રહેતા હતા. તેઓ એક સાથે જ ગામની ગુજરાતી શાળામાં ભણતા હતા.
મિતેશને નાના-મોટા પ્રશ્નોનો ઉકેલ શોધવામાં ખૂબ રસ પડતો. કોઈની સાયકલની ચેન ઉતરી ગઈ હોય, રસ્તા પર તેલ ઢોળાયું હોય, શાળાના મેદાનમાં પાણીના ખાબોચિયા ભરાયા હોય કે એવી કોઈ અન્ય તકલીફ હોય, તો મિતેશ તેનો રસ્તો શોધી કાઢતો.
ત્રમ્બકમાં શારીરિક ક્ષમતા વધુ હતી. કોઈપણ વસ્તુ ઊંચકવા કે યોગ્ય દિશામાં ધકેલવા તે હંમેશાં આગળ રહેતો.
તાપસ દરેક પ્રકારનું કામ કરવા કાયમ તૈયાર રહેતો. ગામની કોઈપણ વ્યક્તિ તેને કોઈપણ કામ ચીંધે, તો તે હસતાં હસતાં તે કામ સંપન્ન કરતો.
એમ કહેવાતું કે ગામમાં કોઈપણ સમસ્યા ઊભી થઈ હોય, તો આ ત્રણેય મિત્રો તેના નિવારણ માટે પ્રયત્નશીલ રહેતા અને મહદઅંશે સફળ પણ થતા. એમ કહી શકાય કે આ ત્રણેય મિત્રો પરોપકારી હતા.
વરસાદની તુ હતી. થોડા સમય પહેલાં આવેલા ધોધમાર વરસાદને કારણે ગામમાં ક્યાંક ક્યાંક જમીનમાં કાર જેટલા મોટા ખાડા થઈ ગયા હતા. ગામની માટી આમેય ચીકણી હતી. ગામના છોકરાઓને એ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે આવા ખાડાની આસપાસ જવું નહીં.
તે દિવસે શાળામાં રજા હતી. મિતેશ, ત્રમ્બક અને તાપસ-ત્રણેય મિત્રો હળવા વરસાદના ઝાપટા પછી ઉઘાડ નીકળતાં ગામના પાદરે લટાર મારવા નીકળ્યા. ચારેબાજુ ઊગી નીકળેલા ઘાસને કારણે એમ લાગતું હતું કે ગામના પાદરે જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય! વાતાવરણમાં ભેજ પણ હતો અને ઠંડક પણ. વરસાદ પછી પક્ષીઓ પણ પોતાના માળાની બહાર જાણે લટાર મારવા નીકળ્યાં હતાં અને ચારે તરફ મધુર કલરવ ગુંજતો હતો. આકાશ પ્રમાણમાં સ્વચ્છ હતું, છતાં પણ ક્યાંક કાળા વાદળોના આંટાફેરા ચાલુ હતા.
તેવામાં જ ત્રણેય મિત્રોને કોઈના રડવાનો અવાજ સંભળાયો. ત્રણેય મિત્રો ચારે બાજુ દોડી વળ્યા, એ જાણવા કે રડવાનો અવાજ ક્યાંથી આવે છે. તેમના ધ્યાનમાં આવ્યું કે વરસાદના કારણે પડેલા એક ખાડામાં ગામનો એક છોકરો પડી ગયો હતો-પોતાની
સાયકલ સાથે!
બનેલું એમ કે ઉઘાડ નીકળતાં તે સાયકલ લઈને ગામના પાદરનો માહોલ જોવા નીકળેલો અને થોડીક શરતચૂકથી સાયકલ સાથે તે લપસીને ખાડામાં પડી ગયો હતો. માટીની ચિકાસને કારણે કોઈપણ પ્રકારના સાધન વગર ખાડામાંથી બહાર આવવું તેના માટે શક્ય ન હતું.
ત્રણેય મિત્રોએ જોયું કે ખાડામાં પાણી ભરાતું જતું હતું અને તે છોકરાને જલ્દીથી બહાર કાઢવાની આવશ્યકતા હતી. આજુબાજુ કોઈ સાધન ન હતું, દોરડું પણ ન હતું.
તાપસ તરત કામે લાગી ગયો.
તેણે પોતાનું શર્ટ ઉતાર્યું અને મિતેશ તથા ત્રમ્બકને પણ તેમ કરવા કહ્યું. ત્રણેય શર્ટને એકબીજા સાથે જોડી દોરડા જેવી તેમણે ગોઠવણ કરી, પણ પનો ટૂંકો પડયો.
તાપસે પછી ચારેબાજુ દોડ લગાવી અને જે કોઈ હાજર હતું તેમનાં શર્ટ માંગીને ભેગાં કર્યાં. શર્ટ આપનાર લોકો પણ ત્યાં પહોંચી ગયા. બધાં જ શર્ટને એકબીજા સાથે જોડતાં જરૂરી લંબાઈનું દોરડું બની ગયું!
મિતેશે બે શર્ટ નીચે ફેંક્યા અને તેને પગના તળિયે બાંધી દેવા તે છોકરાને જણાવ્યું, જેથી તેના પગ ઉપર ચડતી વખતે લપસી ન પડે.
છોકરાને શર્ટમાંથી બનાવેલું દોરડું મજબૂતાઈથી પકડી લેવા કહ્યું. પછીનું મુખ્ય કામ ત્રમ્બકનું હતું. તેણે તે છોકરાને ઉપર ખેંચવાનું ચાલુ કર્યું અને તેમાં અન્ય લોકોએ પણ સાથ આપ્યો. ખાડાની ઊભી સપાટી પર પગ ટેકવતો ગયો અને ત્રણેય મિત્રોએ તે છોકરાને હેમખેમ બહાર ખેંચી લીધો.
ત્યાં સુધીમાં તો તે છોકરાના માવતર પણ ત્યાં આવી પહોંચ્યાં. તેઓ તે છોકરાને ભેટી પડયાં અને પછી થોડો ઠપકો પણ આપ્યો.
આખા ગામમાં આ મિત્ર-ત્રિપુટીના પરોપકારી પરાક્રમની વાત પહોંચી ગઈ.
સાંજે ગામના મુખીએ ગામના ચોરા પર લોકો સામે જાહેરમાં ત્રણેય મિત્રોની પ્રશંસા કરતાં કહ્યું કે, 'મિતેશ, ત્રમ્બક અને તાપસને કારણે ગામમાં એક મોટી જાનહાનિ અટકી ગઈ. જો તે છોકરાને યોગ્ય સમયે બહાર ખેંચી લેવામાં આવ્યો ન હોત, તો પાણીના ભરાવને કારણે મોટી મુશ્કેલી ઊભી થઈ શકી હોત.'
તે વખતે હાજર શાળાના આચાર્યશ્રીએ સમજાવ્યું કે, 'મિત્રોના પરસ્પરના સહકારથી સમાજને કાયમ લાભ થતો હોય છે.'
તેમણે કૃષ્ણ-સુદામા, અર્જુન-શ્રીકૃષ્ણ તેમજ સુગ્રીવ-શ્રીરામની મિત્રતાનું ઉદાહરણ આપી મિત્રતાનું મહત્વ સમજાવ્યું.
તે વખતે ગામના એક વડીલે જણાવ્યું કે, 'મિતેશ - ત્રમ્બક - તાપસના નામ સાથે જ મિત્રતા વણાયેલી છે. ત્રણેય નામના પહેલા અક્ષર એક સાથે જોડતાં
'મિ-ત્ર-તા' બને છે.'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'આ મિત્રતા અને તેની સાથે સંકળાયેલી ભાવના જ સમાજની પ્રત્યેક વ્યવસ્થાનો સાચો આધાર છે.'