Zagmag

બાજરાનો દાણો

By GS Team
26 Sep 20262 mins read
બાજરાનો દાણો
  • 'તને સાચવી રાખવાથી મારી ભૂખ નહીં મટે.' દાણો બોલ્યો, 'થોડી રાહ જોવી પડશે, પણ પછી તું અને તારો પરિવાર ધરાઈને ખાઈ શકો એટલા દાણા મળશે!'
  • કિરીટ ગોસ્વામી

એક હતી ચકલી. નાનકડી, રૂપાળી ને સુંદર! એ પોતાના માળામાં આનંદથી રહે. ભૂખ લાગે એટલે ચણ ચણી આવે અને તરસ લાગે એટલે પાણી પી આવે.
'ચક ચક કરીએ,
ચપટી દાણા ચણીએ!
ચપટી દાણા ચણીએ,
એમ મોજમાં રહીએ!'
એમ એક દિવસ ચકલી તો ચણવા ગઈ. આમતેમ ઊડતી રહી પણ આજે તો કંઈ ન મળ્યું. બધા દાણા કોઈ પહેલેથી જ ચણી ગયું હતું.
ચકલીએ મનોમન વિચાર્યું, 'ચાલો, આજે પાણી પીને જ પેટ ભરી લઈએ!'
ચકલી ઊડવા ગઈ ત્યાં એની નજર ધૂળ પર પડી. એ નજીક ગઈ તો ધૂળમાં એક બાજરાનો દાણો દેખાયો. એ જોઈને ચકલી તો રાજી થઈ ગઈ.
'ચાલો, એક દાણો તો ચણવા મળશે!' એમ રાજી થતી ચકલી બાજરાનો દાણો ચણવા ગઈ ત્યાં દાણાએ તેને રોકી.
દાણો કહે, 'મારા એકથી તારું પેટ નહીં ભરાય.'
ચકલીએ પૂછયું, 'તો?'
દાણો કહે, 'મને સાચવીને રાખી દે.'
ચકલીએ કહ્યું, 'તને સાચવી રાખવાથી મારી ભૂખ નહીં મટે.'
દાણો બોલ્યો, 'થોડી રાહ જોવી પડશે, પણ પછી તું અને તારો પરિવાર ધરાઈને ખાઈ શકો એટલા દાણા મળશે!'
'એમ? એ શી રીતે?' ચકલીએ નવાઈભેર પૂછયું.
દાણો કહે, 'અત્યારે મને માટીમાં દાટી દે અને પછી રાહ જો!'
ચકલી કહે, 'ભલે.'
ચકલીએ બાજરાના દાણાને માટીમાં દાટી દીધો. પછી તે રાહ જોવા લાગી-
'દાણાનો ખજાનો ખૂલે…
હમણાં ચણું.. હમણાં ચણું!
એક.. બે.. ત્રણ.. ચાર…
દિવસો પછી દિવસો ગણું!'
દાણો માટીમાં બરાબર દટાયો. થોડા સમયમાં ચોમાસું બેઠું ને વરસાદ પડવા લાગ્યો. વરસાદ પછી થોડા જ દિવસમાં બાજરાનો દાણો ઊગી નીકળ્યો! ચકલી આ જોઈને હરખાવા લાગી.
દિવસ પછી દિવસ વીતવા લાગ્યા ને બાજરાનો છોડ મોટો થયો. થોડા સમયમાં તેના પર ડૂંડું આવ્યું. આ જોઈને ચકલી ખૂબ આનંદમાં આવી ગઈ!
આખરે ડૂંડા પર બેસી ચકલીએ ધરાઈને બાજરો ખાધો. પછી તેમાંથી કેટલાક દાણા ફરી જમીનમાં દાટી દીધા.
આમ કરતાં કરતાં થોડાં વરસોમાં બાજરાનું આખું ખેતર લહેરાવા લાગ્યું અને ચકલી તેમજ તેનો પરિવાર ત્યાં હંમેશાં ખુશીથી રહેવા લાગ્યો.