Zagmag

યાદ રાખવાની યુકિત

By GS Team
10 Jul 20265 mins read
યાદ રાખવાની યુકિત

'આ તો ભારે મજાનું! કોઈ વસ્તુ કે વાત યાદ ન રહે, તો એનું એક ગીત બનાવી ગાયા કરવાનું. ગીત તો ગાવાની મજા જ આવે એટલે ગીત તો ભૂલાય જ નહીંને!'
'સાચું સાચું. વાહ સુજય, વાહ! કહેવું પડે હો! તું ભારે બુદ્ધિશાળી. તેં તો આ કાનજીભાઈને પણ કાન પકડાવ્યા હો!'
દુર્ગેશ ઓઝા

'જ મ જમ ટમટમ, જમ જમ ટમટમ, બાર બાર રવિવાર, બાર બાર રવિવાર…'
સુજય વારંવાર આમ ગાયા કરતો હતો. 'આ વળી કયું ગીત? ને આ ગીત તું રોજ શું ગાયા કરે છે?'
ઘણા લોકો એને આવું બધું પૂછતા, પણ સુજય હસી પડે ને આગળ ચાલતો થઈ જાય. એની શેરી પાસે જ એક સરસ મજાનો બગીચો હતો. ત્યાં જઈને પણ એણે આ ગીત લલકાર્યું, 'જમ જમ ટમટમ, જમ જમ ટમટમ, બાર બાર રવિવાર, બાર બાર રવિવાર…'
એના ઘણા પડોશીઓ એ બાગમાં બેઠા હતા. એમાંથી કાનજીભાઈએ પૂછયું, 'એલા સુજય, તું આ બે લીટી વારંવાર કેમ ગાયા કરે છે? આ ગીતમાં નથી અર્થના ઠેકાણાં, નથી કાંઈ સમજાતું, તોય…?'
શાંતિબેન કહે, 'સુજય, આ કાનજીભાઈ સાચું કહે છે. તેં સોમવારથી આ ગીત ગાવાનું ચાલુ કર્યું છે. એ પછી મંગળ, બુધ, ગુરુ ને શુક્ર ગયા, પણ તારા મોઢામાંથી આ ગીત ન ગયું. તું તો આદુ ખાઈને બસ આ ગીત પાછળ મંડી જ પડયો છે, 'જમ જમ ટમટમ, જમ જમ ટમટમ.' એનું કારણ શું છે?'
'હા, હા, ને પાછો ગાતી વખતે તું ફરે છે ફેરફૂદરડી! આજ શનિવાર આવી ગયો. હવે તો તું મોઢામાંથી ફાટ કે પાંચ દિવસથી તું આ ગીત શું કામ ગાયા કરે છે?'
બીજા અમુક લોકોએ પણ આવું બધું કહ્યું એટલે સુજય હસી પડયો ને બોલ્યો, 'ચાલો કહી દઉં, બસ? વાત જાણે એમ છે કે હું રહ્યો થોડો ભૂલકણો. મારે આવતી કાલે રવિવારે બપોરે બાર વાગ્યે તારાબેનના ઘરે જમવા જવાનું છે. હવે આ બધું મને યાદ ન રહે એટલે મેં આવું ગીત બનાવ્યું છે. હું આ ગીત ગાયા કરું એટલે મને યાદ રહે કે મારે તારાબેનના ઘરે જમવા જવાનું છે. આ જોડકણામાં રવિવાર, બાર વાગ્યે, જમવાનું અને તારાબેન-એ બધું આવી જાય.'
કાનજીભાઈ કહે, 'એક મિનિટ, એક મિનિટ, આમાં બાકી બધું આવી જાય એ તો જાણે સમજ્યા, પણ તારાબેનનું નામ થોડું આવે છે?'
'કાનજીકાકા, આવે છે, આવે છે! જુઓ, બાર બાર એટલે બાર વાગ્યે, ને રવિવાર એટલે રવિવારે, ને જમ જમ એટલે તે દિવસે જમવા જવાનું છે.'
'એલા પણ આમાં તારાબેન ક્યાં ને ક્યાંથી આવ્યા? મારું નામ છે કાનજીભાઈ. મારા કાન સાજાસારા છે, મને બધું ચોખ્ખું સંભળાય છે હો! આ ગીતમાં તારાબેનનું નામ તો ક્યાંય આવતું જ નથી. ખોટી ફેંક મા.'
'ફેંકતો નથી કાકા, નામ આવે છે. ધીરા ખમો કાકા, ધીરજનાં ફળ મીઠાં! એનું નામ સીધું નહીં, પણ આડું આવે. એટલે કે… જો હું તમને સમજાવું. તમે આ જોડકણામાં 'ટમટમ' શબ્દ સાંભળ્યો ને? આકાશમાં રાતે ટમટમ કોણ ટમકે ને ચમકે? તો કે' તારા એટલે કે તારલા! હું આમ ટમટમ ગાઉં એટલે તારાબેનને ઘરે જમવા જવાનું છે, એ મને યાદ રહી જાય કે નહીં? બોલો બોલો કાનજીકાકા!'
કાનજીભાઈએ કાન પકડયા, 'સાચું સાચું. વાહ સુજય, વાહ! કહેવું પડે હો! તું ભારે બુદ્ધિશાળી. તેં તો આ કાનજીભાઈને પણ કાન પકડાવ્યા હો!'
બધાં ખડખડાટ હસી પડયાં.
ત્યાં અચાનક કાનજીભાઈના ને બીજાના કાન ચમક્યા! 'સુંદર હીરો, ધીરો ધીરો. ગોળનો શીરો, ઝીલનો વીરો.' હવે આ જ બાગમાં તારાબેન હતાં ને એ પણ આવું ગીત ગાતાં હતાં. બધાં દોડયાં ને એની બાજુમાં પહોંચી ગયાં. તારાબેન પણ પાંચ દિવસથી આ ગીતની પાછળ પડી ગયાં હતાં. એમને પણ ઘણાએ આનું કારણ પૂછયું હતું.
બાગમાં યજત નામનો છોકરો પણ આવ્યો હતો. ઉંમર એની નવ વર્ષ. એ તારાબેનને ઓળખતો હતો. એણે પૂછયું, 'તારાકાકી, તમે આ ગીત હમણાં કેમ રોજ ગાઓ છો? તમારે ક્યાંય જવાનું છે ને ત્યાં આ ગીત ગાવાનું છે?'
તારાબેને જે જવાબ આપ્યો એ સૌએ સાંભળ્યો.
હવે વાત જાણે એમ હતી કે તારાબેનના ઘરે સુજય જમવા આવવાનો હતો. વાર રવિવાર, સમય બપોરે બાર વાગ્યાનો-એ બધું તો તારાબેનને યાદ હતું, પણ તે દિવસે શું બનાવવું ને કોણ આવશે એ એને યાદ નહોતું રહેતું, એટલે એણે આવું જોડકણું બનાવ્યું હતું. કોઈએ પૂછયું, 'પણ આ ગીતમાં સુજયનું નામ જ ક્યાં છે?'
તારાબેન કહે, 'એ વાત પણ છે. વીરો એટલે ભાઈ એ તો તમને ખબર જ છે ને? તો સાંભળો. ઝીલ સુજયની બહેન છે, એટલે કે સુજય ઝીલનો ભાઈ એટલે કે વીરો છે. શું સમજ્યા? હું આમ 'ઝીલનો વીરો' ને 'ગોળનો શીરો' ગાઉં એટલે મને યાદ રહી જાય કે સુજય આવશે ને જમવામાં હું ગોળનો શીરો બનાવીશ. સુજયને ગોળનો શીરો બહુ ભાવે છે. ને તમને ખબર છે? સુજયના પિતાનું નામ સુંદરલાલ છે. ગીતમાં 'સુંદર' શબ્દ પણ આવે છે.'
બધાં ખડખડાટ હસી પડયાં. બાગમાં એક છોકરી હતી. એ ડોલી ને બોલી, 'આ તો ભારે મજાનું! કોઈ વસ્તુ કે વાત યાદ ન રહે, તો એનું એક ગીત બનાવી ગાયા કરવાનું. ગીત તો ગાવાની મજા જ આવે એટલે ગીત તો ભૂલાય જ નહીંને! બધું યાદ પણ રહે ને મજા પણ બહુ પડે! ગોખવા કરતાં ગાવું સારું. મારું નામ યુક્તા, આ તો કેવી સરસ મજાની યુક્તિ!'
બીજાં બધાં પણ યુક્તાની વાતમાં ટાપશી પૂરવા લાગ્યાં, 'યુક્તા, બરાબર છે. સુજય ને તારાબેનની વાત છે સાચી, નથી એ જરાય ખોટી કે કાચી. ગીત ગાઈએ તો કોઈ વાત કે વસ્તુ યાદ રહી જાય, એય પાછી ટેસથી ને હસતાં-રમતાં… યાદ રાખવાની કડાકૂટ જ નહીંને! ભૂલી જવાની બીક પણ નહીં.'
પછી તો એ બધાંએ પણ ભેગાં મળીને એક ગીત બનાવ્યું ને બાગમાં સૌ સાથે મળી એ ગીત ગાવા લાગ્યાં. નાચતાં જાય ને એ ગીત ગાતાં જાય-
'કોઈ વાત જો ભૂલી જાવ,
તો ગીત બનાવી એને ગાવ,
યાદ રહે ને મજા પણ પડે,
આવડી જાય ને મોજ ચડે,
યાદ રહે જો ગાઓ ગીત,
આ તે કેવી મજાની રીત!'