ભગવાન જગન્નાથ

- 'ભગવાન મંદિરમાં તો રહે જ છે, પણ જ્યારે આપણે કોઈની મદદ કરીએ, કોઈને હસાવીએ, કોઈને સાથે રાખીએ… ત્યારે ભગવાન આપણા હાથ વડે કામ કરે છે.'
- ડૉ. પારુલ અમિત 'પંખુડી'
'મા, ભગવાન જગન્નાથની મૂતના હાથ-પગ પૂરા કેમ નથી?' નાનકડી માધવીનો પ્રશ્ન સાંભળીને દાદા સ્મિત કરી ઊઠયા.
'આ પ્રશ્નનો જવાબ હું નહીં આપું,' દાદા બોલ્યા, 'જવાબ તો તને ભગવાન પોતે આપશે.'
માધવીને નવાઈ લાગી. ભગવાન જવાબ કેવી રીતે આપે?
રથયાત્રાના દિવસે દાદા તેને મંદિરે લઈ ગયા. ભક્તોના જયઘોષ, શંખનાદ અને રંગબેરંગી ધ્વજ વચ્ચે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીનાં દર્શન થતાં જ માધવીની નજર ફરી ભગવાનના અધૂરા હાથ-પગ પર જ અટકી ગઈ.
મંદિરના પ્રાંગણમાં એક વૃદ્ધ શિલ્પકાર પથ્થરમાં કમળ કોતરી રહ્યા હતા. માધવી તેમની પાસે પહોંચી. 'દાદા, ભગવાનની મૂત અધૂરી કેમ છે?'
શિલ્પકારે છીણી નીચે મૂકી, 'બેટા, હું તને સીધો જવાબ નહીં આપું. પહેલાં એક કામ કર.'
તેમણે માધવીને એક નાનો માટીનો દીવો આપ્યો, 'આ દીવો મંદિરના પાછળના ભાગે બેઠેલી કોઈ એવી વ્યક્તિને આપજે, જેને તેની સૌથી વધુ જરૂર હોય.'
માધવી દીવો લઈને નીકળી. સૌ પ્રથમ તેને એક ધનિક વેપારી મળ્યા. તેઓએ કહ્યું, 'મારી પાસે તો ઘણા દીવા છે.'
થોડે આગળ એક યુવાન મળ્યો, તે બોલ્યો, 'મારે ઉતાવળ છે.'
માધવી આગળ વધી. મંદિરની પાછળ એક વૃદ્ધા શાંતિથી બેઠી હતી. તેમના હાથમાં પૂજાની થાળી હતી, પરંતુ દીવો નહોતો. માધવીએ પ્રેમથી દીવો તેમની થાળીમાં મૂકી દીધો. વૃદ્ધાના ચહેરા પર અજવાળું ફેલાઈ ગયું, 'દીકરી, ભગવાન તને હંમેશાં પ્રકાશ આપે.'
માધવીનું મન પણ અજવાળું થઈ ગયું. તે પાછી શિલ્પકાર પાસે આવી. શિલ્પકારે પૂછયું, 'જ્યારે તું દીવો આપ્યો, ત્યારે તારા હાથ ક્યાં સુધી પહોંચ્યા?'
માધવી બોલી, 'મારા હાથ તો દીવા સુધી જ પહોંચ્યા… પણ આનંદ તો મારા હૃદય સુધી પહોંચી ગયો!'
શિલ્પકાર હળવેથી હસ્યા, 'એ જ ભગવાન જગન્નાથનો સંદેશ છે. ભગવાનના હાથ ભલે મૂતમાં અધૂરા દેખાય, પરંતુ તેઓ દરેક દયાળુ માણસના હાથથી કામ કરે છે. ભગવાનના પગ ભલે દેખાતા ન હોય, પરંતુ તેઓ દરેક સારા કાર્યમાં ચાલે છે.'
માધવી મૌન થઈ ગઈ.
એટલામાં રથયાત્રા શરૂ થઈ. હજારો લોકો મળીને રથ ખેંચી રહ્યા હતા. કોઈ પૂછતું નહોતું કે કોણ ધનિક છે, કોણ ગરીબ છે, કોણ મોટો છે કે કોણ નાનો. બધા એક જ દોરડાને પકડીને એક દિશામાં આગળ વધી રહ્યા હતા.
દાદાએ કહ્યું, 'આ રથ માત્ર લાકડાનો નથી. આ તો આપણું જીવન છે. જો સૌ સાથે મળીને ખેંચે, તો જ જીવન આગળ વધે.' તે દિવસ પછી માધવીએ નક્કી કર્યું કે તે દરરોજ કોઈને કોઈ નાની મદદ કરશે. ક્યારેક મિત્રને પુસ્તક આપતી, ક્યારેક શાળાનું મેદાન સાફ રાખતી, તો ક્યારેક એકલાં બેઠેલા બાળકને પોતાની રમતમાં સામેલ કરતી.
એક દિવસ શિક્ષિકાએ વર્ગમાં પૂછયું, 'ભગવાન ક્યાં રહે છે?'
બાળકો અનેક જવાબ આપવા લાગ્યા.
માધવી ધીમેથી ઊભી થઈ, 'ભગવાન મંદિરમાં તો રહે જ છે, પણ જ્યારે આપણે કોઈની મદદ કરીએ, કોઈને હસાવીએ, કોઈને સાથે રાખીએ… ત્યારે ભગવાન આપણા હાથ વડે કામ કરે છે.'
શિક્ષિકા પ્રસન્ન થઈ ગયાં, 'આજનો સૌથી સુંદર જવાબ તેં આપ્યો છે.'
માધવીના ચહેરા પર સ્મિત ખીલી ઊઠયું. હવે તેને ભગવાન જગન્નાથની અધૂરી મૂત અધૂરી લાગતી નહોતી. કારણ કે તેને સમજાઈ ગયું હતું કે ભગવાને પોતાના હાથ આપણા હાથમાં મૂક્યા છે, જેથી દુનિયામાં પ્રેમ, સેવા અને કરુણા ક્યારેય અધૂરી ન રહે!
બોધઃ
ભગવાન દરેક સારા કાર્યમાં આપણા દ્વારા કાર્ય કરે છે. સેવા, સહકાર અને કરુણા એ જ સાચી ભક્તિ છે. સૌને સાથે લઈને ચાલવું એ જ જીવનનો સાચો રથ છે. સારા સંસ્કારો માણસને ભગવાનની નજીક લઈ જાય છે.









