ઇર્ષ્યા છોડો, મિત્રતા જોડો

- રીમઝીમને વધારે માર્ક્સ આવ્યા, જ્યારે મોન્ટીને થોડા ઓછા માર્ક્સ આવ્યા. આથી મોન્ટીને ખૂબ ખોટું લાગ્યું. તેણે તો પોતાની આટલી સારી દોસ્તી રીમઝીમ મોર સાથે તોડી નાખી!
- ગીતા પી. પોપટ
આનંદવન ખૂબ સુંદર હતું. જેમાં ઘણાં બધાં પ્રાણીઓ રહેતા હતા-ભોલુ રીંછ, રીમઝીમ મોર, ટોમી કૂતરો, મોટું હાથી, ચિન્ટુ વાંદરો, મોન્ટી સસલો, લંબુ જિરાફ, મીઠું પોપટ અને સુરીલી કોયલ.
મોન્ટી સસલો અને રીમઝીમ મોર એ બે ખાસ મિત્રો હતા. બંને શાળાએ સાથે જતા, સાથે લેસન કરતા અને સાથે રમતા. બંનેનો અવાજ સારો હોવાથી શાળામાં પ્રાર્થના પણ એ જ ગવડાવતા.
સુરીલી કોયલે આનંદવનમાં સંગીત શાળા શરૂ કરી. જેને ગાતા શીખવું હોય, હાર્મોનિયમ વગાડતા શીખવું હોય, અથવા સંગીતની પરીક્ષા આપવી હોય, તે માટે સુરીલી કોયલબેને આ સંગીત શાળા શરૂ કરી હતી. 'સુરીલી સંગીત શાળા'-આવું મોટું બોર્ડ આનંદવનમાં જગ્યા-જગ્યાએ મૂકવામાં આવ્યું.
શાળાએ જતી વખતે મોન્ટી અને રીમઝીમે સંગીત શાળાનું બોર્ડ જોયું. મોન્ટીના મનમાં વિચાર આવ્યો, 'ચાલને રીમઝીમ, આપણે પણ સંગીત શાળામાં જઈએ.' રીમઝીમને એ વિચાર ગમ્યો. બંને જણાએ ઘેર આવીને પોતાના માતા-પિતાને વાત કરી. બંનેનાં માતા-પિતાએ સંગીત શાળામાં જવા માટે પરવાનગી આપી.
બંને જણાએ સંગીત શાળામાં પોતાનું નામ લખાવી દીધું. બંને જણાએ સંગીતમાં 'પ્રવેશિકા પ્રથમ'ની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. બંને જણા નિયમિત સંગીત શાળામાં જતા. કોયલબેન સરસ નવા નવા રાગ શીખવાડતા અને બંને ઘેરે રિયાઝ પણ કરતા. એક વખત રીમઝીમ મોરે ક્લાસમાં ખૂબ સુંદર રાગ ગાયો. બધાએ રીમઝીમના ખૂબ જ વખાણ કર્યા. આથી મોન્ટીને ખૂબ ખરાબ લાગ્યું. તેને રીમઝીમની અદેખાઈ થવા લાગી. તેણે નક્કી કર્યું કે પરીક્ષામાં રીમઝીમથી વધારે માર્ક્સ લાવી બતાવશે.
સંગીતની પરીક્ષા નજીક આવી. બંને જણાએ સંગીતની પરીક્ષા માટે ખૂબ મહેનત કરી. બંનેની પરીક્ષા ખૂબ સારી ગઈ હતી.
પરિણામ આવ્યું ત્યારે રીમઝીમને વધારે માર્ક્સ આવ્યા, જ્યારે મોન્ટીને થોડા ઓછા માર્ક્સ આવ્યા. આથી મોન્ટીને ખૂબ ખોટું લાગ્યું. તેણે તો પોતાની આટલી સારી દોસ્તી રીમઝીમ મોર સાથે તોડી નાખી!
રીમઝીમ મોરે તેને બોલાવવાનો પ્રયત્ન કર્યાે, સમજાવવાનો પ્રયત્ન કર્યાે, પરંતુ મોન્ટી તો તેની સામે પણ જોતો ન હતો. રીમઝીમને ખૂબ દુખ થયું, તેથી તેણે મોન્ટીની મમ્મીને વાત કરી.
મોન્ટીની મમ્મીએ મોન્ટીને સમજાવ્યું, 'બેટા, વિદ્યા એ જીવનમાં આગળ વધવા માટે છે. જો વિદ્યા ઝઘડો કરાવે કે અદેખાઈ અને ઈર્ષ્યા કરાવે, તો એ વિદ્યાનો કંઈ મતલબ નથી. થોડા માર્ક્સ માટે તું આટલી સારી દોસ્તી તોડી નાખે એ તો સારું ના કહેવાય.'
આ સમજાવટ પછી સસલાને લાગ્યું કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મારે મારા મિત્ર માટે ખુશ થવું જોઈતું હતું, તેના બદલે મને ઈર્ષ્યા જાગી. આ તો ખોટું કહેવાય! તે તરત જ રીમઝીમના ઘરે ગયો, માફી માંગી અને બંને ફરીથી પાકા મિત્રો બની ગયા.









