લચપચતા લાડુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ખિસકોલીએ પાણી પીવડાવ્યું અને કાચબાભાઈએ પાંદડાંનો રસ પીવડાવ્યો. થોડીવારમાં વાંદરાભાઈને રાહત થવા લાગી. વાંદરાભાઈ કહે, 'મુશ્કેલીમાં જે કામે આવે, એ જ સાચો મિત્ર કહેવાય!' વાંદરાભાઈની આંખોમાં આંસુ આવી ગયાં.
ડો. પ્રીતિ કોટેચા
એક હરિયાળું, શાંત અને સુંદર જંગલ હતું. સવારે સૂર્યનાં કિરણો ઝાડની પાંખડીઓમાંથી છનછન કરતાં જમીન પર પડતાં હતાં. પક્ષીઓ મીઠા સ્વરે ગાઈ રહ્યાં હતાં અને હળવો પવન વહેતો હતો.
એ જ જંગલમાં બધાં પ્રાણીઓ વચ્ચે એક મીઠાઈપ્રેમી વાંદરાભાઈ રહેતા હતા. એક દિવસ તેમને ગામમાંથી ઘણાં સ્વાદિષ્ટ લાડવા મળ્યા. ગોળ-ઘીથી ભરપૂર લચપચતા લાડવા જોઈને વાંદરાભાઈની આંખો ચમકી ઊઠી. એણે વિચાર્યું, 'આ બધાં લાડવા હું એકલો જ ખાઈ જાઉં! કોઈને આપવાના નહીં!'
એ તો લપાતા-છુપાતા ડાળી પાછળ સંતાઈ ગયા. ધીમે ધીમે એ ઝાડ પાછળ છૂપાઈને મજા સાથે લાડવા ખાવા લાગ્યા અને ગીત ગાવા લાગ્યા-
'ગોળ ઘીના લાડુ,
ગોળ ગોળ લાડુ,
મીઠા મીઠા લાડુ,
ઝટપટ ખાવા માંડું.'
એટલામાં ત્યાંથી ચકલી અને ખિસકોલી પસાર થયાં. લાડવાની સુગંધે એમને ખેંચી લીધાં. બંનેએ વાંદરાભાઈને લાડવા ખાતા જોયા. ચકલી બોલી, 'વાંદરાભાઈ, અમને પણ થોડું આપોને! મને તો મીઠું મીઠું બહુ ભાવે!' ત્યાં જ ખિસકોલી બોલી, 'અમને આપો તો અમે પણ ચાખીએ ને કે લાડુ ખાવાની કેવી તો મજા આવે!'
વાંદરાભાઈ એમ કોઈને આપે એમ હતા નહીં. તે કહે, 'અરે, આ લાડુ એટલા સારા બન્યા નથી. તમને નહીં ભાવે…' એમ કહેતા જ બીજા ઝાડે જઈને લાડુ ખાઈ ગીત ગાવા લાગ્યા-
'ગોળ ઘીના લાડુ,
ગોળ ગોળ લાડુ,
મીઠા મીઠા લાડુ,
ઝટપટ ખાવા માંડું.'
ત્યાં જ કાચબાભાઈ ઝાડ નીચેથી પસાર થતા હતા. તેમણે વાંદરાભાઈને લાડુ ખાતા જોયા. તે ધીમે ધીમે બોલ્યા, 'થોડું વહેંચશો તો ખુશી વધશે હો…' પણ વાંદરાભાઈ બોલ્યા, 'ના ના! આ તો મારા માટે જ બનાવ્યા છે! હું એકલો જ ખાઈશ! જો બધાને વહેંચી દઈશ તો મારા માટે શું વધે?' એ તો ખાતા જાય ને ગીત ગાતા જાય-
'ગોળ ઘીના લાડુ,
ગોળ ગોળ લાડુ,
મીઠા મીઠા લાડુ,
ઝટપટ ખાવા માંડું.'
બધા મિત્રોએ વાંદરાભાઈને વિનંતી કરી, પણ નિરાશ થઈને લાડુ જોતા આગળ વધ્યા. વાંદરાભાઈ તો એક પછી એક બધા લાડવા ખાઈ ગયા. થોડા સમય પછી વાંદરાભાઈને બહુ લાડવા ખાવાથી અચાનક પેટમાં દુખવા લાગ્યું. 'અરે અરે… ઓહો… ઓય મા!' કરીને એ પડયા જમીન પર! એમને ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું.
જોકે તેમની આ હાલત જોઈને ચકલી ચીં ચીં કરતી તરત પાછી આવી. બાજુના ઝાડ ઉપરથી ખિસકોલી પાણી લઈને દોડી આવી. જોકે બધાને ખબર પડી ગઈ હતી કે વાંદરાભાઈએ વધુ લાડવા ખાધા છે એટલે તેમની આ હાલત થઈ છે. કાચબાભાઈ તો વૈદ્ય હતા. તે ધીમે ધીમે આજુબાજુમાંથી ઔષધીય પાંદડાં લઈને આવ્યા. ચકલી પાસે બેસતા બોલી, 'ડરશો નહીં વાંદરાભાઈ, તમે આ લાડુ ખૂબ ખાધા છે એટલે આવું થયું છે, પણ તમે ચિંતા ના કરો, અમે છીએને!'
ખિસકોલીએ પાણી પીવડાવ્યું અને કાચબાભાઈએ પાંદડાંનો રસ પીવડાવ્યો. થોડીવારમાં વાંદરાભાઈને રાહત થવા લાગી. વાંદરાભાઈ કહે, 'મુશ્કેલીમાં જે કામે આવે, એ જ સાચો મિત્ર કહેવાય!' વાંદરાભાઈની આંખોમાં આંસુ આવી ગયાં. એ શરમાઈને બોલ્યા, 'મિત્રો, મેં તો તમારી સાથે લાડવા વહેંચ્યા નહોતા… છતાં તમે મારી મદદ કરી. હું ખોટો હતો.'
ચકલી મીઠું સ્મિત કરીને બોલી, 'મિત્રતા એ આપ-લે કરવાથી નથી નભતી, દિલથી નભે છે.' ખિસકોલી બોલી, 'હવે તો સમજાઈ ગયુંને?' કાચબાભાઈ ધીમેથી હસ્યા. વાંદરાભાઈએ ઉપર જઈ તરત જ બાકીના લાડવા લાવીને બધાને વહેંચી દીધા. બધા સાથે મળીને ખાવા લાગ્યા અને ગાવા લાગ્યા-
'ગોળ ઘીના લાડુ,
ગોળ ગોળ લાડુ,
મીઠા મીઠા લાડુ,
ઝટપટ ખાવા માંડું.'
બધાએ મળીને લાડવા ખાધા, રમ્યા અને હસ્યા. જંગલમાં ફરી ખુશી છવાઈ ગઈ. હ








