કલ્લુ કાગડાની કપટલીલા

- બન્નો બતક કિનારે આવી અને પોતાનાં ઈંડાં ના દેખાયાં એટલે ચીસાચીસ કરવા લાગી, 'મારાં ઈંડાં ક્યાં ગયાં? મારાં ઈંડાં ક્યાં ગયાં?'
- અર્જુનસિંહ કે.રાઉલજી
દેવગઢ દેવગઢ વનની મધ્યમાં એક તળાવ હતું. તળાવના એક કાંઠે બે મોટાં મોટાં ઝાડ હતાં. એક પીપળો અને એક વડલો. પીપળાના મૂળમાં શાનુ સાપ દર બનાવી પોતાની સાપણ સાથે રહેતો હતો અને પીપળાની ઉપરની ડાળી ઉપર કલ્લુ કાગડો કાગડી સાથે રહેતો હતો. તળાવમાં બન્નો બતક રહેતી હતી. મસ્તીથી છબછબિયાં કરતી રહેતી અને તળાવના પાણીમાં તરતી રહેતી.
શાનુ સાપ અને બન્નો બતક વચ્ચે ગાઢ મિત્રતા હતી. કલ્લુ કાગડાને એની અદેખાઈ આવ્યા કરતી. તેને અને તેની કાગડીને એક જ ચિંતા સતાવ્યા કરતી કે વરસાદ પડશે અને પોતે માળામાં હાજર નહિ હોય ત્યારે શાનુ સાપ અને સાપણ પોતાનાં માળમાં રહેલાં ઈંડાં અથવા બચ્ચાં ખાઈ જશે. જ્યારે બન્નો બતકને એવી કોઈ ચિંતા નહોતી, કારણ કે શાનુ સાપ સાથે તેને તો દોસ્તી હતી.
ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો એટલે બતકને તો મજા પડી. તે કેટલા સમયથી ગરમી અને બાફ સહન કરતી હતી. તેને તો ઠંડક થઇ એટલે મજા પડી. તે તળાવમાં નાચવા, ગાવા અને તરવા લાગી. આ જોઈ કલ્લુ કાગડાને અદેખાઈ આવી. તેણે બતકને કહ્યું, 'બન્ને બહેન તમે નાચો છો તો ખરાં પણ તમારાં ઈંડાં પાણીમાં પલળી જશે, તણાઈ જશે અને એમાંથી બચ્ચાં નીકળશે તો તમે તેમને શું ખવડાવશો?'
નાચતાં નાચતાં બન્નો હસીને બોલી, 'કલ્લુભાઈ, મને ના તો ઈંડાંની ચિંતા છે કે ના બચ્ચાના ખાવાની, કારણકે મેં વડના ઝાડ નીચે નીચલી મોટી ભરાવદાર ડાળી નીચે જ ઈંડાં મૂક્યાં છે. માત્ર એટલું જ નહિ, તેના ઉપર વડનાં મોટાં મોટાં ડાળી અને પાંદડાં ઢાંકી દીધાં છે કે તેને વરસાદનું એક ટીપુંય ના લાગે!'
'પણ એમાંથી બચ્ચાં નીકળશે તો તમે ખવડાવશો શું?' કલ્લુ કાગડાએ પૂછયું.
'એની પણ ચિંતા નથી. તળાવ ઉપર ફરવા આવનારાંઓએ ફેંકેલા બ્રેડના ટુકડા, રોટલીના ટુકડા પણ મેં ઈંડાંની સાથે જ છુપાવી દીધા છે.'
'તો તો બહુ સારું,' કલ્લુ કાગડાએ શાનુ સાપ તરફ જોતાં કહ્યું. શાનુ સાપ અને સાપણ પણ આ સંવાદ સાંભળતાં હતાં.
બીજા દિવસે ખૂબ વરસાદ પડયો. સાપના દરમાં તો પાણી ભરાઈ ગયું એટલે શાનુ સાપ અને સાપણ બહાર આવી ઢંડીમાં ઠુંઠવાતા બેઠાં હતાં. તેમનું ધ્યાન પોતાના દરમાં ભરાઈ ગયેલા પાણી તરફ હતું અને તે કોઈ મદદની રાહ જોતાં હતાં. બન્નો બતક તો મજાથી તરતી હતી. તરતી તરતી તે તળાવમાં દુર જતી રહી એટલે કલ્લુ કાગડાએ તેના માળામાંથી બન્નોનાં ઈંડાં ઉપાડી લીધાં અને પોતાના માળામાં મૂકી દીધાં. બ્રેડ અને રોટલીના ટુકડા તેણે આસ્તે રહીને શાનુ સાપના દર પાસે વેરણછેરણ ફેંકી દીધા. અને પછી પોતાની મસ્તીમાં કા. . કા. . . કા. . કરવા લાગ્યો.
બન્નો બતક કિનારે આવી અને પોતાનાં ઈંડાં ના દેખાયાં એટલે ચીસાચીસ કરવા લાગી, 'મારાં ઈંડાં ક્યાં ગયાં? ઈંડાં ક્યાં ગયાં?' એને બૂમો પાડતી જોઈ કલ્લુ બોલ્યો, 'શું થયું બન્નો? કેમ ચીસો પાડે છે?' બન્નો રડતાં રડતાં બોલી, 'મારાં ઈંડાં?'
કલ્લુ હસતાં હસતાં બોલ્યો, 'જ્યાં તે મુકેલા બ્રેડના ટુકડા અને રોટલીના ટુકડા પડયા હશે ત્યાં જ તારાં ઈંડાં હશે.'
બન્નોએ ચારે બાજુ નજર ઘુમાવી તો શાનુ સાપના દર ન પાસે જ બ્રેડના અને રોટલીના ટુકડા પડેલા હતા. નક્કી શાનુ સાપ જ મારાં ઈંડાં ખાઈ ગયો હશે એમ સમજી તે તો શાનુ સાપ સાથે લડવા લાગી. પણ આ દરમ્યાન જ સાપણ તો કલ્લુ કાગડાના માળા પાસે પહોંચી ગઈ હતી. તેણે ઊંચી ડાળી ઉપરથી કલ્લુના માળામાંથી ફુત્કાર કર્યાે અને બન્નો બતકને કહ્યું, 'આ રહ્યાં તારાં ઈંડા. આ કલ્લુએ જ તેના માળામાં છુપાવી દીધાં હશે… તારી અને અમારી દોસ્તીમાં તિરાડ પડાવવા.'
આ વાત શાનુ સાપે સાંભળી એટલે ફુત્કાર કરી અને બોલ્યો, 'કલ્લુ હવે તારી ખેર નથી, હું તને હવે અહી નહિ રહેવા દઉં. તારે જ્યાં જવું હોય ત્યાં જા, પણ અમારી દોસ્તી તો કાયમ જ રહેશે.'
અને શાનુ સાપ કલ્લુ કાગડાના માળા તરફ આગળ વધ્યો સાથે સાથે ગાવા લાગ્યો, 'કોબ્રા સાપ છું હું, મારો દંશ ક્યારેય ના જાય ખાલી, અને શિકાર માગે ના પાણી…'
કલ્લુ કાગડો અને કાગડી ત્યાંથી ઉડી ગયાં.









