સંપ ત્યાં જંપ

'ગુલ્લુભાઈ, તમને તમારાં કામની જ સજા મળી છે. અમે પંખીઓ વર્ષોથી આ વડલા ઉપર રહીએ છીએ. આપે અમને સૌને નુકસાન પહોંચાડયું. શું કોઈને નુકસાન પહોંચાડવું સારી વાત છે?'
ગુલ્લુ વાંદરો હજી પણ ઘુરકી રહ્યો હતો, ઘુર… ઘુર… ઘુર…!
કીર્તિ પટેલ 'ઓજસ'
એક નાનકડું સુંદર ગામ હતું. ગામને પાદરે એક વડલાનું ઝાડ હતું. વડલો એવો લીલોછમ અને ઘટાદાર હતો કે જાણે માથે લીલો ટોપો પહેરેલો હોય એવો લાગે! વડલાના ઝાડે ભાત-ભાતનાં પંખીઓ રહે અને મીઠો કલવર કરે, જાણે વડલો મીઠી સંગત ન રેલાવતો હોય! ચોમાસુ તો હમણાં બેઠું, બાકી ઉનાળામાં અહીં આકાશમાંથી આકરો તાપ વરસતો હતો. બધાં જ પંખીઓ બપોરના સમયે માળામાં લપાઈ રહેતાં. સાંજ પડે એટલે વડલાની ડાળીએ બેસે ને વડવાઈએ ઝૂલે. સર… સર.. સર… સરકે અને વળી પાછાં ઊડે, ફર… ફર… ફર…
વડલો એટલે પંખીઓનો મીઠો વિસામો.
એક દિવસ ક્યાંકથી એક વાંદરાભાઈ આવી ચડયા. નામ એનું ગુલ્લુ. ગુલ્લુ વાંદરો તો ગુલાંટો ખાય, એક ડાળીએથી બીજી ડાળીએ લટકે અને ડાળી પકડી કૂદે, હૂપ… હૂપ… હૂપ…
ગુલ્લુએ તો વડલા ઉપર ભારે ધમાચકડી મચાવી. પંખીઓના માળા તૂટવા લાગ્યા, તડ.. તડ… તડ… અને ઈંડાં ફૂટવા લાગ્યાં, ફટ… ફટ… ફટ! પંખીઓ તો ગભરાઈ ગયાં. હવે આ ગુલ્લુનું કરવું શું? બધાંએ ગુલ્લુને વિનંતી કરી, પણ ગુલ્લુને તો વધારે મજા પડી! એ તો વધારે ને વધારે કૂદકા મારતો, હૂપ… હૂપ… હૂપ.. અને દાંત પણ કાઢતો, હીં… હીં… હીં…!
ગુલ્લુની આવી હરકત જોઈ સૌ પંખીઓ ભેગાં મળ્યાં. હવે શું ઉપાય કરવો? ગુલ્લુને કેમ રોકવો? એટલામાં એક વડીલ પોપટભાઈએ સરસ ઉપાય સૂચવ્યો. બધાં જ પંખીઓ રાતે જાગતાં રહ્યાં. અંધારું થયું અને આખો દિવસ કૂદાકૂદ કરીને થાકેલા ગુલ્લુભાઈ વડલાની ડાળીએ લટકીને ઊંઘી ગયા. પંખીઓએ ગુલ્લુની પૂંછડી વડવાઈઓથી બરાબર કસીને ડાળી સાથે બાંધી દીધી! ગુલ્લુને ઊંઘમાં કાંઈ ખબર ન પડી.
સવાર પડી અને ગુલ્લુ જાગ્યો. એણે એક ડાળીએથી બીજી ડાળીએ કૂદવા પ્રયત્ન કર્યાે, હૂપ… પરંતુ બાંધેલી પૂંછડીના લીધે ગુલ્લુ ફસડાઈ પડયો! હવે એની પાસે કોઈ રસ્તો નહોતો. એ તો ઝાડની ડાળી પકડી જેમ તેમ બેસી રહ્યો. બધાં પંખીઓ ગુલ્લુ પાસે આવ્યાં. ગુલ્લુ એમની સામે ગુસ્સાથી જોવા લાગ્યો, ઘુર.. ઘુર… ઘુર…! આંખો ફેરવીને ઘુરકી રહ્યો.
સૌ પંખીઓમાંથી વડીલ પોપટભાઈ આગળ આવ્યા. નમ્રતાથી ગુલ્લુને કહે, 'ગુલ્લુભાઈ, તમને તમારાં કામની જ સજા મળી છે. અમે પંખીઓ વર્ષોથી આ વડલા ઉપર રહીએ છીએ. આપે અમને સૌને નુકસાન પહોંચાડયું. શું કોઈને નુકસાન પહોંચાડવું સારી વાત છે?'
ગુલ્લુ વાંદરો હજી પણ ઘુરકી રહ્યો હતો, ઘુર… ઘુર… ઘુર…! વડીલ પોપટભાઈ સાથે બધાં જ પંખીઓએ સૂર પુરાવ્યો કે, ગુલ્લુના તોફાનથી માળા અને ઈંડાંને નુકસાન થયું છે, પંખીઓની શાંતિ હણાઈ ગઈ છે. ગુલ્લુ વાંદરાએ શાંત મને વિચાર કર્યાે અને એને પોતાની ભૂલ સમજાઈ. ગુલ્લુએ સૌની માફી માંગી. પંખીઓનો દયાળુ સ્વભાવ હતો એટલે તેમણે ગુલ્લુની પૂંછડી છોડી દીધી અને ગુલ્લુને માફ કર્યાે.
ગુલ્લુ વાંદરાને પોતાની ભૂલનો પસ્તાવો થયો હતો એટલે પંખીઓએ ગુલ્લુને વડલાની ડાળે જ રહેવા જણાવ્યું. ગુલ્લુ વાંદરો તો આવા પ્રેમાળ અને સમજદાર પંખીઓ સાથે રહેવા માટે તરત જ તૈયાર થઈ ગયો. ગુલ્લુ હવે ડાળ પર જ રહેતો અને કોઈને નુકસાન ન કરતો.
ગુલ્લુ હવે સૌની મદદ કરતો હતો. એક ઝાડથી બીજા ઝાડે કૂદીને જાતજાતનાં ફળો તોડી લાવતો અને બચ્ચાંઓને ખવડાવતો. ખાસ કરીને બચ્ચાં અને ઈંડાંનું ખૂબ ધ્યાન રાખતો. વડલાની ડાળે લાલ લાલ ટેટાં ખાતો અને રમતો. સૌને ખૂબ હસાવતો, હીં… હીં… હીં…!
હવે સૌ પંખીઓને પણ ગુલ્લુ પોતાના પરિવારના સભ્ય જેવો જ લાગવા માંડયો. સૌ હળીમળીને વડલાની મીઠી છાયામાં રહેતાં, મોજ કરતાં અને ગાતાં-
'વડલા કેરી ડાળીએ રહીએ,
સૌ સંગાથે પ્રેમથી જમીએ,
વડલા કેરી વડવાઈએ ઝૂલીએ,
હળીમળી સૌ સાથે જીવીએ.'
તો બાળમિત્રો, તમને ગુલ્લુ વાંદરાની વાર્તા ગમી કે નહીં? ગમી હોય તો તમે બધાં પણ સાથે બોલો, હૂપ… હૂપ… હૂપ..!









