જાતે જ ચાંપ્યા છાતીએ ડામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ.
એ ત્રણની ત્રિપુટી હતી.
ક્રાંતિકારી ત્રિપુટી.
એ ત્રણે જણાએ દેશની લડતને એટલી હદે ચગાવી હતી કે બ્રિટિશ સરકાર ત્રાહી ત્રાહી પોકારી ગઈ હતી.
ત્રણે જણાને પાછળથી બ્રિટિશ સરકારે ફાંસી આપી હતી.
એ ત્રિપુટીમાંના રાજગુરુની આ વાત છે. એમણે પ્રતિજ્ઞા કરી હતી કે બ્રિટિશ સરકાર તેમના કાપીને કટકા કરી નાખે તે છતાં તેમણે રહસ્યની વાત કદી કહેવી નહિ.
એ પ્રતિજ્ઞા પછી એકવાર રાજગુરુએ જાતે જ એક સગડી સળગાવી, તેમાં એક સળિયો ધગધગતો ગરમ કર્યો.
લાલ લાલ આગ ઓકતો એ સળિયો તેણે પોતાની જાતે જ ચોંટાડી દીધો છાતીએ !
'છમ્મ…' અવાજ થયો.
છાતીએ મોટો ડામ પડયો.
બીજી વારનો ડામ અને બીજું ચકામું.
ત્રીજી વાર તે એ રીતે પોતાની છાતી ઉપર ઊનો ઊનો લાય જેવો સળિયો ચાંપવા જાય છે, ત્યાં જ તેનો સાથીદાર આવી પહોંચ્યો. પૂછ્યું - 'અરે ! આ શું કરે છે ?'
'મારી જાતની પરીક્ષા.' રાજગુરુએ કહ્યું - 'આજે આપણે જે પ્રતિજ્ઞા કરી છે તે પાળી શકીશું કે નહિ એની ખાતરી તો થવી જોઈએ ને ! કાલે ઊઠીને ગોરી સરકાર આવા જ જુલમ ગુજારે અને ત્યારે જો આપણાથી કંઈક કહી દેવાય તો ? પણ દોસ્ત ! હવે મને ખાતરી થઈ ગઈ છે કે હવે હું વિચલિત થઈશ નહિ. આ આગ, આ ડામ અને આ ત્રાસ મારે માટે તુચ્છ છે.'
એમ કહી મિત્ર રોકે તે પહેલાં ત્રીજો સળિયો પણ ચાંપી દીધો !
આપણને આઝાદી અપાવનાર આવા હતા આપણા ભડવીરો.
આઝાદી આપણને આટલા કષ્ટથી મળી છે. આપણે તેનું એટલી જ જવાંમર્દીથી રક્ષણ કરીશું.




