Zagmag

હૃદયનો પડઘો

By GS Team
24 Jul 20263 mins read
હૃદયનો પડઘો
  • એક બપોરે અચાનક શાંતિ છવાઈ ગઈ. પક્ષીઓ ઊડી ગયાં હતાં. પવન પણ જાણે અટકી ગયો હતો. મનુને અંદરથી અજાણ્યો ભય લાગ્યો. તેણે હાથ ફેલાવીને બોલાવી, 'ચીકુ?'
  • ડો. નિયતિ વેગલ

ગા મના પાદરે ઊભેલું પેલું જૂનું પીપળાનું ઝાડ માત્ર એક વૃક્ષ નહોતું, પણ અસંખ્ય વાતોનું સાક્ષી હતું. મનુ ત્યાં રોજ બેસતો. એ અંધ હતો. લોકો તેને જોઈને કહેતા, 'બિચારો મનુ! આ દુનિયા કેટલી સુંદર છે એ ક્યારેય જોઈ નહીં શકે.'
તેની દુનિયા અવાજોથી બનેલી હતી- પવનમાં હલતી પાંદડીઓ, દૂર વાગતી મંદિરની ઘંટડી, માટીમાં ચાલતાં પગલાં. જે લોકો તેને જોઈ દયા અનુભવતા તેમને ખબર નહોતી કે મનુ માટે આ દુનિયા અંધકારમય નહોતી, બસ અલગ હતી. મનુ હસીને મનમાં વિચારતો-
'આંખે દેખાય એ તો બસ પડછાયો છે,
અસલી દુનિયા તો શ્વાસનો લ્હાયો છે.
તમારા મન અંધારું, મારે મન સંગીત,
દિલથી સાંભળું હું કુદરતની આ પ્રીત.'
એક દિવસ જ્યારે મનુ પીપળાના ઝાડ નીચે બેઠો હતો, ત્યારે તેણે નાની પગલીઓનો ઓળખીતો અવાજ સાંભળ્યો. પાંદડીઓ હલવાની સહેજ ખખડાટ, અને સાથે 'ચિક-ચિક' સંભળાયું. મનુના હોઠ પર આપમેળે સ્મિત આવી ગયું.
મનુ બોલ્યો, 'આવી ગઈ મારી નાનકડી મિત્ર? ચાલ, આજે તારા માટે ખાસ મગફળી લાવ્યો છું.'
તેણે હથેળી લંબાવી. ચીકુ ખિસકોલી હળવેથી તેની આંગળી પર નાક ઘસવા લાગી. તે મનુને તેના અવાજ અને મગફળીની સુગંધથી ઓળખતી. મનુ રોજ ખિસ્સામાંથી મગફળી કાઢીને જમીન પર મૂકી દેતો. ચીકુ નજીક આવી તેને લઈ જતી, ક્યારેક મનુની આંગળી સાથે નાક ઘસતી, તો ક્યારેક તેની લાકડી પર ચડી જતી. મનુ માટે એ નાનો સ્પર્શ આખા દિવસની ખુશી બની જતો.
સમય જતાં તેમની મિત્રતા ગાઢ બનતી ગઈ. મનુ કોઈના કહ્યા વગર પણ સમજી જતો કે ચીકુ ખુશ છે કે ડરી ગઈ છે. તેનાં પગલાંનો અવાજ, શ્વાસની ગતિ-બધું જ મનુના દિલ સુધી પહોંચતું. ચીકુ પણ જાણતી હતી કે આ છોકરો તેને ક્યારેય નુકસાન નહીં કરે.
એક બપોરે અચાનક શાંતિ છવાઈ ગઈ. પક્ષીઓ ઊડી ગયાં હતાં. પવન પણ જાણે અટકી ગયો હતો. મનુને અંદરથી અજાણ્યો ભય લાગ્યો. તેણે હાથ ફેલાવીને બોલાવી, 'ચીકુ?'
એ જ ક્ષણે બિલાડીનો ઘુરઘુર અવાજ આવ્યો અને પછી કંઈક જમીન પર પડયાનો અવાજ સંભળાયો. મનુ ગભરાઈ ગયો. એ દિશામાં દોડી ગયો, લાકડી જમીન પર ટેકવીને હાથ ફેરવવા લાગ્યો. થોડી જ વારમાં તેના હાથને નરમ, ધ્જતું શરીર લાગ્યું. ચીકુ ઘાયલ હતી.
મનુએ તેને હળવેથી ઊંચકી, છાતીએ ચાંપડી. તેની આંખોમાં આંસુ નહોતાં, પરંતુ અવાજ કાંપતો હતો, 'ડર નહીં, હું છું.' એ શબ્દોમાં આખો હિંમતભર્યો પ્રેમ છલકાતો હતો.
'નિઃશબ્દ વેદના, હાથમાં ધૂ્રજતું શરીર,
મિત્રનું લોહી જોઈ, આંખે વહ્યા નીર.
હે ઈશ્વર! આ શ્વાસનો તાર તૂટે નહીં,
આ પવિત્ર સાથ કદી છૂટે નહીં.'
ઘરે લઈ જઈ મનુએ ચીકુની સંભાળ લીધી. તે પોતાના હાથથી તેની ઈજા ઓળખતો, પાણી પીવડાવતો, અને કલાકો સુધી શાંતિથી બાજુમાં બેસી રહેતો. રાતે જ્યારે આખું ગામ સૂઈ જતું, ત્યારે મનુ ચીકુના શ્વાસ સાંભળીને જ સૂતો. એ અવાજ બંધ ન થઈ જાય-બસ એ જ તેની પ્રાર્થના હતી.
દિવસો પસાર થયા. ચીકુ ફરી ચાલવા લાગી. તેનાં પગલાંમાં ફરી ચપળતા આવી. મનુએ તેને ઘરે લાવી રૂના પૂમડાથી સાફ કરી હતી અને સાંત્વના આપી હતી. મનુ સમજી ગયો હતો કે દુખ હતું, પણ ગુસ્સો નહોતો, કારણ કે સાચી મિત્રતા ક્યારેય કેદમાં નથી બાંધતી.
ઘણા દિવસો પછી એક સવારે ફરી પાંદડીઓ હલવા લાગી. એ અવાજ ઓળખીતો હતો, પણ આ વખતે વધારે હતો-ઘણાં નાનકડાં પગલાં! મનુ હસી પડયો. ચીકુ પાછી આવી હતી - સાથે તેનાં બાળકો પણ હતાં!
મનુ જોઈ ન શક્યો, પણ એ ક્ષણે તેને કંઈ જોવા જેવું નહોતું. એ જાણતો હતો કે મિત્રતા હજુ પણ ત્યાં જ છે.
આજેય મનુ પીપળાના ઝાડ નીચે બેસે છે, મગફળી મૂકે છે અને શાંતિથી સાંભળે છે. કારણ કે કેટલીક મિત્રતાઓ આંખોથી નહીં-દિલથી જીવતી રહે છે!
બોધઃ
સાચા સંબંધો દેખાવથી નહીં, પણ સારા સ્વભાવ અને સચ્ચાઈથી બને છે.