Zagmag

દાદાનો ડંગોરો

By GS Team
30 Oct 20267 mins read
દાદાનો ડંગોરો
  • 'બેટા, આ માત્ર ચાલવા માટેનો ટેકો નથી, આ તો એક ચમત્કારી ડંગોરો છે!
  • જો કોઈ સાચા દિલથી અને નિઃસ્વાર્થ ભાવે બીજાને મદદ કરવા આ ડંગોરાને સ્પર્શ કરે, તો જ તેનો ચમત્કાર જોવા મળે છે. પણ બેટા, હંમેશાં યાદ રાખજે કે તેનો ઉપયોગ ક્યારેય કોઈનું અહિત કરવા કે પોતાના સ્વાર્થ ખાતર ન થવો જોઈએ.'
  • ભાવના હેમંતકુમાર વકીલના

એક નાનકડા સુંદર ગામમાં ચિન્ટુ પોતાના દાદાજી સાથે રહેતો હતો. ગામની ચારે તરફ લીલાંછમ ખેતરો અને ઘટાદાર વૃક્ષો આવેલાં હતાં, જેથી આ ગામનું નામ 'હરિયાળી' રાખવામાં આવ્યું હતું. ચિન્ટુ શહેરમાં ભણતો હતો, પરંતુ વેકેશનમાં પોતાના દાદાજી પાસે ગામડે આવતો અને તેમની સાથે અવનવી વાતો શીખતો. ચિન્ટુ ખૂબ જ રમતિયાળ હતો. તેનામાં અજબની કુતૂહલવૃત્તિ હતી. નવું નવું જાણવાનું અને શીખવાનું તેને ખૂબ ગમતું. તે સ્વભાવે અત્યંત દયાળુ પણ હતો. તેના દાદાજી હરિયાળી ગામના સૌથી વયોવૃદ્ધ અને જ્ઞાાની વ્યક્તિ હતા.
'ચિન્ટુ, ચાલ આપણે બગીચામાં જઈએ!' દાદાજી બગીચામાં જવા તૈયાર થતાં બોલ્યા.
'હા દાદાજી!' ચિન્ટુ દોડતો આવ્યો અને દાદાજીની આંગળી પકડી લીધી.
દાદાજીએ ખૂંટી પરથી લાકડી હાથમાં લીધી. એ લાકડી એક મજબૂત ડંગોરા જેવી હતી. આ ડંગોરો કોઈ સાધારણ લાકડી નહોતો. તે ઉત્તમ લાકડામાંથી બનેલો હતો અને તેના પર સરસ મજાનું કલાત્મક નકશીકામ કરેલું હતું. તેના મથાળે લાકડાની એક સુંદર બુલબુલ પક્ષીની આકૃતિ કોતરેલી હતી. દાદાજી જ્યાં પણ જતા ત્યાં આ ડંગોરો હંમેશાં તેમની સાથે જ રહેતો. ગામનાં બાળકો આ ડંગોરાને વહાલથી 'બુલબુલ ડંગોરો' કહીને બોલાવતાં.
ચિન્ટુને આ ડંગોરા પ્રત્યે ભારે આકર્ષણ હતું. તેને હંમેશાં થતું કે દાદાજી આ લાકડીને આટલી બધી સાચવીને કેમ રાખતા હશે?
એક સાંજની વાત છે. સૂરજ આથમવાની તૈયારીમાં હતો. બધાં પંખીઓ પોતાના માળા તરફ પાછાં ફરી રહ્યાં હતાં. દાદાજી આંગણામાં ખાટલા પર બેઠા હતા. ચિન્ટુ દોડીને દાદાજી પાસે ગયો અને તેમના ખોળામાં બેસી ગયો.
'દાદાજી, મને આ બુલબુલ ડંગોરાની વાર્તા કહો ને! તમે એને હંમેશાં તમારી સાથે કેમ રાખો છો?'
ચિન્ટુની નિર્દોષ વાત સાંભળી દાદાજી તેને એકીટશે જોઈ રહ્યા. તેમણે રહસ્યમય સ્મિત સાથે ચિન્ટુના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, 'બેટા, આ માત્ર ચાલવા માટેનો ટેકો નથી, આ તો એક ચમત્કારી ડંગોરો છે! જો કોઈ સાચા દિલથી અને નિ - સ્વાર્થ ભાવે બીજાને મદદ કરવા આ ડંગોરાને સ્પર્શ કરે, તો જ તેનો ચમત્કાર જોવા મળે છે. પણ બેટા, હંમેશાં યાદ રાખજે કે તેનો ઉપયોગ ક્યારેય કોઈનું અહિત કરવા કે પોતાના સ્વાર્થ ખાતર ન થવો જોઈએ.'
ચિન્ટુ તો આ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયો. તેને મનમાં થયું, 'શું ખરેખર આ લાકડાના ડંગોરામાં ચમત્કાર હશે?'
બીજે દિવસે સવારે દાદાજી પડોશના ગામમાં કોઈ અંગત કામે ગયા. ઉતાવળમાં તેઓ પોતાનો બુલબુલ ડંગોરો ઘરમાં જ ભૂલી ગયા. ચિન્ટુએ ઓરડાના ખૂણામાં ટેકવેલા ડંગોરાને જોયો. તેનું હૃદય જોરજોરથી ધબકવા લાગ્યું. તેણે આજુબાજુ નજર કરીત ઘરમાં કોઈ નહોતું. તે ધીમા પગલે ડંગોરા પાસે પહોંચ્યો અને ડરતાં ડરતાં પોતાના નાનકડા હાથ વડે ડંગોરાના મથાળે કોતરેલી લાકડાની બુલબુલને સ્પર્શ કર્યાે.
અને અચાનક… ઝબૂક કરતો એક ચમકારો થયો!
ડંગોરા પર કોતરેલી લાકડાની બુલબુલમાં જીવ આવી ગયો! તે પાંખો ફફડાવવા લાગી અને તેના શરીરમાંથી દિવ્ય સોનેરી અજવાળું રેલાવા માંડયું. ક્ષણભરમાં એ લાકડાનું પંખી સાચેસાચ એક જીવંત સોનેરી બુલબુલ બની ગયું! તે ડંગોરા પરથી ઊડીને ચિન્ટુના ખભા પર આવીને બેસી ગઈ અને મધુર અવાજે ટહૂકી-
'ચીં… ચીં… હેલો ચિન્ટુ, હું બુલબુલ છું! આજે તું જે પણ ઇચ્છા વ્યક્ત કરીશ તે હું પૂરી કરીશત પરંતુ શરત માત્ર એટલી જ છે કે એ ઇચ્છા કોઈ નિર્દોષ જીવની ભલાઈ માટે હોવી જોઈએ.'
ચિન્ટુ તો ખુશીથી નાચી ઊઠયો. તેને પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો આવતો. તેણે વિચાર્યું કે આજે આ ચમત્કારી બુલબુલ ડંગોરાની મદદથી જરૂરિયાતમંદ ગામલોકોની સેવા કરવી જોઈએ. તે હાથમાં ડંગોરો લઈ, ખભા પર બુલબુલને બેસાડી ગામ તરફ નીકળી પડયો.
ગામના ચોકમાં પહોંચતાં જ તેણે જોયું કે તેની નાની ભેરુ મીના ધૂ્રસકે ધૂ્રસકે રડી રહી હતી. ચિન્ટુએ તેની પાસે જઈ પૂછયું, 'મીના, તું કેમ રડે છે?'
મીના આંસુ લૂછતાં બોલી, 'ચિન્ટુ, મારી વહાલી સફેદ બિલાડી પુસી સવારની ખોવાઈ ગઈ છે! તે બહુ નાની છે, મને તેની ખૂબ ચિંતા થાય છે. ભૂખી-તરસી ક્યાં ભટકતી હશે?'
ચિન્ટુએ ખભા પર બેઠેલી બુલબુલ તરફ જોયું અને મનોમન પ્રાર્થના કરી- 'હે બુલબુલ, મારી મિત્ર ખૂબ દુખી છે. પ્લીઝ, પુસી ક્યાં છે તે શોધવામાં અમારી મદદ કર!'
ડંગોરામાંથી તુરંત જ એક સોનેરી પ્રકાશનું કિરણ નીકળ્યું અને ગામની સીમમાં આવેલા એક વિશાળ પીપળાના ઝાડ તરફ લંબાયું. બુલબુલ ઊડીને એ તરફ ગઈત ચિન્ટુ અને મીના પણ તેની પાછળ દોડયાં. ઝાડ પાસે પહોંચીને જોયું તો પુસી ઝાડની એક ઊંચી ડાળી પર ફસાઈ ગઈ હતી અને ધીમા અવાજે 'મ્યાઉં… મ્યાઉં…' કરતી થરથર કાંપતી હતી.
ચિન્ટુએ ચમત્કારી ડંગોરાનો છેડો ઝાડના થડ સાથે અડકાડયો. પળવારમાં ઝાડની એ ઊંચી ડાળી નમીને જમીન સરસી થઈ ગઈ અને પુસી સહેલાઈથી કૂદીને મીનાના ખોળામાં આવી ગઈ! મીના હરખાઈ ગઈ અને તેણે ચિન્ટુનો અંત - કરણથી આભાર માન્યો.
બપોરનો સમય થયો હતો. સીમમાંથી પસાર થતાં ચિન્ટુએ જોયું કે એક ગરીબ ખેડૂત રામુકાકા પોતાના ખેતરમાં માથે હાથ દઈને બેઠા હતા. આ વર્ષે વરસાદ ન પડવાથી ખેતરમાં મોલ સુકાઈ રહ્યો હતો અને રામુકાકાની આંખોમાં લાચારીનાં આંસુ હતાં. ચિન્ટુએ રામુકાકાની વેદના જોઈ બુલબુલને કહ્યું, 'બુલબુલ, રામુકાકા ખૂબ મહેનતુ છે. જો એમનો પાક સુકાઈ જશે તો એમનો પરિવાર ભૂખે મરશે. શું આપણે આ ખેતર માટે કંઈ કરી શકીએ?'
ચિન્ટુએ ચમત્કારી ડંગોરાને ખેતરની જમીન પર 'ઠક… ઠક… ઠક…' કરી ત્રણ વાર પછાડયો. ક્ષણવારમાં નીલા આકાશમાં કાળાંડીબાંગ વાદળો ઘેરાઈ આવ્યાં, વીજળીના કડાકા થયા અને આખા ખેતર પર કાચો સોના જેવો મીઠો વરસાદ વરસવા લાગ્યો! ચમત્કાર એ હતો કે વરસાદ માત્ર રામુકાકાના અને આસપાસના સુકાયેલા ખેતરો પર જ વરસી રહ્યો હતો. સુકાતા છોડ ફરી લીલાછમ લહેરાવા લાગ્યા. રામુકાકા તો હાથ જોડી ખુશીથી નાચવા લાગ્યા.
સાંજ ઢળવા આવી હતી અને ચિન્ટુ ઘર તરફ પાછો વળી રહ્યો હતો. ગામનો એક તોફાની અને રખડુ છોકરો કાળુ ઝાડ પાછળ સંતાઈને આ બધું જોઈ રહ્યો હતો. તેને ખબર પડી ગઈ હતી કે ચિન્ટુ પાસે કોઈ અદ્ભુત ચમત્કારી ડંગોરો છે. કાળુના મનમાં લાલચ જાગી- 'જો આ ડંગોરો મને મળી જાય, તો હું દુકાનોમાંથી ઢગલાબંધ ચોકલેટ, રમકડાં અને રૂપિયા પળવારમાં મેળવી લઉં!'
જેવો ચિન્ટુ એક સૂમસામ શેરીમાંથી પસાર થયો, કે તરત કાળુ પાછળથી ધસી આવ્યો અને ઝાપટ મારી ચિન્ટુના હાથમાંથી બુલબુલ ડંગોરો આંચકીને
ભાગી છૂટયો!
ચિન્ટુએ પાછળ દોડતાં બૂમ પાડી, 'કાળુ, ઊભો રહે! એ ડંગોરો દાદાજીનો છે, એનો દુરુપયોગ ના કરીશ!' પણ કાળુ ક્યાંય સાંભળે તેમ હતો?
કાળુ ડંગોરો લઈને એક અંધારી ઓરડીમાં સંતાઈ ગયો. તેણે લોભી નજરે ડંગોરાની બુલબુલ પર હાથ ફેરવ્યો અને ઘમંડથી હુકમ કર્યાે- 'એ બુલબુલ! મને હમણાં ને હમણાં પાંચ કિલો ગરમાગરમ કચોરી, ઢગલો ચોકલેટ અને માથે પહેરવા સોનાનો મોટો મુગટ હાજર કરી આપ!'
પરંતુ દાદાજીએ સમજાવ્યું હતું તેમ આ ડંગોરો માત્ર પવિત્ર અને પરોપકારી હૃદય માટે જ કામ કરતો હતો. કાળુના અંતરમાં લાલચ અને સ્વાર્થ હતાં. પરિણામે ડંગોરામાંથી સોનેરી પ્રકાશને બદલે કાળોડિબાંગ ઝેરી ધુમાડો નીકળવા લાગ્યો. એ ધુમાડામાંથી હજારો ઝેરી મધમાખીઓનું મોટું ઝૂંડ બહાર ધસી આવ્યું! લાકડાની બુલબુલ પણ બિહામણા અવાજે ચીસો પાડવા લાગી. મધમાખીઓ કાળુની પાછળ પડી અને તેના શરીર પર ઉપરાછાપરી ડંખ મારવા લાગી.
'ઓ બાપ રે! બચાવો… મને કોઈ બચાવો!' કાળુ ચીસો પાડતો શેરીઓમાં ભાગવા લાગ્યો. તેને પોતાની લાલચનો ભારે પસ્તાવો થવા માંડયો. કાળુની આવી દયનીય હાલત જોઈ ચિન્ટુનું હૃદય પીગળી ગયું. કાળુએ રડતાં રડતાં ડંગોરો ચિન્ટુ તરફ ફંગોળ્યો અને કરગર્યાે, 'ચિન્ટુ, મને બચાવી લે… આ ડંગોરો મને મારી નાખશે!'
ચિન્ટુએ હવામાં જ ડંગોરાને ઝીલી લીધો. તેણે આંખો મીંચીને સાચા દિલથી આજીજી કરીથ 'હે બુલબુલ, કાળુને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. પ્લીઝ, આ મધમાખીઓને પાછી વાળી લે અને એને માફ
કરી દે!'
ચિન્ટુના પવિત્ર સ્પર્શથી ડંગોરામાંથી ફરી શાંત, શીતળ સોનેરી તેજ પ્રગટ થયું. જોતજોતામાં બધી મધમાખીઓ હવામાં ઓગળી ગઈ. લાકડાની બુલબુલ શાંત થઈને ડંગોરાના મથાળે પોતાની મૂળ જગ્યાએ બેસી ગઈ. કાળુ થરથર કાંપતો ચિન્ટુના પગમાં પડી ગયોથ 'ચિન્ટુ, મને માફ કર! હું લાલચમાં અંધ બની ગયો હતો. હવેથી હું ક્યારેય ચોરી નહીં કરું અને કોઈનું અહિત નહીં વિચારું.'
સાંજ પડી ગઈ હતી અને દાદાજી પણ ઘેર પાછા આવી ગયા હતા. ચિન્ટુએ આદરપૂર્વક ડંગોરો દાદાજીના હાથમાં સોંપ્યો. દાદાજીએ સ્નેહભર્યું સ્મિત રેલાવી કહ્યું, 'ચિન્ટુ, આજે તેં બુલબુલ ડંગોરાનો ખૂબ સુંદર ઉપયોગ કર્યાે, ખરું ને!'
ચિન્ટુએ આશ્ચર્યથી પૂછયું, 'દાદાજી, તમને કેવી રીતે ખબર પડી?'
દાદાજીએ ચિન્ટુને છાતી સરસો ચાંપીને કહ્યું, 'બેટા, આ ડંગોરો એ જ વ્યક્તિના હાથમાં શક્તિ પ્રગટ કરે છે જેનું મન નિર્દોષ હોય અને જે બીજાના કલ્યાણ માટે વિચારતો હોય. તેં આજે મીનાની, રામુકાકાની અને છેલ્લે કાળુની પણ નિથસ્વાર્થ ભાવે મદદ કરી.'
ચિન્ટુ ગદગદ થઈને દાદાજીને ભેટી પડયો અને બોલ્યોથ 'દાદાજી, આજે મને સમજાઈ ગયું કે સાચો ચમત્કાર લાકડાના આ ડંગોરામાં નથી, પણ આપણા અંતરમાં રહેલી દયા, કરુણા અને પરોપકારની ભાવનામાં છે!'