Zagmag

ગીતાનો પાઠ

By GS Team
25 Sep 20263 mins read
ગીતાનો પાઠ
  • બીજા દિવસે ગીતા શાળાએથી આવીને તૈયારીમાં લાગી ગઈ. તેણે બે આસન, પાણીની બોટલ, સંસ્કૃતનું પુસ્તક અને ભગવદ્ ગીતા સાથે રાખ્યાં. 'નીતાદીદી, ચાલો આપણે બંને રમીએ!'

જાગૃતિ 'નિર્મોહી'
એક શહેર હતું. ત્યાં એક નાનો અને સુખી પરિવાર રહેતો હતો. એ પરિવારમાં બે દીકરીઓ હતી - એકનું નામ નીતા અને બીજીનું નામ ગીતા. નીતા મોટી.
ગીતા નાની.
એક વાર નીતા શાળાએથી સાયકલ લઈને ઘેર આવી રહી હતી ત્યારે રસ્તામાં એક ભયાનક અકસ્માત થયો. બહેનોને ઇજા નહોતી થઈ, પણ અકસ્માતને જોવા માત્રથી નીતા ખૂબ ડરી ગઈ અને તેના કુમળા મગજ પર એ ઘટનાની ઊંડી આઘાતજનક
અસર પડી.
પરિણામે દરરોજ દવાખાને જવાનું અને આવવાનું શરૂ થઈ ગયું. નીતાનાં મમ્મી-પપ્પા સતત ચિંતામાં રહેતાં હતાં. ગીતા નાની હોવા છતાં પોતાનાં કામ જાતે કરી નિયમિત શાળાએ જતી હતી.
એક દિવસ નીતાની સારવાર કરતા ડોક્ટર કાકા તેમના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નીતાના પપ્પાની નજર તેમના પર પડી. તેઓ ડોક્ટર સાહેબને આગ્રહપૂર્વક ઘેર લઈ આવ્યા. નીતા સૂતી હતી. મમ્મી ચા બનાવવા ગયાં. પપ્પા અને ડોક્ટર બંને વાતચીત કરી રહ્યા હતા. ગીતા પણ ત્યાં એક ખૂણામાં બેસીને બધું ધ્યાનથી સાંભળી રહી હતી.
ડોક્ટર સાહેબે કહ્યું, 'નીતામાં પહેલાં કરતાં સારો સુધારો દેખાય છે. તેને તમે બહાર ફરવા લઈ જાઓ, ખુલ્લી હવામાં ચલાવો, તેમજ યોગ અને પ્રાણાયામ કરાવો. આ બધું તેનો ભય દૂર કરવામાં ઘણું મદદરૂપ સાબિત થશે.'
ગીતા આ બધું સાંભળતી હતી. તેને તરત યાદ આવ્યું કે પોતાની શાળામાં શિક્ષિકા બહેન યોગ-કસરત કરાવતાં અને ગીતાજીના પાઠ શીખવતાં હતાં. તે સરકારી શાળામાં ભણતી હતી, જ્યાં શિક્ષિકા બહેન ભણતરની સાથે સંસ્કાર ઘડતરનું ઉત્તમ શિક્ષણ આપતાં હતાં. ગીતાને યાદ આવ્યું કે શિક્ષિકા બહેન કહેતાં- 'સંસ્કૃત શ્લોકો અને ભગવદ્ ગીતા સમગ્ર જીવનનો સાર છે. તેનું પઠન કરવાથી મનને અખૂટ મનોબળ અને શાંતિ મળે છે.'
ગીતા તરત આગળ આવીને બોલી, 'ડોક્ટર કાકા, હું નીતાદીદીને સાજી કરવામાં મદદ કરીશ!'
ડોક્ટરે આશ્ચર્યથી પૂછયું, 'એ કેવી રીતે?'
ગીતા હસીને બોલી, 'તમે મારો ચમત્કાર જોજો! સવારે તમે દવા કરજો અને સાંજે હું સારવાર કરીશ!'
'સારું ત્યારે, હવે નીતાના બે ડોક્ટર!' સાહેબ હસતાં હસતાં બોલ્યા અને બધાંના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું.
બીજા દિવસે ગીતા શાળાએથી આવીને તૈયારીમાં લાગી ગઈ. તેણે બે આસન, પાણીની બોટલ, સંસ્કૃતનું પુસ્તક અને ભગવદ્ ગીતા સાથે રાખ્યાં. 'નીતાદીદી, ચાલો આપણે બંને રમીએ!' કહીને હાથ પકડી તે દીદીને ઘરના ધાબે લઈ ગઈ.
હાથ પકડી, આકાશ અને શીતળ પવનની વાતો કરતાં બંને ધાબા પર થોડું ચાલ્યાં. ત્યારબાદ આસન પાથરી નીતાને બેસાડી અને ગીતા પણ સામે બેસી ગઈ. ગીતાએ કહ્યું, 'દીદી, હું શ્લોક ગાઉં છું, તમે આંખો બંધ કરીને શાંતિથી સાંભળજો.' નીતાએ હકારમાં માથું હલાવ્યું અને આંખો મીંચી હાથ જોડીને બેસી ગઈ. ગીતાએ મધુર અવાજે શ્લોકગાન કર્યું, જેથી નીતાનું મન અત્યંત પ્રફુલ્લિત
થઈ ગયું.
બીજે દિવસે સવારે ગીતા શાળાએ ગઈ હતી. નીતા વહેલી ઊઠી ગઈ અને ઘરમાં હરતાં-ફરતાં ગીતા પાસેથી સાંભળેલા શ્લોકોના શબ્દો મોટેથી બોલવા લાગી. તેનાં મમ્મી-પપ્પા દીકરીમાં આવેલું આ આશ્ચર્યજનક પરિવર્તન જોઈને હરખાઈ ગયાં!
હવે તો આ ગીતાનો નિત્યક્રમ બની ગયો. દરરોજની સાંજ નીતાદીદીને નામે રહેતી. ગીતા જો થોડું મોડું કરે તો નીતા પોતે અગાસી પર જવા ઉતાવળ કરતી. જોતજોતામાં નીતા જાતે શ્લોકગાન અને ગીતાજીના પાઠ કરવા લાગી.
તે ધીમે ધીમે નિર્ભય બનીને હરવા-ફરવા લાગી અને ફરી આનંદથી સાયકલ પણ ચલાવવા માંડી. ડોક્ટર કાકાએ છેલ્લી તપાસ પૂરી કરી ત્યારે નીતાને સંપૂર્ણ સ્વસ્થ જોઈ તેઓ દંગ રહી ગયા. ડોક્ટર કાકાએ ગીતાને કલરબુક ભેટ આપી શાબાશી આપતાં કહ્યું, 'તારી નીતાદીદીની સાચી ડોક્ટર તો તું જ છે! નીતા પહેલાં જેવી જ તંદુરસ્ત થઈ
ગઈ છે.'
નીતા અને ગીતા ખુશીથી એકબીજાનો હાથ પકડી કૂદકા મારતી દવાખાના બહારના બગીચામાં રમવા દોડી ગઈ.