Zagmag

નવરાત્રિનો પ્રથમ દિવસ

By GS Team
9 Oct 20263 mins read
નવરાત્રિનો પ્રથમ દિવસ
  • સમ્રાટ સિંહ સરસ મજાનું કસબી કેડિયું, ચોરણો, રંગીન ફેંટો અને મોજડી પહેરીને પધાર્યા, તો શિરી સિંહણ પણ આભલાં ભરેલી સુંદર ચણિયાચોળી પહેરીને આવી પહોંચ્યાં.
  • જતિન ભટ્ટ 'નિજ'

સમ્રાટ સિંહ અને શિરી સિંહણ એમના સિંહાસન પર બિરાજમાન હતાં. સામે જ એમના વહાલા પ્રજાજનો એટલે કે જંગલનાં વિવિધ પશુ-પંખીઓ બેઠાં હતાં. સભા શરૂ થઈ.
વનરાજે ગંભીર અને સ્નેહપૂર્ણ અવાજે કહ્યું, 'મારાં વહાલાં પશુ-પંખીઓ, આપણે સૌએ સાથે મળીને ખૂબ જ ધામધૂમથી ગણેશ મહોત્સવ મનાવ્યો… ત્યારબાદ આપણા પૂર્વજોને યાદ કરીને શ્રાદ્ધપક્ષ પણ વિધિવત્ પૂર્ણ કર્યાે. હવે આવી રહી છે નવલી નવરાત્રિ! તો શું આપણે સૌ ભેગાં મળીને નવરાત્રિ ઊજવીએ? મા આદ્યશક્તિની આરાધના કરીએ?'
આ સાંભળતાં જ બધાં પશુ-પંખીઓ અત્યંત રાજી થઈ ગયાં અને તેમણે એકીઅવાજે જોરશોરથી સંમતિ દર્શાવી - 'હા… મહારાજ, ચોક્કસ!'
'બસ, તો સૌ પોતપોતાની તૈયારીમાં લાગી જાઓ!' વનરાજે આજ્ઞાા કરી.
ગોપી તળાવની પડખે એક મોટું અને ખુલ્લું મેદાન આવેલું હતું. હક્કા હાથી અને લડ્ડુ મદનિયું બંને જઈને મંડપના શણગાર માટે કેળના મોટા સ્તંભ લઈ આવ્યાં. કલબલ કાબરે નજીકના એક ઘરના આંગણેથી આસોપાલવનાં લીલાંછમ પાંદડાં લાવીને સુંદર તોરણો ગૂંથી કાઢયાં. ગરબડ ગધેડો આ વખતે ખરેખર બહુ ડાહ્યો થઈ ગયો હતો. તે દોડીને નજીકના બજારમાંથી તાજાં ફૂલો અને હાર લઈ આવ્યો. સીલી શિયાળે ગોપી તળાવમાંથી પાણી લાવીને મેદાનમાં છંટકાવ કર્યાે જેથી ધૂળ ન ઊડે. કાલુ કાગડો પોતાની ચાંચમાં પ્રેમપૂર્વક અંબામાતાની મનોહર છબી ઉપાડી લાવ્યો.
હવે શરૂ થયું 'ચાચર ચોક' બનાવવાનું કામ. માતાજીની છબી કે પ્રતિમા સમક્ષ બનતા પવિત્ર વર્તુળાકાર મંડપને ચાચર ચોક કહેવામાં આવે છે.
બધાંએ સાથે મળીને કેળના સ્તંભ ઊભા કરી મંડપ તૈયાર કર્યાે. મંડપની ચારેય તરફ મજબૂત વાંસ બાંધી દીધા અને તેની ઉપર આસોપાલવનાં કલાત્મક તોરણો લટકાવી દીધાં. એક ઝાડના થડને સુવ્યવસ્થિત ગોઠવી ટેબલ જેવું બનાવ્યું અને તેના પર માતાજીની છબી પધરાવી. મંડપની ચારેકોર મશાલો પ્રગટાવીને દિવ્ય અજવાળું પાથરી દેવામાં આવ્યું.
જોતજોતામાં નવરાત્રિનો પ્રથમ દિવસ આવી પહોંચ્યો. સાંજ પડતાં જ બધાં પશુ-પંખીઓ સજીધજીને ચાચર ચોકમાં ઊમટી પડયાં. સમ્રાટ સિંહ સરસ મજાનું કસબી કેડિયું, ચોરણો, રંગીન ફેંટો અને મોજડી પહેરીને પધાર્યા, તો શિરી સિંહણ પણ આભલાં ભરેલી સુંદર ચણિયાચોળી પહેરીને આવી પહોંચ્યાં. હક્કા હાથી, હકી હાથણી અને લડ્ડુ મદનિયું પણ પરંપરાગત ધોતિયું અને રંગબેરંગી ઝભ્ભો સજીને હાજર થયાં. કાલુ કાગડો, સીલી શિયાળ, કલબલ કાબર અને પિમ્પો પોપટ-આ બધાં જ પશુ-પંખીઓ સહકુટુંબ ઉત્સાહભેર આવી પહોંચ્યાં.
સૌપ્રથમ ભાવપૂર્વક મા અંબાની આરતી કરવામાં આવી. ત્યારબાદ સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવતી વિશ્વંભરી સ્તુતિનું ગાન થયું. પછી માતાજીને ભોગ ધરાવીને સૌને પ્રસાદ વહેંચવામાં આવ્યો.
હવે તો સૌ કોઈ આતુરતાથી રાસ-ગરબા શરૂ થવાની રાહ જોઈ રહ્યાં હતાંત અને જોતજોતામાં મધુર સૂરો સાથે ગરબાનો શુભારંભ થયો!
કુક્કુ કોયલ, પિમ્પો પોપટ અને તેમના સાથીદારોએ મધુર કંઠે ગરબા ગાવાનું શરૂ કર્યું. જાંબુ રીંછ પણ વિવિધ વાજિંત્રો સાથે સજ્જ થઈને આવી પહોંચ્યો હતો. તેણે ઢોલ અને નગારાં પર દાંડી ફટકારી તાલબદ્ધ સંગીત રેલાવ્યું. વાજિંત્રોના સુરીલા નાદ અને ગરબાના તાલથી આખું નંદનવન ગુંજી ઊઠયું.
સૌપ્રથમ નાનાં ભૂલકાંની બાળ-ગાડી શરૂ થઈ-
'એક મુંબઈથી ગાડી આવી રે… ઓ દરિયાલાલા…!'
નાનાં નાનાં પશુ-પંખીઓ તાળીઓ પાડતાં અને કૂદતાં કૂદતાં રેલગાડી બનીને રમવા લાગ્યાં.
ત્યારબાદ 'એ કે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ…' જેવા પરંપરાગત ત્રણ તાળીના ગરબા ગવાયા, અને 'પંખીડાં તું ઊડી જાજે પાવાગઢ રે…' જેવા બે તાળીના ગરબાની રમઝટ બોલી.
એ પછી તો 'મારી સહિયર લે સંગાથ, ટીટોડો લેવો છે…' ગીત વાગતાં જ સૌ ટીટોડાના તાલે ઉત્સાહપૂર્વક ઝૂમી ઊઠયાં. અંતમાં 'લાલ લાલ સનેડો…'ની રમઝટ બોલાવીને બધાંએ આનંદની હેલી સર્જી દીધી.
બધાં જ પશુ-પંખીઓએ અત્યંત ભક્તિભાવ અને પરમ ઉલ્લાસ સાથે રાસ-ગરબા માણ્યા. આખું નંદનવન માતાજીની ભક્તિમાં તરબોળ થઈ ગયું. અંતમાં સૌએ ગગનભેદી અવાજે જયઘોષ કર્યાેથ 'બોલો, શ્રી અંબામાતની જય!' અને પ્રસન્ન વદને પોતપોતાના ઘર તરફ રવાના થયાં.
આમ, નંદનવનમાં નવરાત્રિના પ્રથમ નોરતાની ઉજવણી અત્યંત ભવ્ય અને ધામધૂમપૂર્વક સંપન્ન થઈ.