પરીક્ષાનો ભય

- તું છેલ્લી ઘડીએ પરીક્ષા નજીક આવે ત્યારે જ ચોપડીઓ ખોલે છે. જો પહેલેથી જ નિયમિત તૈયારી કરીશ, તો તને બધું પહેલેથી જ આવડતું હશે. પરિણામે તારો આત્મવિશ્વાસ વધશે અને પરીક્ષાનો ડર આપોઆપ ગાયબ થઈ જશે.'
- કિરણબેન પુરોહિત
નાની નેહા ઘણી બુદ્ધિશાળી હતી, પણ પરીક્ષાની વાત આવે એટલે તે ખૂબ ડરી જતી. પરીક્ષાના એક અઠવાડિયા પહેલાંથી જ તે ચિંતામાં પડી જતી. ઘરે બેસીને શાંતિથી ભણવાને બદલે 'મને બધું યાદ રહેશે કે નહીં?' એવા નકારાત્મક વિચારોમાં જ તેનો સમય વેડફાઈ જતો.
એક દિવસ તેણે દાદાજી પાસે જઈને ગભરાતાં ગભરાતાં કહ્યું, 'દાદાજી, મને બહુ બીક લાગે છે! જો હું પરીક્ષામાં બધું ભૂલી જઈશ તો શું થશે?'
દાદાજીએ સ્નેહપૂર્વક હસીને કહ્યું, 'નેહા બેટા, હું તને એક નાનકડી વાર્તા કહું, ધ્યાનથી સાંભળ. એક નાનું કબૂતર ઊડતાં શીખી રહ્યું હતું. શરૂઆતમાં પાંખો ફફડાવતાં તે વારંવાર નીચે પડી જતું. પણ તેણે હાર ન માની. એક દિવસ તેણે ઊંચા આકાશમાં ઊડવાનો પાકો સંકલ્પ કર્યાે અને સતત મહાવરો કરીને તે સરસ રીતે ઊડતાં શીખી ગયું. મનમાંથી પછડાટનો ભય કાઢી નાખ્યો, એટલે જ તે સફળ થયું!'
નેહાએ પૂછયું, 'તો મારે શું કરવું જોઈએ?'
દાદાજીએ સમજાવતાં કહ્યું, 'બેટા, તું વર્ષની શરૂઆતથી જ રોજેરોજ થોડો થોડો અભ્યાસ કર. તું છેલ્લી ઘડીએ પરીક્ષા નજીક આવે ત્યારે જ ચોપડીઓ ખોલે છે. જો પહેલેથી જ નિયમિત તૈયારી કરીશ, તો તને બધું પહેલેથી જ આવડતું હશે. પરિણામે તારો આત્મવિશ્વાસ વધશે અને પરીક્ષાનો ડર આપોઆપ ગાયબ થઈ જશે.'
નેહા સમજી ગઈ અને બોલી, 'દાદાજી, તમારી વાત સાચી છે. હું શરૂઆતમાં નિયમિત વાંચતી નથી, એટલે પરીક્ષા ટાણે બધું એકસાથે ભેગું થઈ જાય છે. એક સાથે આટલું બધું યાદ રાખવા જતાં ચિંતા થાય છે અને ડર બેસી જાય છે.'
દાદાજીએ કહ્યું, 'બસ, ડરને બાજુ પર મૂકીને આજથી જ નિયમિત મહેનત શરૂ કર. શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી કરેલી રોજિંદી મહેનત હંમેશાં ઉત્તમ પરિણામ લાવે છે.'
તે દિવસ પછી નેહાએ પહેલેથી જ સમયપત્રક બનાવીને રોજ વાંચવાનું શરૂ કર્યું. પરીક્ષાના દિવસે તે જરાય ગભરાઈ નહીં અને શાંત ચિત્તે ઉત્તરો લખ્યા. તે ઉત્તમ ગુણો સાથે પાસ થઈ!
બોધથ સતત અને નિયમિત પરિશ્રમ કરવાથી આત્મવિશ્વાસ દ્રઢ બને છેત અને મનમાંથી ભય નીકળી જાય તો સફળતા નિશ્ચિત મળે છે.




