Zagmag

હાથીદાદા

By GS Team
3 Jul 20265 mins read
હાથીદાદા

'દાદા, હવે વિજ્ઞાન મને સહેજ પણ કંટાળાજનક નથી લાગતું. તમે તો મને બતાવી દીધું કે આપણી આસપાસની દરેક વસ્તુમાં એક સુંદર અને સચોટ વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું હોય છે.'
મણિલાલ શ્રીમાળી 'મિલન'

માલપુર નામનું એક નાનકડું ગામ હતું. આ ગામમાં એક નાનકડું કુટુંબ રહેતું હતું. કુટુંબ જાતમહેનત કરી પોતાનું ગુજરાન ચલાવતું અને બાળકોને સારા સંસ્કાર આપી ભણાવવાના તમામ પ્રયાસ કરતું હતું. આ કુટુંબમાં ભોલુ નામનો એક છોકરો હતો, જે માતા-બાપનું કહ્યું માનનારો અને ખૂબ કહ્યાગરો હતો. એને મા-બાપ તથા દાદા-દાદી પાસેથી અવનવી વાતો સાંભળવાનું ખૂબ જ ગમતું. તે ભણવામાં આમ તો હોશિયાર હતો, પરંતુ એને વિજ્ઞાન કંટાળાજનક લાગતું હતું. આ વિષય એને ઓછો ગમતો, પણ એનું ગણિત પાછું બહુ સારું હતું.
એક રવિવારે ભોલુ ગામની ભાગોળે આવેલા એક મંદિરે જઈ ચડયો, જ્યાં વડનું એક ઘટાદાર વૃક્ષ હતું. વળી, ત્યાંથી થોડે દૂર પાણીથી ભરેલું એક મોટું તળાવ પણ હતું. આ તળાવમાં પશુ-પક્ષીઓ પાણી પીવા આવતાં હતાં.
અચાનક ભોલુની નજર એ વડની બખોલ પર પડી અને તે ત્યાં પહોંચી ગયો. બખોલની અંદર એને કંઈક અજુગતું દેખાવાનો ભાસ થયો, જાણે કે કોઈ જાદુ ન થતો હોય! એણે એમાં ટમટમતા તારલા જોયા, વળી એમાંથી કંઈક ધીમો ધીમો મધુર સૂર સંભળાતો હોય એવો ભાસ થયો. આ બખોલ જાણે વિજ્ઞાનની કોઈ લેબ હોય એવું એને લાગવા માંડયું. શરૂઆતમાં તો એને થોડો ડર લાગવા માંડયો, પરંતુ હિંમત કરીને તે બખોલ પાસે ગયો અને મોં નાખીને જોવા લાગ્યો. અચાનક એને બખોલમાં કંઈક જાદુગરી થતી હોય એમ લાગ્યું. જાણે કે ક્યાંક-ક્યાંક છોડ પર ફૂલો ખીલેલાં દેખાયાં, ઉપરાંત જાણે સપ્તરંગી પરપોટા ઊડતા હોય એમ લાગ્યું. તે તો મનોમન વિચારતો થઈ ગયો.
એવામાં ત્યાં બાજુના તળાવ પાસેથી હાથીભાઈ આવ્યા. તેમણે ભોલુને બૂમ પાડી, 'એય… હટ… હટ!' એમ કહી પાસે બોલાવ્યો ને પૂછયું, 'કેમ છે ભોલુ? મારું નામ હરુ હાથી છે. હું આ વિસ્તારનો રખેવાળ છું, જેથી બધા મને હાથીદાદા કહીને બોલાવે છે. તને એક વાત કહું? તું જે આ જાદુ જુએ છે તે સાચો નથી, પણ હું તને સાચું વિજ્ઞાન શીખવાડીશ.'
ભોલુ તો આ સાંભળીને ઉત્સાહમાં આવી ગયો, પણ પાછું તેને યાદ આવ્યું કે મને વિજ્ઞાન તો ખૂબ જ કંટાળાજનક લાગે છે, એ વાત તેણે હાથીદાદાને કહી દીધી.
હાથીદાદાએ એ સાંભળીને ભોલુને કહ્યું, 'બેટા ચિંતા ન કરીશ, કોઈ પણ વસ્તુ કંટાળાજનક હોતી નથી અને ક્યારેય કોઈપણ વસ્તુથી કંટાળો લાવવો નહીં.'
'ચોક્કસ દાદા,' ભોલુ બોલ્યો.
'હવે હું તને વિજ્ઞાન વિશેનું જ્ઞાન આપવા થોડા પ્રશ્નો પણ પૂછીશ અને તને તે વિશે શીખવાડીશ, જેથી તને ખૂબ જ રસ પડશે ને આનંદ પણ આવશે. ચોક્કસ તને વિજ્ઞાન ભણવું ગમશે જ. તો ચાલ ભોલુ… પ્રથમ તો હું તને સૂર્યપ્રકાશનું રહસ્ય - પ્રકાશસંશ્લેષણ વિશેની વાત કરીશ. પ્રકાશ વિના જીવન શક્ય નથી, એ તો તું જાણે છે ને, ભોલુ!'
તરત જ હરુ હાથીએ લીમડાના પાંદડા તરફ ઈશારો કર્યાે, 'ભોલુ તું કહે, આ ઝાડ શું
ખાય છે?'
ભોલુ થોડો વિચાર કરીને બોલ્યો, 'કદાચ પાણી?'
હાથીદાદા હસ્યા, 'અડધી વાત સાચી! ઝાડ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તે સૂર્યપ્રકાશ, પાણી અને હવા (કાર્બન ડાયોક્સાઈડ)નો ઉપયોગ કરે છે, અને પોતાના માટે મીઠી શક્તિ (ગ્લુકોઝ) બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહેવાય છે. જુઓ, આ પાંદડાં સૂર્યની ઊર્જાને પકડી રહ્યાં છે. જેમ કે તું ક્રિકેટ રમે ત્યારે બેટથી બોલને ફટકારે કે ઝીલે તેમ જ.'
ભોલુએ પાંદડું અડીને જોયું, 'વાહ! આ તો ઝાડ જમવાનું બનાવીને આપણને શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા પણ આપે છે, નહીં દાદા?' ભોલુ આશ્ચર્યથી બોલ્યો. એટલામાં જ ઝાડ ઉપરથી એક પાકું જામફળ 'ધમ્મ' દઈને
નીચે પડયું.
ભોલુએ પૂછયું, 'હાથીદાદા, આ જામફળ ઉપર કેમ ન ગયું? તે નીચે જ કેમ પડયું?'
હાથીદાદાએ એમની ઝીણી આંખોને મોટી કરીને કહ્યું, 'આ છે પૃથ્વીનો પ્રેમ, ભોલુ બેટા! પૃથ્વી પાસે એક અદભુત શક્તિ છે, જેને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે. આ બળ દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે. આના કારણે જ આપણે આ જમીન પર સ્થિર ઊભા રહી શકીએ છીએ અને બધી વસ્તુઓ નીચે પડે છે. જો ગુરુત્વાકર્ષણ ન હોત, તો તું હવામાં તરતો હોત!'
ભોલુએ તો મજાકમાં ને મજાકમાં એક મોટી-ઊંચી છલાંગ મારીને જોઈ, પણ તે તરત જ પાછો જમીન પર આવી ગયો ને હસવા લાગ્યો. હવે એને વિજ્ઞાનમાં સાચે જ રસ પડવા લાગ્યો હતો.
આમ હાથીદાદા અને ભોલુ વાતો કરતા હતા, ત્યાં જ થોડીવારમાં વાતાવરણમાં સરસ ઠંડક છવાઈ ગઈ અને આકાશમાં કાળાં વાદળો ઘેરાવા લાગ્યાં. હાથીદાદાએ કહ્યું, 'હવે હું તને આકાશના જાદુ વિશે જણાવીશ. શું તું જાણે છે કે વરસાદ ક્યાંથી આવે છે?'
'વાદળોમાંથી!' ભોલુએ ઝટપટ કહ્યું.
'બરાબર, પણ એ વાદળો કેવી રીતે બને છે? ગરમીના કારણે નદીઓ, તળાવો અને સમુદ્રનું પાણી વરાળ બનીને હવામાં ઊંચે જાય છે. આને બાષ્પીભવન કહેવાય. ઉપર જઈને આ વરાળ ઠંડી પડે છે અને નાનાં-નાનાં ટીપાં બનીને વાદળાં બનાવે છે. આને ઘનીકરણ કહેવાય. જ્યારે આ ટીપાં ખૂબ ભારે થઈ જાય છે, ત્યારે તે વરસાદ સ્વરૂપે ફરીથી પૃથ્વી પર પાછાં આવે છે. આ આખી પ્રક્રિયાને જળચક્ર કહેવાય છે.'
ભોલુએ ઉપર જોયું તો સાચે જ ધીમે-ધીમે વરસાદ શરૂ થઈ ગયો હતો! હવે તેને વરસાદ કંટાળાજનક નહીં, પણ એક આશ્ચર્યજનક વિજ્ઞાનની પ્રક્રિયા લાગવા માંડયો હતો.
પછી તો ભોલુએ હરુ હાથીદાદાનો ખૂબ ખૂબ આભાર માન્યો. 'દાદા, હવે વિજ્ઞાન મને સહેજ પણ કંટાળાજનક નથી લાગતું. તમે તો મને બતાવી દીધું કે આપણી આસપાસની દરેક વસ્તુમાં એક સુંદર અને સચોટ વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે.'
જ્યારે ભોલુ પોતાના ઘર તરફ પાછો ફર્યો, ત્યારે તેના મનમાં હવે સામાન્ય રમતો નહીં, પણ સૂર્યપ્રકાશ, જામફળ અને વરસાદના નવા-નવા વૈજ્ઞાનિક સવાલો છવાયેલા હતા. ભોલુએ હવે પછી નક્કી કરી લીધું કે તે હવેથી આખી દુનિયાને વિજ્ઞાનની નજરથી જ જોશે.