કુતૂહલ

- 'બેટા, એને ડંડા નહીં, પણ વાઇપર કહેવાય. અંગ્રેજી શબ્દ વાઇપર એટલે સાફ કરનાર કે લૂછનાર સાધન. વરસાદનું પાણી જ્યારે કાચ પર જમા થાય ત્યારે વાઇપર ચાલુ કરવાથી તે સતત ફરીને પાણીનાં ટીપાં અને ધૂળ-કચરો સાફ કરી નાખે છે.'
- ભૂપેન્દ્ર ત્રિવેદી 'સ્વયંભૂ'
પાંચ વર્ષનો નટખટ અને બોલકણો ધીમાન નર્સરી સ્કૂલમાં ભણતો હતો. તેના પિતા સમીપભાઈ તેના માટે રંગબેરંગી ચિત્રોવાળી અવનવી બાળવાર્તાઓની પુસ્તિકાઓ લાવતા. ધીમાન રસપૂર્વક ચિત્રો નિહાળતો. તેની મમ્મી જલ્પા તેને રોજ બપોરે સ્નેહથી એક-એક વાર્તા વાંચી સંભળાવતી.
નવું નવું જાણવાની અદમ્ય તાલાવેલી હોવાને કારણે, આખો દિવસ તેના બાળમાનસમાં પ્રગટતા અસંખ્ય પ્રશ્નોની ઝડી તે રાત્રે સૂતી વખતે વરસાવતો. તેની મમ્મી પણ કંટાળ્યા વગર તમામ પ્રશ્નોના જવાબો અત્યંત ધીરજપૂર્વક અને વ્યવહારુ ઉદાહરણો સાથે સમજાવતી. જ્યાં સુધી પૂરો અને સંતોષકારક ઉત્તર ન મળે, ત્યાં સુધી તે પેટાપ્રશ્નો પૂછયા
જ કરતો.
પિતાજી લાવી આપેલાં રમકડાં જેવાં કે કાર, બસ, જેસીબી, વિમાન અને હેલિકોપ્ટર સાથે તે માત્ર રમતો જ નહીં, પણ તેના સ્પેરપાર્ટ્સ ધ્યાનથી જોઈને છૂટા પાડતો અને ફરી પાછો જોડવાનો પ્રયત્ન કરતો. આમ, નાનપણથી જ તેને પ્રત્યેક બાબતનું મૂળ સમજવાની અને જ્ઞાન વધારવાની સુંદર આદત પડી ગઈ હતી.
એક દિવસ ચોમાસાની તુમાં પરિવાર કાર લઈને બહાર ફરવા નીકળ્યો. ધીમાન મમ્મી સાથે આગળની સીટ પર બેઠો હતો અને સમીપભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો. સમીપભાઈએ વિન્ડશિલ્ડ પરનાં બંને વાઇપર ચાલુ કર્યાં.
કાચ પર ડંડા જેવાં પાતિયાં આમતેમ ફરતાં જોઈ ધીમાને તરત પૂછયું, 'મમ્મી, આ પ્લાસ્ટિકના ડંડા કેમ ચાલુ થઈ ગયા?'
મમ્મીએ સ્મિત સાથે ફોડ પાડયો, 'બેટા, એને ડંડા નહીં, પણ વાઇપર કહેવાય. અંગ્રેજી શબ્દ વાઇપર એટલે સાફ કરનાર કે લૂછનાર સાધન. વરસાદનું પાણી જ્યારે કાચ પર જમા થાય ત્યારે વાઇપર ચાલુ કરવાથી તે સતત ફરીને પાણીનાં ટીપાં અને ધૂળ-કચરો સાફ કરી નાખે છે. કાચ એકદમ સ્વચ્છ થવાથી આગળનો રસ્તો ચોખ્ખો દેખાય છે, જેથી ડ્રાઇવિંગ સરળ બને છે અને અકસ્માત થતો નથી. વળી, વરસાદ ન હોય ત્યારે પણ કાચ પર ધૂળ કે ભેજ બાઝી જાય, ત્યારે પાણી છાંટીને વાઇપર ફેરવતાં કાચ સાવ ચોખ્ખોચણક થઈ
જાય છે.'
ધીમાને નજર સમક્ષ વાઇપરની આ કામગીરી નિહાળી અને વિગતે સમજણ મળતાં તેને પૂરો સંતોષ થયો. તેના મગજમાં એ વાત બરાબર વસી ગઈ કે વાઇપર કાચ સાફ કરે એટલે સામેનું દ્રશ્ય સાવ ચોખ્ખું દેખાય.
શિયાળાના એક શનિવારે સવારની સ્કૂલ હોવાથી મમ્મી તેને સ્કૂટર પર બેસાડીને મૂકવા જતી હતી. કડકડતી ઠંડીને કારણે વાતાવરણમાં ચારેતરફ ગાઢ ધુમ્મસ છવાયેલું હતું, જેથી સામેનો રસ્તો બરાબર દેખાતો નહોતો. મમ્મીએ સ્કૂટરની હેડલાઇટ પણ ચાલુ કરી હતી.
આ જોઈને ધીમાનના બાળમગજમાં જૂનો વિચાર ઝબક્યો. તેણે તરત બૂમ પાડી, 'મમ્મી, જલદી વાઇપર ચાલુ કર ને! જો સામે રસ્તો બિલકુલ દેખાતો નથી!'
મમ્મી તેનું આ નિર્દોષ કુતૂહલ જોઈને ખડખડાટ હસી પડી. શાળાએ પહોંચી, સ્કૂટર પાર્ક કરીને તેણે ધીમાનને પ્રેમથી પંપાળતાં સમજાવ્યું, 'બેટા, સ્કૂટરમાં વાઇપર ન હોય. સામાન્ય રીતે શિયાળાની રાત્રે તાપમાન ખૂબ નીચું જતાં હવા સાવ ઠંડી થઈ જાય છે અને વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ કણો એકઠા થવાથી વહેલી સવારે ધુમ્મસ રચાય છે. આ ભેજ આખી હવામાં ફેલાયેલો હોવાથી રસ્તો ધૂંધળો દેખાય છે. કુદરતી વાઇપર સમાન સૂરજદાદાનો તડકો શરૂ થશે, એટલે ગરમીથી આ ધુમ્મસ આપોઆપ ઓગળીને અદૃશ્ય થઈ જશે!'
બપોરે અગિયાર વાગ્યે શાળા છૂટી ત્યારે ધીમાને આશ્ચર્યથી જોયું કે સોનેરી તડકો ખીલી ચૂક્યો હતો અને રસ્તા પરથી ધુમ્મસ સાવ ગાયબ થઈ ગયું હતું! કુદરતના આ વિજ્ઞાનનો તાળો મળી જતાં તેના ચહેરા પર વિજયી હાસ્ય રેલાઈ ગયું.
આમ, દરેક બાળકના મનમાં આસપાસના વાતાવરણને જોઈને અગણિત સવાલો અને કુતૂહલ જન્મે છે. જો વડીલો ધીરજ રાખીને વૈજ્ઞાનિક અને તાકક જવાબો આપે, તો બાળકની મૂંઝવણ દૂર થાય છે અને તેની જ્ઞાનપિપાસા સંતોષાય છે.




