Zagmag

હિંમત એ જ હથિયાર

By GS Team
23 Oct 20265 mins read
હિંમત એ જ હથિયાર
  • કૂતરું હાથીને ચોંટી જ પડયું અને હાથીની સૂંઢ પર એવા બચકાં ભરવા લાગ્યું કે ગાંડો હાથી ચમકી ગયો, થોભી ગયો. તેને કંઈ સૂઝયું નહિ. પાછળના બે પગ ઉપર અધ્ધર ઊભો થઈ ગયો. પાછળ ફર્યાે અને આવ્યો હતો એ દિશામાં દોડવા જ લાગ્યો.
  • એ મોતને પડકારે પણ પાછીપાની ન કરે
  • શસ્ત્ર વગર પોતાનું રક્ષણ કરી શકશે ખરા?
  • હરીશ નાયક

સૈનિક એટલે શસ્ત્ર.
સરદાર એટલે સૈનિકોનો ઉપરી. સૈનક પાસે એક શસ્ત્ર હોય તો સરદાર પાસે બે-ત્રણ હથિયાર હોવા જરૂરી છે. એ હથિયારોથી જ એનો વટ અને મોભો વધે છે.
સરદારોનો ઉપરી વળી પાછો મંત્રી છે. મંત્રીમહાશય પાસે તો એથી ય વધારે હથિયાર હોવાં જોઈએ. પ્રધાન કોને કહ્યાં છે. ભાઈ!
પણ રાજ્યના એક મંત્રી છે. નામ છે હિંમતસિંહ. રાજ્યમાં લોકપ્રિય છે. બધે તેમની વાહવાહી છે. પણ હિંમતસિંહ કદી સાથે હથિયાર રાખતા નથી. તેમની પાણીદાર આંખો, તેમની ભરાવદાર મૂછો, તેમનો રુઆબદાર ચહેરો, બસ એ જ તેમનાં હથિયારો છે.
રાજાજીને કાને વાત ગઈ. બીજા દરબારીઓ કહે 'મહારાજ! હિંમતસિંહ ભલે હિંમતવાળા રહ્યા પણ સાથે હથિયાર તો હોવાં જ જોઈએ. તલવાર કે બંદૂક ન હોય તો ચાલે, ખંજર કે ખૂરપી ન હોય તો ચાલે, પણ સામાને ડર બતાવવા કંઈક તો હોવું જ જોઈએ! કોઈ વખત મુસીબત આવે તો નાહક રાજ્ય બદનામ થાય!'
દરબારીઓની હામાં હા લાવતા રાજા કહે, સાચી વાત છે. રાજ્યના ઉપરી પાસે હથિયાર તો જોઈએ જ. તેમણે હિંમતસિંહને બોલાવી મંગાવ્યા.
હાજર થયા હિંમતસિંહ.
રાજાજી કહે, 'હિંમતસિંહ! તમે હથિયાર કેમ રાખતા નથી?'
હિંમતસિંહ કહે, 'મહારાજ! લડાઈમાં જવાનું હોય તો હું હથિયાર વગર જ જાઉં. કોઈની મુસીબતનો સામનો કરવા ય જરૂર શસ્ત્રસજ્જ થઈને જાઉં.પણ પ્રજાની વચમાં ફરવાનું હોય ત્યારે ઠાલો તલવારોનો રૂઆબ શો બતાવવો?
રાજાજી કહે, 'પણ ધારો કે કોઈ અણધારી આફત આવી તો?'
હિંમતસિંહ કહે, 'રાજાજી! હથિયારોનું તો એવું છે કે તમે સાવધ ન હો તો તમારાં હથિયારો પણ નકામાં હોય છે. તમારી જ તલવારથી તમારું માથું ધડથી જુદું થઈ શકે છે. તમારો જ ભાલો તમારી છાતી વીંધી શકે છે.'
રાજાજી કહે, 'પણ, હથિયાર હોય જ નહિ તો…?'
હિંમતસિંહ કહે, 'તો હાજર સો હથિયાર. સૈનિકમાં એટલી આવડત તો હોવી જ જોઈએ. જાતમાં વિશ્વાસ રાખીને જે કોઈ ફરી શકે. બાકી ઠાલાં હથિયારો કંઈ રૂઆબ આપતાં નથી, એ તો ઘરેણાં કહેવાય, હથિયાર ન કહેવાય. કહ્યું છે ને કે શૂરને શસ્ત્ર શાં…?'
રાજાજી મનોમન જ બોલી ગયા - 'એમ…?' દરબારીઓ પણ ગણ ગણ કરીને કહેવા લાગ્યા, 'જુઓ તો ખરા એની વાત! એનો ખર્થ એ કે આપણે બધાં શોભાનાં હથિયારો રાખીએ છીએ, કેમ?'
હિંમતસિંહ ગયા પછી દરબારીઓએ તો રાજાજીને ખૂબ ચડાવ્યા. રાજાજી પણ હિંમતસિંહના કેફથી જરાક કરડાયા હતા.
તેઓ કહે, 'એમ! શસ્ત્ર વગર એ પોતાનું રક્ષણ કરી શકશે ખરા? એનું ગુમાન ઉતારવું પડશે. પરીક્ષા જ લેવી પડશે, પછી જોઈએ કે બેટો શસ્ત્ર વગર કેવીક હિંમત દાખવે છે?'
અને એક વખતે તેમને એવી તક મળી ગઈ. એક હાથી આમે ય ગાંડો હતો. છૂટો થતો કે ભાંગફોડ અને દોડાદોડ કરી મૂકતો, લોકોમાં એ હાથીનો ભય પેસી ગયો તો. રાજાના હુકમથી એ હાથીને બાંધીને જ રાખવામાં આવતો. એ હાથીનું નામ હતું મંગલ. લોકો એને મંગલ ગાંડો કહેતા.
રાજાએ જોયું કે હિંમતસિંહ નિરાંતે સામી ફળીએ આવી રહ્યો છે, એને કોઈ ભાન નથી. પરવા કે ફિકર પણ નથી. સાથમાં હથિયાર તો હિંમતસિંહ રાખતો જ ન હતો.
રાજાએ લાગ જોયો. મહાવતને ઈશારત કરી દીધી. મહાવતે હાથીને વધુ ગાંડો અને ઘેલો બનાવી હિંમતસિંહ સામે છોડી મૂક્યો.
હાથી એક તો ગાંડો તેમાં સરાટાસટ તેને ખૂબ માર પડયો. અરે, તલવાર અને ભાલા પણ ભોંકાયાં.
તે તો ઈહીંહીંહીંહ… કરીને ચિડાતો બેફામ બનીને દોડવા લાગ્યો.
દોડવા માટે જગા ન હતી. સામે ફળી હતી અને તેમાં જ આગળ દોડી શકાતું હતું. હાથી તો ધસમસી ગયો એ જ દિશામાં.
જોતજોતામાં લોકોએ ભાગાભાગ કરી મૂકી. ચીસાચીસ, હોહા, ધમાલ, ભાંગફોડ અને…. હાથી સીધો હિંમતસિંહની સામે. હિંમતસિંહે હાથીને આવતો જોયો. તે મૂઠ્ઠીવાળીને ભાગી શકે તેમ હતું પણ તે ભાગવા માંગતો ન હતો. ભાગવા જતાં ય કદાચ મોત થાય! અને મંત્રી તો મરદ કહેવાય! તે ભાગે. મોતને પડકારે પણ પાછીપાની ન કરે.
એક ક્ષણમાં તેણે વિચારી લીધું કે, શું કરવું? જાતે બચવાનું હોય, લોકોને ય બચાવવાના હતાં! પાસે હથિયાર તો કોઈ હતું જ નહિ. રાજાજીનાં શબ્દો યાદ આવી ગયા - 'પાસે શસ્ત્ર હોય તો સારું.'
પણ વિચારવાનો સમય જ ક્યાં હતો? અને… લો આ હાથી તો આવી લાગ્યો. આપણી પર અને સૂંઢ લંબાવી, લીધો હિંમતસિંહને સકંજામાં અને…
…પણ ત્યાં જ હિંમતસિંહની નજર એક ખૂણામાં લપાઈને પડી રહેલાં કૂતરા પર પડી. કૂતરું અડિયલ-મડિયલ હશે. ડરેલું બીધેલું હશે.
હિંમતસિંહે તો ઉપાડયું એ કૂતરું અને સીધું ફેંક્યું હાથી ઉપર.
હાથીના માથા ઉપર જ એ કૂતરું, ડરેલું, ચિઢાયેલું, કરડકણું ને છેડાયેલું તો હતું જ. કેઉ… કેઉ… કરતું કૂતરું હાથીને ચોંટી જ પડયું અને હાથીની સૂંઢ પર એવા બચકાં ભરવા લાગ્યું કે ગાંડો હાથી ચમકી ગયો, થોભી ગયો. તેને કંઈ સૂઝયું નહિ. પાછળના બે પગ ઉપર અધ્ધર ઊભો થઈ ગયો. પાછળ ફર્યાે અને આવ્યો હતો એ દિશામાં દોડવા જ લાગ્યો.
હિંમતસિંહની સમયસૂચકતાએ તેના પોતાના પ્રાણ બચાવી લીધા. પ્રજાના જાનમાલ પણ બચાવી લીધા.
પણ રાજાના સૈનિકો હાથીની પાછળ આવતા હતા. દરબારીઓ હાથીનો હાહાકાર જોવા માગતા હતા. બધા સાથે ખુદ રાજાજી પણ હિંમતસિંહની અવદશા જોવા માગતા હતા.
તેને બદલે આ તો ઊંધું થયુ. હાથી પાછો ફર્યાે, વધુ ગાંડો અને બેબાકળો, બાવરો બનીને.
ભાગ મારા બાપ, છતાં હથિયારો, તો ય સૈનિકો અને સરદારો ભાગ્યા. અરે, તલવાર ખેંચીને રાજાજી પણ ભાગ્યા.
એ ગાંડા હાથીને પોતાનાં પરાક્રમ અને યુક્તિથી હિંમતસિંહે કેદ કરી લીધો. પણ જ્યારે બધાંના હૈયાં માંડ ધકડતાં શાંત થયા ત્યારે તેણે રાજાજીને પૂછયું, કાં રાજાજી?હાજર સો હથિયાર? આપ સૌની પાસે હથિયાર તો હતા જ પછી બધા ભાગ્યા કેમ?
રાજાજી કહે, 'હિંમતસિંહ, તારી વાત સાચી હોં! ભય સામે, સમય સાચવે તે સારવાર. બાકી શોભાનાં શસ્ત્રો તો નકામાં જ હોં!'
રાજાજી જાતે જ્યારે હિંમતસિંહની હિંમતની કદર કરતા હતા ત્યારે ચાપલૂસ દરબારીઓ પોકારતા હતા, 'હિંમતસિંહની જે.'

બાળમિત્રો, શું તમે જાણો છો કે 'ઝગમગ'માં તમે આ અને અન્ય પાનાં પર જેમને નિયમિતપણે વાંચતા આવ્યા છો તે લેખક હરીશ નાયકની ૨૮ ઓક્ટોબરે ૧૦૦મી જન્મ જયંતી છે? 'ઝગમગ'ના પ્રારંભકાળથી જ એમણે બોધકથાઓ, સાહસકથાઓ, વિજ્ઞાનવાર્તાઓ, પર્યાવરણની કથાઓ, કેપ્ટન કદાવર અને ટ્રીગન એમ્પાયર જેવી ચિત્ર વાર્તાઓ આપી છે. એમણે ટારઝન કિશોરી જેવી કથા લખી હતી, જેમાં કિશોરી નાયિકા હતી. પોતાના જમાના કરતાં આ કથા ઘણી આગળ હતી. તેઓ ખૂબ પ્રભાવિત ઢબે વાર્તા કહી સંભળાવતા પણ ખરા. એક જ વરસમાં પાંચ લાખ બાળકોને વાર્તા કહેવાનો એમનો વિક્રમ છે. તેથી જ તેઓ બાળકોમાં વાર્તાદાદા તરીકે જાણીતા અને માનીતા હતા. મે ૨૦૨૪માં તેમને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ તેમનું દેહાવસાન થયું. વી મિસ યુ, વાર્તાદાદા!