ચતુરસિંહની ચતુરાઈ

- 'હું અસીમ શક્તિશાળી છું! મોટા મોટા પર્વતોને એક હાથે ઊંચકીને ફગાવી દઉં છું. હું આકાશમાં ઊડી શકું છું અને ક્ષણભરમાં રૂપ બદલી શકું છું.'
- વિઠ્ઠલાણી પલ્લવી હેમલકુમાર
મદનપુર નામે એક સુંદર ગામ હતું. ગામમાં સૌ લોકો હળીમળીને રહેતા હતા. ગામને અડીને એક ઘટાદાર જંગલ આવેલું હતું. આ જંગલમાં એક ક્ર રાક્ષસ રહેતો હતો. મદનપુરના રહેવાસીઓ સૂરજ આથમ્યા પછી જંગલના રસ્તેથી પસાર થવાનું ટાળતા. પરંતુ ક્યારેક સંજોગોવશાત્ જો કોઈ સૂર્યાસ્ત પછી જંગલમાંથી પસાર થાય, તો રાક્ષસ તેને પકડીને ખૂબ રંજાડતો.
એક દિવસ મોહન નામનો માણસ પોતાની નવીનક્કોર સાયકલ પર સવાર થઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અચાનક રાક્ષસ હવામાં ઊડતો ઊડતો ત્યાં આવી પહોંચ્યો. તેને જોઈને મોહન એટલો ગભરાઈ ગયો કે તેણે સાયકલ પરનો કાબૂ ગુમાવી દીધો અને તે સીધી એક ઝાડ સાથે અથડાઈ ગઈ. રાક્ષસે તકનો લાભ ઉઠાવ્યો અને તેની નવી સાયકલ લઈને ઊડી ગયો. મોહન રડમસ ચહેરે ઘેર પાછો ફર્યાે.
બીજા દિવસે એક કઠિયારો અને તેની પત્ની જંગલમાં લાકડાં કાપવા ગયાં. જંગલમાં દૂર સુધી નીકળી જતાં તેઓને સાંજે પાછા વળતાં મોડું થઈ ગયું. બંને ડરતાં ડરતાં આગળ વધી રહ્યાં હતાં ત્યાં જ રાક્ષસ ધસી આવ્યો અને કઠિયારાને ઉપાડી ગયો. તેની લાચાર પત્ની રોતી-કકળતી ગામમાં આવી અને સીધી સરપંચના ઘેર પહોંચી.
સરપંચના આંગણે આખું ગામ એકઠું થઈ ગયું. બધા આક્રંદ કરતાં કહેવા લાગ્યા, 'સરપંચજી, આ રાક્ષસના ત્રાસમાંથી છૂટકારો મળે તેવો કોઈ ઉપાય કરો!'
સરપંચે ચિંતાતુર અવાજે કહ્યું, 'આ રાક્ષસનો ઉત્પાત દિવસે દિવસે વધતો જ જાય છે. હું આજે જાહેરાત કરું છું કે જે કોઈ આ ગામને રાક્ષસના પંજામાંથી મુક્ત કરાવશે, તેને હું મારું સરપંચપદ સોંપી દઈશ અને પોતે આ જવાબદારીમાંથી મુક્ત થઈશ.'
આ જાહેરાત સાંભળીને ભીડમાંથી એક બુલંદ અવાજ આવ્યો, 'હું ચતુરસિંહ, આ કામ પાર પાડવા તૈયાર છું. મને માત્ર બે દિવસનો સમય આપો. હું ગામ પરથી આ સંકટ હટાવીને રહીશ.' સરપંચ અને ગામલોકોએ ઉત્સાહથી સંમતિ આપી.
ચતુરસિંહ પોતાના નામ પ્રમાણે જ ખૂબ ચતુર અને કોઠાસૂઝવાળો હતો. પહેલો દિવસ તેણે બધી માહિતી એકઠી કરવામાં વિતાવ્યો - રાક્ષસ કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે? તેને શું ગમે છે? તેને ખાવામાં શું ભાવે છે?
બીજા દિવસે સંધ્યાકાળે તે જંગલમાં ગયો અને મોટેથી રાક્ષસને સાદ કરવા લાગ્યો. રાક્ષસને ભારે અચરજ થયું કે 'આખું ગામ મારાથી થરથર કાંપે છે, ને આ માણસ મને સામેથી સાદ પાડે છે!'
ચતુરસિંહે રાક્ષસ સામે હાથ જોડીને કહ્યું, 'મને રાક્ષસોના રાજા મહાસુરે આપની પરીક્ષા લેવા માટે મોકલ્યો છે. જો આપ મારા તમામ પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપશો, તો આપને પાતાળના ભવ્ય રાજમહેલમાં સ્થાન મળશે… જ્યાં તમામ પ્રકારની સુખ-સાહ્યબી હાજર હશે!'
રાક્ષસ તો લાલચમાં આવીને રાજી-રાજી થઈ ગયો. ચતુરસિંહે તેને ભાવતા ગળ્યા લાડુ ખવડાવ્યા. રાક્ષસ કસોટી આપવા તૈયાર થયો.
ચતુરસિંહે પૂછયું, 'આપનામાં એવી તે કઈ કઈ ખૂબીઓ છે?'
રાક્ષસે ગર્વથી છાતી ફુલાવી કહ્યું, 'હું અસીમ શક્તિશાળી છું! મોટા મોટા પર્વતોને એક હાથે ઊંચકીને ફગાવી દઉં છું. હું આકાશમાં ઊડી શકું છું અને ક્ષણભરમાં રૂપ બદલી શકું છું.'
ચતુરસિંહ હસીને બોલ્યો, 'એટલું કંઈ મોટું પરાક્રમ ન કહેવાય! શું તું તારા વિશાળ શરીરને સૂક્ષ્મ બનાવી શકે?'
રાક્ષસ ખડખડાટ હસ્યો, 'અરે, એ તો મારી ચપટી વગાડવાની રમત છે! ઊંચા તાડ કરતાંય મોટો અને કીડી કરતાંય નાનો આકાર હું ધારણ કરી શકું છું.'
ચતુરસિંહે પડકાર ફેંક્યો, 'મારી નજરે જોયા વિના હું કેવી રીતે વિશ્વાસ કરું?' એમ કહી તેણે કાચની એક ખાલી બોટલ જમીન પર મૂકી અને કહ્યું, 'તું માખી જેવડું રૂપ ધારણ કરીને આ બોટલની અંદર પ્રવેશી બતાવ, તો હું સાચું માનું!'
રાક્ષસ પોતાના ઘમંડમાં અંધ બની ગયો. તેણે પળવારમાં માખી જેવું નાનકડું રૂપ ધારણ કર્યું અને જેવો બોટલની અંદર પેઠો, કે તરત જ ચતુરસિંહે ચપળતાથી બોટલનું ઢાંકણ મજબૂત રીતે વાસી દીધું!
રાક્ષસ બોટલની અંદર તરફડીયાં મારવા લાગ્યો, પણ બહાર નીકળી શક્યો નહીં. ચતુરસિંહે એ બોટલ ઊંડી નદીના ધસમસતા પ્રવાહમાં વહાવી દીધી અને મદનપુરને રાક્ષસના ત્રાસમાંથી કાયમ માટે મુક્ત કરાવ્યું. આ પરાક્રમ બદલ ગામલોકોએ ચતુરસિંહને નવા સરપંચ તરીકે સ્વીકારી લીધા અને તેણે ગામની સુખાકારી માટે ઉત્તમ કાર્યો કર્યાં.




