Zagmag

સસ્સાભાઈ તો જાદુગર !

By GS Team
23 Oct 20263 mins read
સસ્સાભાઈ તો જાદુગર !
  • જાદુગરે પોતાની જાદુઈ છડી હાથમાં રહેલી મોટી હેટ પર ફેરવી, માથે પહેરી અને ફરી સ્ટીક ફેરવી હેટ ઉતારી. અરે વાહ! અંદરથી દૂધ જેવું ધોળું કબૂતર બહાર ઊડયું! સૌ વિસ્મયથી બોલી ઊઠયા- 'વાઉ!'
  • રમેશ ત્રિવેદી

જંગલ જંગલ, મંગલ મંગલ!
હેય…! હેય…!
સસ્સાજીનો અદ્ભુત મેજિક શો જોવા માટે આખુંય જંગલ ઊમટી પડયું હતું - કીડી-મકોડી, કબૂતર, ખિસકોલી, કાબર, પંદરેક પોપટ અને ડાળે ડાળે કૂદાકૂદ કરતા વાંદરા! શિયાળ, વરુ અને પહાડ જેવા ડોલતા ડોલતા હાથીભાઈ પણ આવી પહોંચ્યા. હાથીભાઈ સૂંઢ ઊંચી-નીચી કરી રહ્યા હતા. 'પીઈઈઈ… પૂઊઊઊ…' કરતી પાંદડાંની પીપૂડીઓ વાગવા લાગી. હરણાંઓએ ઉત્સાહથી ડ્રમ વગાડયાં. કાળાંડીબાંગ રીંછ મન મૂકીને નાચવા લાગ્યાં. વાઘે જોરદાર ત્રાડ પાડી અને એ સાથે જ જંગલના રાજા વનરાજ સિંહની ભવ્ય સવારી આવી પહોંચી! દીપડા અને આસપાસ ઊડતાં કાગડા, કોયલ તેમજ 'ટેહૂંક… ટેહૂંક…' ટહૂકતા મોર સૌ એકસાથે પોકારી ઊઠયા- 'હેય, લાયન! જંગલ કિંગ…!' ચારેકોર ભારે કિકિયારીઓ ગૂંજી ઊઠી.
સિંહરાજા વડના ઝાડ નીચે ખાસ બનાવેલા ચબૂતરા પર બિરાજમાન થયા. થોડી જ વારમાં જાદુની દુનિયાના બાદશાહ સસ્સાજી પધાર્યા. માથે રંગબેરંગી પીંછાવાળી પાઘડી, શરીરે જરીનો ઝગમગતો કોટ અને હાથમાં જાદુઈ છડી!
'હેય…! હેય…! હેય…!'
નાનકડા જાદુગર સસ્સાભાઈએ સૌ સમક્ષ ઝૂકીને આદરપૂર્વક સલામ કરી અને બોલ્યા- 'હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ…!'
આ સાંભળી બધાં પશુ-પંખીઓએ આનંદની ચિચિયારીઓ પાડી, જાતજાતના અવાજો કાઢયા અને તાળીઓનો ગડગડાટ કરી મૂક્યો. બે-ચાર વાંદરાઓએ તો પાંદડાંની પીપૂડીઓ વગાડી-'પીઈઈઈ… પૂઊઊ…!' ભારે શોરબકોર મચી ગયો. સિંહરાજાએ પંજો ઊંચો કર્યાે કે તરત જ આખું જંગલ સોપો પડી ગયું હોય તેમ સાવ શાંત થઈ ગયું.
થોડી વારમાં કીડીઓ અને મકોડાઓની લાંબી કતાર ગોઠવાઈ ગઈ. ડ્રમના તાલે એમનો અનોખો ડાન્સ શરૂ થયો. કીડી-મકોડાનો ડાન્સ જોઈ પોપટની ટોળીએ સીટીઓ મારી અને વાંદરાઓએ ઝાડ પર હૂપાહૂપ કરી મૂકી!
સિંહરાજાએ ફરી પંજો ઊંચો કર્યાે અને આખું જંગલ પળવારમાં મૂંગામંતર થઈ ગયું.
સસ્સાભાઈ જાદુગરે પોતાની કાળી છત્રી ખોલી, બંધ કરી અને જેવી ફરીથી ખોલી કે તરત જ અંદરથી ત્રણ લીલાછમ પોપટ 'ફરરર…' કરતાં ઊડયા અને દૂર ઝાડની ડાળ પર જઈને બેસી ગયા! પંખીઓએ આનંદની ચિચિયારીઓ પાડી તાળીઓથી વધાવી લીધા. પછી જાદુગરે પોતાની જાદુઈ છડી હાથમાં રહેલી મોટી હેટ પર ફેરવી, માથે પહેરી અને ફરી સ્ટીક ફેરવી હેટ ઉતારી. અરે વાહ! અંદરથી દૂધ જેવું ધોળું કબૂતર બહાર ઊડયું! સૌ વિસ્મયથી બોલી ઊઠયા- 'વાઉ!'
ત્યાં જ બે વાંદરા દોડીને એક મોટું લાકડાનું બોક્સ લઈ આવ્યા. સિંહરાજા તરફ જોઈને સસ્સાજી બોલ્યા- 'બિલાડીબહેનને બોલાવો!'
મીનીબહેન મટક મટક કરતાં આવ્યાં અને બોક્સમાં બેસી ગયાં. બોક્સ બંધ કરીને મજબૂત લોક મારી દેવામાં આવ્યું. પછી એક તોતિંગ રીંછ સ્ટેજ પર આવ્યું. એણે બોક્સ પર જોરજોરથી કૂદકા મારવાનું શરૂ કર્યું! ધડામ… 'ડામ…! જોતજોતામાં બોક્સના ફુરચેફુરચા ઊડી ગયા! સૌનો જીવ તાળવે ચોંટી ગયો કે બિલાડીનું શું થયું હશે?
ત્યાં જ જાદુગર સસ્સાજી મોટેથી પડકારતાં બોલ્યા- 'જો ડર ગયા, વો મર ગયા!'
અને આ શું? 'મ્યાઉં… મ્યાઉં…' કરતી મીનીબહેન સિંહરાજાની પાછળથી હેમખેમ બહાર નીકળી અને શાંતિથી જઈને ઉંદરભાઈ પાસે બેસી ગઈ! આખો ચમત્કાર જોઈ પશુ-પંખીઓ અને સ્વયં વનરાજ પણ હર્ષભેર ઊભા થઈને તાળીઓ પાડવા લાગ્યા. આખા વનમાં ખુશીનો માહોલ છવાઈ ગયો-
'જો ડર ગયા, વો મર ગયા!
હિંમતે મર્દા, તો મદદે ખુદા!'