અંબાજીનો સંઘ

- યાત્રીઓ જે નાસ્તો કર્યો હતો, તેના પ્લાસ્ટિકના ખાલી કાગળો, રેપર્સ, પાણીની બોટલો, કાગળના કપ અને વધેલો એંઠવાડ રસ્તા પર તેમજ વૃક્ષો નીચે બેપરવાઈથી ફેંકીને ગયા હતા. ચારેય તરફ ગંદકી અને દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.
- પીના પટેલ 'પિન્કી'
એક ખૂબ જ સુંદર જંગલ હતું, જેનું નામ નંદનવન. આજે નંદનવનમાં બધાં પશુ-પક્ષીઓ અત્યંત ખુશ હતાં, કારણ કે આ વર્ષે મા અંબાનો ભવ્ય રથ લઈને પદયાત્રીઓનો સંઘ અંબાજી તરફ જઈ રહ્યો હતો. આ પવિત્ર સંઘ નંદનવનના રસ્તેથી જ પસાર થવાનો હતો.
જંગલના રાજા સિંહથી લઈને નાનકડી ચકલી સુધી સૌ કોઈ આ સંઘનું સ્વાગત કરવા ઉત્સાહિત હતાં. ચતુર પોપટભાઈ ઝાડની ડાળ પર બેસીને મધુર અવાજે 'જય અંબે… જય અંબે…'ના નારા લગાવી રહ્યા હતા. સસલાભાઈ, હરણ અને વાંદરાભાઈ રસ્તાની બંને બાજુ ઊભા રહીને યાત્રીઓનું તાજાં ફૂલોથી સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા હતા.
બપોરના સમયે પદયાત્રીઓનો સંઘ નંદનવન પાસે આવી પહોંચ્યો. સંઘમાં માઈભક્તો મા અંબાના ગરબા ગાઈ રહ્યા હતા અને માતાજીનો રથ અત્યંત મનોહર શણગારેલો દેખાતો હતો. પશુ-પક્ષીઓએ ઉત્સાહભેર ગીત ગાઈને સંઘનું સ્વાગત કર્યું-
'ઝમઝમ વાગે ઘૂઘરા, ઢોલ મંજીરા વાગે,
નંદનવનમાં આજે રૂડો અવસર આવ્યો લાગે!'
પશુ-પક્ષીઓએ માતાજીનો જયજયકાર બોલાવ્યો અને સમગ્ર વનમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું. વનવાસી પ્રાણીઓએ સંઘની અત્યંત ભાવપૂર્વક આગતાસ્વાગતા કરી.
પરંતુ સાંજે જ્યારે સંઘ નંદનવનમાં આરામ કરીને આગળ નીકળી ગયો, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને બધાં પ્રાણીઓ સ્તબ્ધ થઈ ગયાં! યાત્રીઓ જે નાસ્તો કરી ગયા હતા, તેના પ્લાસ્ટિકના ખાલી કાગળો, રેપર્સ, પાણીની બોટલો, કાગળના કપ અને વધેલો એંઠવાડ રસ્તા પર તેમજ વૃક્ષો નીચે બેપરવાઈથી ફેંકીને ગયા હતા. ચારેય તરફ ગંદકી અને દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.
ચતુર કાગડા અને ગીધભાઈએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું-
'પ્લાસ્ટિક ને ખાલી બોટલ, આમ ન ફેંકાય,
ગંદકી ફેલાવવાથી, નાના જીવ જોખમાય!'
રાજા સિંહે પરિસ્થિતિની ગંભીરતા જોઈ તરત જ બધાં પ્રાણીઓની સભા બોલાવી અને કહ્યું, 'મા અંબાનું પવિત્ર ધામ તો પૂજનીય છે જ, પણ એમનો આ માર્ગ અને આપણું આ હરિયાળું જંગલ પણ એટલું જ સ્વચ્છ રહેવું જોઈએ. સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા! ચાલો, આપણે બધાં સાથે મળીને નંદનવનને સાફ કરી દઈએ.'
પછી તો પૂછવું જ શું! નંદનવનનાં બધાં પશુ-પક્ષીઓ એક થઈને સફાઈ અભિયાનમાં લાગી ગયાં.
હાથીભાઈએ પોતાની સૂંઢ વડે પ્લાસ્ટિકની મોટી થેલીઓ એકઠી કરી. વાંદરાભાઈએ વૃક્ષોની ડાળીઓ પર લટકેલાં ખાલી પેકેટો ઉતારી લીધાં. ચકલીઓ અને પોપટે ચાંચ વડે નાના-નાના કાગળના ટુકડા ભેગા કર્યા. સસલાભાઈ અને ખિસકોલીબેને એંઠવાડ અને કાગળ જેવો કચરો જમીનમાં ઊંડો ખાડો ખોદી દાટી દીધો જેથી તેનું ઉત્તમ ખાતર બની જાય, જ્યારે પ્લાસ્ટિકનો કચરો એક અલગ જગ્યાએ ભેગો કર્યાે.
જોતજોતામાં આખું નંદનવન ફરીથી ચોખ્ખુંચણક અને રળિયામણું બની ગયું!
બીજા દિવસે વહેલી સવારે જ્યારે અન્ય એક પદયાત્રી સંઘ ત્યાંથી પસાર થયો, ત્યારે તેમણે વડના ઝાડ પર લટકતું એક મોટું પાટિયું જોયું. તેના પર પોપટભાઈએ સુંદર અક્ષરોમાં લખ્યું હતું-
'જ્યાં હોય સ્વચ્છતા,
ત્યાં હોય અંબે માનો વાસ,
કચરો નાખો કચરાપેટીમાં,
રાખીએ આટલો વિશ્વાસ!
માની ભક્તિ કરવાની સાથે
કરીએ પ્રકૃતિનું જતન,
જય અંબે… જય અંબે…'
આ પ્રેરક સંદેશ વાંચીને અને જંગલની સ્વચ્છતા જોઈને યાત્રીઓને પોતાની અગાઉની ભૂલોનો પશ્ચાત્તાપ થયો. તેમણે સંકલ્પ લીધો કે હવેથી તેઓ યાત્રા દરમિયાન ક્યારેય ગંદકી નહીં કરે અને કચરો હંમેશાં નિયત કચરાપેટીમાં જ નાખશે.
આમ, નંદનવનનાં અબોલ પશુ-પક્ષીઓએ માત્ર જંગલની સ્વચ્છતા જ ન જાળવી, પણ માનવજાતને સાચી ભક્તિ અને પર્યાવરણના સંરક્ષણનો અમૂલ્ય બોધપાઠ ભણાવ્યો.




