વાવ-થરાદની નવી ઓળખ ‘GJ-40’: થરાદમાં નવું RTO કાર્યાલય શરૂ, વાહન-લાયસન્સ સહિતની સેવાઓ હવે સ્થાનિક સ્તરે મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vav Tharad RTO: બનાસકાંઠા જિલ્લામાંથી અલગ અલગ તાલુકાઓને સાંકળીને રચાયેલા નવા વાવ-થરાદ જિલ્લાના નાગરિકોને વાહન વ્યવહાર વિભાગની સેવાઓ હવે સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મળશે. આજે 22 જુલાઈથી ‘સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, થરાદ (GJ-40)’નો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
વાહનચાલકોને રાહત
વાવ-થરાદ જિલ્લાના દિયોદર, લાખણી, થરાદ, રાહ, વાવ, ધરણીધર, સુઇગામ અને ભાભર તાલુકાના વાહનચાલકોને હવેથી પોતાના વાહન તથા લાયસન્સ લગતા કામકાજ માટે દૂર જવું પડશે નહીં અને સ્થાનિક સ્તરે જ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ નવી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મુ. બુઢનપુર, થરાદ-સાંચોર હાઇવે, થરાદ, જી. વાવ-થરાદ ખાતે કાર્યરત કરવામાં આવી છે.
હવેથી વાવ-થરાદ જિલ્લાના નાગરિકો આ નવી RTO કચેરી ખાતેથી નવા વાહનની નોંધણી, વાહન માલિકી ફેરફાર, સરનામું સુધારણા, હાઇપોથેકેશન ઉમેરવું, રદ કરવું, વાહન વેરો ભરપાઈ કરવો, ફેન્સી નંબર સંબંધિત સેવાઓ, લર્નિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ, કંડક્ટર લાયસન્સ સંબંધિત સેવાઓ તથા ઈ-ચલણ જેવી વિવિધ સેવાઓ નવી કચેરી ખાતે સરળતાથી ઉપલબ્ધ થશે. આ નવી કચેરી શરૂ થવાથી વાવ-થરાદ જિલ્લાના હજારો નાગરિકોનો સમય અને નાણાં બચશે તથા વાહન વ્યવહાર ક્ષેત્રે વધુ પારદર્શિતા અને ઝડપ આવશે.









