Vav - Tharad

વાવ-થરાદ: ભારતમાલા સર્વિસ રોડ પર જળબંબાકાર, સામાન્ય વરસાદમાં રસ્તો બેટમાં ફેરવાયો

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
વાવ-થરાદ નજીક ભારતમાલા હાઇવે પર પીલુડા પંપ પાસેના સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયું. યોગ્ય નિકાલના અભાવે વાહનચાલકો, રાહદારીઓ અને ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. નાના વાહનો બંધ પડતાં અનેક લોકો અટવાયા. સ્થાનિકોએ તંત્ર અને હાઇવે ઓથોરિટી પાસે તાત્કાલિક પાણીના નિકાલ અને કાયમી ઉકેલની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાવ-થરાદ: ભારતમાલા સર્વિસ રોડ પર જળબંબાકાર, સામાન્ય વરસાદમાં રસ્તો બેટમાં ફેરવાયો

Vav-Tharad Heavy Rain: વાવ-થરાદ નજીક આવેલા ભારતમાલા હાઇવે પર પીલુડા પંપ પાસેના સર્વિસ રોડ ઉપર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતાં રસ્તો જળબંબાકાર થઈ ગયો છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાના અભાવે સ્થાનિક રહીશો, વાહનચાલકો, રાહદારીઓ તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વાહનો બંધ પડતાં વાહનચાલકો અટવાયા

સર્વિસ રોડ પર પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે નાના વાહનો અને ટુ-વ્હીલર ચાલકોના સાયલન્સર તથા પ્લગમાં પાણી ઘૂસી જતાં વાહનો બંધ પડી રહ્યા છે. જેના કારણે અનેક વાહનચાલકો રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા છે. આ ઉપરાંત મોટા ટ્રક અને અતિભારે વાહનોને પણ અહીંથી પસાર થવામાં ભારે કસરત કરવી પડી રહી છે. આ વિસ્તાર નજીક એપીએમસી (APMC) અને અન્ય વેપાર-વાણિજ્યના મુખ્ય મથકો આવેલા હોવાથી સવાર-સાંજ અસંખ્ય વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકો આ સર્વિસ રોડનો ઉપયોગ કરે છે. જોકે વર્તમાન સ્થિતિને કારણે આર્થિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર પણ અસર પડી રહી છે.

સ્થાનિક અગ્રણી ઠાકરશી રબારીએ જણાવ્યું હતું કે, 'સામાન્ય વરસાદમાં જ જો સર્વિસ રોડની આવી વિપરીત હાલત થઈ જતી હોય, તો આગામી સમયમાં જો ભારે વરસાદ પડશે તો કેવી ભયાનક સ્થિતિ નિર્માણ થશે? સામેના ભાગે યોગ્ય નિકાલ ન હોવાથી પાણી રસ્તા પર જ ભરાઈ રહે છે.'

તંત્ર અને ભારતમાલા હાઇવે ઓથોરિટી સામે સ્થાનિકોની માંગણીઓ

બગડેલી સ્થિતિને પગલે સ્થાનિકો અને વાહનચાલકોએ તંત્ર તથા ભારતમાલા હાઇવે ઓથોરિટી સામે ભારે રોષ ઠાલવ્યો છે, જેમ કે, સર્વિસ રોડ પરથી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે. બંધ પડી ગયેલા પાણીના નિકાલના માર્ગો અને નાળાઓની સફાઈ કરી તેને ખુલ્લા કરવામાં આવે. ભવિષ્યમાં દર ચોમાસે આ સમસ્યા ન સર્જાય તે માટે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ બનાવી કાયમી ઉકેલ લાવવામાં આવે. જો તંત્ર દ્વારા સત્વરે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ચોમાસું જોર પકડતાં જ આ વિસ્તારમાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.