વાવ-થરાદ: લખમીરામ પરમારના શંકાસ્પદ મોત મામલે CID-CBI તપાસ અને કડક કલમો ઉમેરવા દલિત સમાજની માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vav-Tharad Lakhmiram Parmar Case: વાવ-થરાદ જિલ્લાના મોરીખા ગામના યુવક લખમીરામ પરમારના શંકાસ્પદ મોત અને કથિત હત્યા મામલે ન્યાય મેળવવા દલિત સમાજ, સામાજિક સંગઠનો અને જાગૃત નાગરિકો દ્વારા મોરચો મંડાયો છે. આ ઘટના અંગે વાવ-થરાદ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે.
પોલીસ કામગીરી અને હળવી કલમો સામે ભારે રોષ
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, પહેલી જૂન 2026ના રોજ મોરીખાના રહીશ લખમીરામ પરમાર ગુમ થતાં વાવ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. દલિત સમાજનો આરોપ છે કે, તત્કાલીન પી.આઈ. એસ.એમ. વસાવાએ ફરિયાદીની રજૂઆત મુજબ યોગ્ય ફરિયાદ ન નોંધીને આરોપીઓને બચાવવાના આશયથી માત્ર અકસ્માતે મોતનો જ ગુનો દાખલ કર્યો હતો.13મી જૂન 2026ના રોજ પોલીસે પોતાની ગંભીર બેદરકારી છુપાવવા માટે BNS કલમ 103 (હત્યા)ના બદલે કલમ 108 (આપઘાત માટે દુષ્પ્રેરણ) જેવી હળવી કલમો ઉમેરી કસૂરવારોને છાવરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવાયો છે.
આવેદનપત્રમાં કરાયેલી મુખ્ય માંગણીઓ
•હત્યાની કલમ ઉમેરવી: કેસમાં તાત્કાલિક ધોરણે BNS કલમ 103 (હત્યા) અને અન્ય કડક કાયદાકીય કલમો ઉમેરી તમામ આરોપીઓ સામે કાર્યવાહી થાય.
•રી-પોસ્ટમોર્ટમ: મૃતકની લાશનું નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા ફરીથી પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે જેથી સત્ય બહાર આવી શકે.
•CID-CBI તપાસ: સ્થાનિક પોલીસની શંકાસ્પદ તપાસ પરથી વિશ્વાસ ઊઠી ગયો હોવાથી આ કેસની તપાસ સીઆઈડી (CID) કે સીબીઆઈ (CBI)ને સોંપવામાં આવે.
•કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી: કેસ દબાવવાનો પ્રયાસ કરનાર પી.આઈ. એસ.એમ. વસાવા અને ડીવાયએસપી એસ.એમ. વારોતરીયા સામે એટ્રોસિટી એક્ટની કલમ ૪ મુજબ કાર્યવાહી કરવામાં આવે.
•આરોપીઓની ધરપકડ: કેસમાં સામેલ તમામ મુખ્ય આરોપીઓ અને તેમને મદદ કરનારા તમામ તત્વોની તાત્કાલિક અટકાયત કરવામાં આવે.
ઉગ્ર આંદોલનની ચીમકી
દલિત સમાજ અને વિવિધ સામાજિક સંગઠનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પીડિત પરિવારને વહેલી તકે ન્યાય નહીં મળે, તો બનાસકાંઠા તેમજ સમગ્ર વાવ-થરાદ વિસ્તારમાં ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે.









