Vav - Tharad

VIDEO| થરાદ: લો-વોલ્ટેજની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓનો GEB કચેરીમાં હલ્લાબોલ, રામધૂન બોલાવી આપી ભૂખ હડતાળની ચીમકી

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
થરાદના શિવનગર વોર્ડ નં. 1માં લો-વોલ્ટેજની સમસ્યાથી કંટાળી મહિલાઓએ GEB કચેરીએ હલ્લાબોલ કર્યો. વાવ-થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબહેન નાઈની આગેવાનીમાં મહિલાઓએ રામધૂન બોલાવી. તેમણે 45 વર્ષ જૂના થાંભલા બદલવા અને નવી DP નાખવા લેખિત રજૂઆત કરી. કાળઝાળ ગરમીમાં બાળકો-વૃદ્ધોની દયનીય હાલતને કારણે તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| થરાદ: લો-વોલ્ટેજની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓનો GEB કચેરીમાં હલ્લાબોલ, રામધૂન બોલાવી આપી ભૂખ હડતાળની ચીમકી

Tharad News: થરાદ શહેરમાં વીજળીની કથળેલી વ્યવસ્થાને લઈને સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. થરાદ શહેરના શિવનગર વોર્ડ નં. 1 વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લો-વોલ્ટેજની ગંભીર સમસ્યાથી પરેશાન મહિલાઓએ આજે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. વાવ-થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને થરાદ નગરપાલિકાના સદસ્ય ગીતાબેન એસ. નાઈની આગેવાનીમાં વોર્ડની અસંખ્ય મહિલાઓએ જીએબી (GEB) કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. આટલું જ નહીં, ઉગ્ર વિરોધ નોંધાવતા મહિલાઓએ કચેરીની અંદર જ રામધૂન બોલાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

કાળઝાળ ગરમીમાં નવજાત શિશુઓ અને વૃદ્ધોની હાલત દયનીય

મહિલાઓ દ્વારા થરાદ વિદ્યુત બોર્ડના કાર્યપાલક ઇજનેરને એક લેખિત રજૂઆત પત્ર પાઠવીને પોતાની આપવીતી જણાવી હતી. રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે કે, શિવનગર વોર્ડ નં. 1માં વર્ષોથી લાઈટનો વોલ્ટેજ ખૂબ જ ઓછો આવે છે. હાલની કાળઝાળ ગરમીમાં લો-વોલ્ટેજના કારણે ઘરોમાં પંખા, ટીવી, કુલર, વલોણા કે એસી જેવા વીજ ઉપકરણો બિલકુલ ચાલતા નથી. આ અસહ્ય પરિસ્થિતિના કારણે ઘરોમાં રહેલા નાના નવજાત બાળકો અને વૃદ્ધોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે અને તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

45 વર્ષ જૂના થાંભલા બદલવા અને નવી ડીપી નાખવા માંગ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વિસ્તારના બાઠિયાવાસ, ગોહિલવાસ, દોહટવાસ, લગડાવાસ, વાઢાવાસ, પંડ્યાવાસ અને ગોરડીયાવાસ સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો સુધારવા માટે તાત્કાલિક નવી ડીપી (DP) નાખવી અત્યંત અનિવાર્ય બની છે. આ ઉપરાંત આ વિસ્તારમાં આશરે 45 વર્ષ જૂના લાઈટના થાંભલાઓ આવેલા છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. આ જર્જરિત થાંભલાઓ હટાવીને નવા થાંભલા ઊભા કરવા અથવા તો અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાની તાતી જરૂરિયાત છે.

અગાઉની રજૂઆત છતાં તંત્રની ઉદાસીનતા, હવે ઉગ્ર આંદોલનની ચીમકી

મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સમસ્યા અંગે અગાઉ ગત તારીખ 29-05-2026ના રોજ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિક તંત્રની આ ઘોર ઉદાસીનતા સામે રહીશોમાં ભારે રોષ છે.

આ પણ વાંચો: ખેડૂતોના વિરોધ સામે સરકાર ઝૂકી: વીજ ટાવર અને લાઇન મુદ્દે જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણાં દરે ચૂકવાશે વળતર

મહિલાઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વિદ્યુત બોર્ડ દ્વારા આ ગંભીર સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવી નવી ડીપી નાખવામાં નહીં આવે, તો શિવનગર વોર્ડ નં. 1ના તમામ નાગરિકોને સાથે રાખીને આગામી દિવસોમાં કચેરીના આંગણે જ ભૂખ હડતાળ પર બેસવાની અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.