સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા રાજનેતાઓ, મદદની આપી ખાતરી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Social Media Influencer Chandan Rathod Passed Away: વાવ-થરાદ જિલ્લાના સુઈગામના વતની અને જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડ ઉર્ફે ‘ગુજ્જુ લવ ગુરુ’નું 17મી સપ્ટેમ્બરના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન થતાં તેના ચાહકો અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે (20મી સપ્ટેમ્બર) સુઈગામ સ્થિત રાધે કૃષ્ણ મંદિર પાસે આવેલી બ્રાહ્મણવાસ શાળા ખાતે તેનું બેસણું રાખવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રાજકીય આગેવાનો, સ્નેહીઓ અને મોટી સંખ્યામાં ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
રાજકીય અગ્રણીઓએ પરિવારને પાઠવી સાંત્વના
બેસણામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચંદન રાઠોડને પુષ્પાંજલિ અર્પણ કરી મૃતકના પરિવારજનોને મળીને દિલસોજી પાઠવી હતી. અધ્યક્ષ શંકર ચૌધરીએ ચંદન રાઠોડને યાદ કરતાં જણાવ્યું હતું કે, 'સરહદી ગામમાં જન્મેલા ચંદને પોતાની અનોખી હાસ્યવૃત્તિ અને વીડિયો દ્વારા લાખો લોકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું હતું.' આ ઉપરાંત તેમણે ચંદન રાઠોડના બાળકોને અભ્યાસ તેમજ લગ્ન પ્રસંગે મદદરૂપ થવાની આપી ખાતરી હતી. સાથે બાઈકચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા વિનંતી હતી.

ગેનીબેન ઠાકોરે બાળકોના શિક્ષણ અંગે વ્યક્ત કરી ચિંતા
આ અગાઉ બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોરે પણ ચંદન રાઠોડના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે પરિવારના વડીલો પાસેથી ચંદનના બે બાળકો વિશે વિગતો મેળવીને તેમના ભવિષ્ય અને અભ્યાસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'ચંદન રાઠોડના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને તેમનું યોગ્ય ઘડતર થાય તે આખા સમાજની પ્રાથમિકતા હોવી જોઈએ.'
યુવાનોના હ્રદયમાં આગવું સ્થાન બનાવ્યું હતું
ગુજ્જુ લવ ગુરુના ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફોલોઅર્સ છે. યુટ્યુબ પર 985K સબસ્ક્રાઈબર્સ છે. સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદન રાઠોડે હાસ્યની સાથે લોકો અને સમાજને સાચી દિશા મળે તેવા સંદેશ આપતા વીડિયો માટે જાણીતા હતા. ચંદન રાઠોડે લોકબોલી અને કોમેડી વીડિયોના જોરે યુવાનોના હ્રદયમાં આગવું સ્થાન બનાવ્યું હતું. સોશિયલ મીડિયા ઉપરાંત ગુજરાતી ફિલ્મો અને કોમેડી શોમાં પણ ચંદન રાઠોડે કામ કર્યું હતું.




