Vav - Tharad

'મારી બહેન સાથે લફડા કરીશ...', નશાની ગોળીઓ આપી યુવકને ગળે ટૂંપો દઈ દીધો, વાવ ગામની શૉકિંગ ઘટના

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
વાવ ગામની સીમમાં સ્વરૂપ પાટીયા ખેતરમાં 18 વર્ષના યુવક અશોક ઠાકોરની હત્યાનો ભેદ ઉકેલાયો છે. બહેન સાથેના પ્રેમસંબંધની અદાવતમાં મહેશ ઠાકોર અને કીરણ ઠાકોરે દારૂમાં ચાર નશાની ગોળીઓ ભેળવી અશોકને પીવડાવ્યો. ત્યારબાદ ગળે ટૂંપો દઈ હત્યા કરી, લાશને શર્ટથી લટકાવી આત્મહત્યાનો દેખાવ કર્યો હતો. પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મારી બહેન સાથે લફડા કરીશ...', નશાની ગોળીઓ આપી યુવકને ગળે ટૂંપો દઈ દીધો, વાવ ગામની શૉકિંગ ઘટના

Banaskantha Youth Murder Over Love Affair : વાવ ગામની સીમમાં આવેલા સ્વરૂપ પાટીયા તરીકે ઓળખાતા ખેતરના ઢાળિયામાં 18 વર્ષના યુવકની હત્યા કરીને લાશ લટકાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકને દારૂમાં નશાની ચાર ગોળીઓ ભેળવીને પીવડાવ્યા બાદ ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી. ત્યારબાદ આ ઘટનાને આપઘાત દેખાડવા માટે તેના જ શર્ટથી મૃતદેહને લાકડા સાથે લટકાવી દેવાયો હતો. પોલીસે આ ગુનામાં બે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બહેન સાથેના કથિત પ્રેમસંબંધની અદાવતમાં હત્યા

વાવ તાલુકાના વાવ ગામની સીમમાં સ્વરૂપ પાટીયા તરીકે ઓળખાતા ખેતરના ઢાળિયામાં બુધવાર, 21 ઓક્ટોબર 2026ના રોજ સાંજે અશોકભાઈ ભગાભાઈ ઠાકોર (ઉંમર 18 વર્ષ)ની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જોકે, મૃતકના પરિવારે આ આત્મહત્યા નહીં, પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેના પગ ઘૂંટણ સુધી જમીનને અડેલા હતા અને ગળા પર ફાંસાના નિશાન પણ નહોતા. આ બાબતથી પરિવારની શંકા વધુ ઘેરી બની હતી. પરિવારની શંકાના આધારે વાવ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે અશોકને મહેશ કરશનભાઈ ઠાકોરની બહેન સાથે છેલ્લા બે વર્ષથી કથિત પ્રેમસંબંધ હતો. આ સંબંધની અદાવત રાખીને મહેશે અશોકની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો હતો.

દારૂમાં ચાર ગોળીઓ ભેળવી, પછી ગળે ટૂંપો આપ્યો

પોલીસ તપાસ મુજબ, 21 ઓક્ટોબર 2026ના રોજ સાંજે મહેશ ઠાકોર અને કીરણભાઈ જોહાભાઈ ઠાકોરે અશોકને દારૂ પીવડાવ્યો હતો. દારૂની બોટલમાં નશાની ચાર ગોળીઓ ભેળવી દેવામાં આવી હતી, જેના કારણે અશોક અત્યંત નશાની હાલતમાં આવી ગયો હતો. ત્યારબાદ અંધારું થતાં તેને ખેતરના ઢાળિયામાં લઈ જઈ ગળે ટૂંપો આપી તેની હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા બાદ આરોપીઓએ ઘટનાને આત્મહત્યા દેખાડવા માટે અશોકના જ શર્ટથી તેના મૃતદેહને ઢાળિયાના લાકડા સાથે લટકાવી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

મૃતકના ભાઈ મુકેશભાઈ ભગાભાઈ ઠાકોરની ફરિયાદના આધારે વાવ પોલીસે મુખ્ય આરોપી મહેશ કરશનભાઈ ઠાકોર (હાલ રહે. વાવની સીમ, મૂળ રહે. ખરડોલ) અને કીરણ જોહાભાઈ ઠાકોર (રહે. ઊંચપા) વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.