Vav - Tharad

વાવ-થરાદમાં 3 વૈભવી કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો, 8 સામે ફરિયાદ

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે વાવ-થરાદમાં મોટી કાર્યવાહી કરી છે. સુઇગામ પોલીસ સ્ટેશન હદમાં આવતા ભારત માલા રોડ નજીકથી, SMCએ ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડી 64,59,842 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. જેમાં 4,558 વિદેશી દારૂની બોટલ અને 3 વૈભવી કારનો સમાવેશ થાય છે. 8 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાવ-થરાદમાં 3 વૈભવી કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો, 8 સામે ફરિયાદ

Vav-Tharad News: ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારીના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે વાવ-થરાદ જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે વાવ-થરાદ વિસ્તારમાં સફળ દરોડા પાડીને વિદેશી દારૂનું મોટા પાયે થતી હેરાફેરી ઝડપી પાડી છે. આ દરોડા દરમિયાન પોલીસ ટીમે વૈભવી કાર, વિદેશી દારૂનો મોટો જથ્થો મળીને કુલ 64,59,842 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ભારત માલા રોડ નજીક વોચ ગોઠવી બુટલેગરોને ઘેર્યા

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એસએમસીની ટીમને એક ગુપ્ત અને ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે સુઇગામ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભારત માલા રોડના થરાદ-ભાભર સેક્શનની નજીક રામપુર-એટા રોડ પર જાહેર સ્થળે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા શંકાસ્પદ વાહનોની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 4,558 બોટલો ( જેની કિંમત 14,59,342 રૂપિયા) અને દારૂની હેરાફેરી તેમજ પાયલોટિંગમાં વપરાયેલી 3 વૈભવી કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અંધારાનો લાભ લઈ ચાલકો ફરાર, ગાડી માલિકો સામે ગુનો દાખલ

પોલીસના દરોડા દરમિયાન અંધારાનો લાભ લઈને વાહનોના ચાલકો અને ક્લીનરો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. હાલ આ ગુનામાં કારના માલિક પ્રવિણજી ઠાકોર (રહે. રામોલ, અમદાવાદ), ગણપતસિંગ વીરધસિંગ (રહે. લીંબુડા, જોડિયા, જામનગર) અને મેવારામ નાથારામ (રહે. અખોલ ઇન્દ્રાડ, કડી, મહેસાણા) સહિત કુલ 8 શખસો સામે પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ સુઇગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.