Vav - Tharad

મેડિકલ લાયસન્સની આડમાં ડ્રગ્સનું નેટવર્ક! વાવ-થરાદમાંથી 6.89 કરોડની નશાકારક ગોળીઓ સાથે બે આરોપીઓ ઝડપાયા

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
બનાસકાંઠા SOG અને વાવ-થરાદ પોલીસે 2 સ્થળોએ દરોડા પાડી ₹6.89 કરોડની 8,060 નશાકારક ગોળીઓ ઝડપી. થરાદમાંથી મફાભાઈ રબારી અને ચોથાનેસડામાંથી વિક્રમભાઈ રાજપૂતની ધરપકડ કરાઈ. મેડિકલ લાયસન્સના દુરુપયોગથી આ ડ્રગ્સ વેચાતું હતું. ડ્રગ્સ ઇન્સ્પેક્ટર અને FSL ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેડિકલ લાયસન્સની આડમાં ડ્રગ્સનું નેટવર્ક! વાવ-થરાદમાંથી 6.89 કરોડની નશાકારક ગોળીઓ સાથે બે આરોપીઓ ઝડપાયા

Tharad Medical License Drug Racket Busted: બનાસકાંઠાની એસ.ઓ.જી અને વાવ-થરાદ પોલીસે બે અલગ-અલગ જગ્યાએ સફળ રેઇડ કરીને કુલ 8,060 નંગ પ્રતિબંધિત નશાકારક ગોળીઓ ઝડપી પાડી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ જથ્થાની કુલ કિંમત રૂ. 6,89,77,600 આંકવામાં આવી છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પહેલી રેઇડ: થરાદ ટાઉનમાંથી રૂ. 6.87 કરોડનો મુદ્દામાલ જપ્ત

એસ.ઓ.જીની ટીમે થરાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિજય બિઝનેસ કોમ્પ્લેક્ષની પાછળ આવેલા માધવ કોમ્પ્લેક્સના પ્રથમ માળે, દુકાન નં. 12 માં દરોડો પાડ્યો હતો. જે દરમિયાન વગર પાસ-પરમિટની, કાયદાથી પ્રતિબંધિત એવી એન.એક્સ.આર ટર્માડોલ હાઇડ્રોક્લોરાઇડ પેરાસીટામોલ (37.5 mg)ની કુલ 7,400 નંગ ગોળીઓ (કિંમત રૂ. 6,87,13,600) તથા અન્ય સામાન મળી કુલ રૂ. 6,87,23,600 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અને મફાભાઈ નાગજીભાઈ રબારીની ધરપકડ કરી છે.

આ રીતે ચાલતું હતું મોડસ ઓપરેન્ડી

આરોપી મફાભાઈ ડીસા ખાતે આવેલા 'પટેલ મેડીકલ સ્ટોર્સ'માંથી પોતાના 'સિકોતર મેડીકલ' ના લાયસન્સનો દુરુપયોગ કરી હોલસેલમાં આ પ્રતિબંધિત ગોળીઓ ખરીદતો હતો. નિયમ મુજબ ગ્રાહકોને પ્રિસ્ક્રિપ્શનથી દવા આપવાના બદલે તે દુકાનના ઉપરના માળે આવેલા અવાવરૂ ગોડાઉનમાં જથ્થો છુપાવી રાખતો હતો અને ત્યાંથી બારોબાર ગેરકાયદેસર નશાખોરોને ઊંચા ભાવે વેચી દેતો હતો. આરોપી વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં NDPS Act મુજબ ગુનો દાખલ કરાયો છે.

બીજી રેઇડ: ચોથાનેસડા ગામે કિરાણા સ્ટોર્સમાંથી રૂ. 2.74 લાખની દવાઓ મળી

પકડાયેલા મુખ્ય આરોપી મફાભાઈ રબારીની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. તેણે આ નશાકારક ગોળીઓનો કેટલોક જથ્થો વિક્રમભાઈ રાજપુત (રહે. ચોથાનેસડા) ને આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે એસ.ઓ.જી. ટીમે તાત્કાલિક ચોથાનેસડા ગામે આવેલી 'શ્રી પરમેશ્વર કિરાણા સ્ટોર્સ' નામની દુકાને બીજી રેઇડ કરી હતી.

પોલીસે કિરાણા સ્ટોર્સની આડમાં છુપાવેલી ટર્માડોલ હાઇડ્રોક્લોરાઇડની કુલ 660 નંગ ગોળીઓ (કિંમત રૂ. 2,64,000) તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 2,74,000 નો જથ્થો જપ્ત કરાયો છે. અને વિક્રમભાઈ નાગજીભાઈ રાજપુતની ધરપકડ કરી તેની વિરુદ્ધ માવસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.

તંત્ર સફાળું જાગ્યું: ડ્રગ્સ ઇન્સ્પેક્ટર અને FSL ટીમ ઘટનાસ્થળે

મેડિકલ લાયસન્સની આડમાં ચાલતા આ કરોડો રૂપિયાના નશાના કાળા કારોબારની ગંભીરતાને જોતાં બનાસકાંઠા-પાલનપુરના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તથા એફ.એસ.એલ. (FSL)ના ઉચ્ચ અધિકારીએ તાત્કાલિક રેઇડ દરમિયાન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કેમિકલ એનાલિસિસની પ્રક્રિયા શરૂ કરી હતી. એસ.ઓ.જીની આ સફળ કામગીરીથી પંથકમાં નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.