Vav - Tharad

વરસાદ ખેંચાતા વરુણદેવને રીઝવવા લોદ્રાણી ગામે સદીઓ જૂની પરંપરા જીવંત થઈ: ઢુંઢીયાદેવ બનાવી ઘરે-ઘરે કરાઈ પ્રાર્થના

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
ચાલુ વર્ષે વાવ-થરાદ વિસ્તારમાં વરસાદ ખેંચાતાં ચિંતા છવાઈ છે. મેઘરાજાને રીઝવવા વાવ તાલુકાના લોદ્રાણી ગામે ગ્રામજનોએ સદીઓ જૂની 'ઢુંઢીયાદેવ' પરંપરા જીવંત કરી. પવિત્ર માટી-વનસ્પતિમાંથી ઢુંઢીયાદેવ બનાવી, ઢોલ-નગારા સાથે શેરીએ-શેરીએ ફેરવી, ઘરે-ઘરે જળ અર્પણ કરાયું. ગ્રામજનોએ જલ્દી સારો વરસાદ થાય તેવી આજીજી કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદ ખેંચાતા વરુણદેવને રીઝવવા લોદ્રાણી ગામે સદીઓ જૂની પરંપરા જીવંત થઈ: ઢુંઢીયાદેવ બનાવી ઘરે-ઘરે કરાઈ પ્રાર્થના

Vav Lodrani Village Dhundhiyadev Rain Prayer Tradition : ચાલુ વર્ષે ચોમાસાની મોસમ શરૂ થવા છતાં સરહદી પંથકના વાવ-થરાદ વિસ્તારમાં વરસાદ ખેંચાતાં ધરતીપુત્રો સહિત સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ છવાયો છે. વરાડ અને બળતરા વચ્ચે મેઘરાજાને મનાવવા અને વરુણદેવને રીઝવવા માટે વાવ તાલુકાના લોદ્રાણી ગામે ગ્રામજનો દ્વારા સદીઓ જૂની લોકપરંપરાને પુનઃ જીવંત કરવામાં આવી હતી. ગામમાં પરંપરાગત રીતે ‘ઢુંઢીયાદેવ’ બનાવીને લોક કલ્યાણ અને પ્રકૃતિના રક્ષણ અર્થે સામૂહિક આરાધના કરવામાં આવી હતી.

image.png

પવિત્ર માટી અને વનસ્પતિમાંથી બનાવાયા ‘ઢુંઢીયાદેવ’

ગ્રામીણ લોકસંસ્કૃતિમાં એવી દ્રઢ માન્યતા છે કે જ્યારે કુદરત રૂઠે છે કે વરસાદ વિરામ લે છે, ત્યારે પ્રાચીન પરંપરાઓ અને પ્રકૃતિ પૂજા દ્વારા દેવોને પ્રસન્ન કરી શકાય છે. આ જ પરંપરાને અનુસરીને લોદ્રાણી ગામના યુવાનો અને વડીલોએ એકત્રિત થઈને પવિત્ર માટી તેમજ વનસ્પતિમાંથી 'ઢુંઢીયાદેવ'ની પ્રતિકૃતિ તૈયાર કરી હતી.

image.png

ઢોલ-નગારા સાથે શેરીએ-શેરીએ ભ્રમણ, ઘરે-ઘરે જળ અર્પણ કરાયું

ઢુંઢીયાદેવને વાજતે-ગાજતે ગામના પાદરેથી શરૂ કરી તમામ શેરીઓ અને મહોલ્લાઓમાં ફેરવવામાં આવ્યા હતા. ગામના પ્રત્યેક ઘરે-ઘરે જઈને અબાલ-વૃદ્ધ સૌ કોઈએ ભગવાન ઢુંઢીયાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને જળ અર્પણ કર્યું હતું અને પંથકમાં જલ્દીથી સારો વરસાદ થાય તેવી આજીજી કરી હતી. આ સાથે જ ગામની મહિલાઓ અને બહેનો દ્વારા પરંપરાગત મેઘગીતો ગાઈને વાતાવરણને ભક્તિમય બનાવી દેવાયું હતું.

‘ટેકનોલોજી થાકે ત્યારે શ્રદ્ધા જ સહારો બને છે’

આ પ્રસંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, “જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ થાકે છે, ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ અને અતૂટ શ્રદ્ધા જ આપણો સહારો બને છે. લોદ્રાણી ગામ હંમેશા પ્રકૃતિ સાથે જોડાયેલું રહ્યું છે. સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય, નદી-નાળા છલકાય અને મૂંગા પશુઓ તથા જગતના તાતને રાહત મળે તેવા શુભ આશય સાથે આ આયોજન કરાયું છે.” આ પરંપરાગત પૂજા વિધિમાં લોદ્રાણી ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો, યુવા મંડળો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ગ્રામજનોને દ્રઢ વિશ્વાસ છે કે આ પવિત્ર સામૂહિક પ્રાર્થનાથી મેઘરાજા ટૂંક સમયમાં જ અમીછાંટણા કરશે અને સુકાઈ રહેલી ધરતી ફરી લીલીછમ બનશે.