Valsad

વાપીના રોયલ હબ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં દમણગંગાના પૂરથી ભારે તબાહી! 78 ગોડાઉનમાં 15 ફૂટ પાણી!

By GS Team
25 Jul 20263 mins read
TukuTouch Logo
વાપીના વલવાડા રોયલ હબ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં મધુબન ડેમના પાણી છોડાતાં દમણગંગા નદીના પૂરથી ભયાવહ સ્થિતિ સર્જાઈ. 78 જેટલા ગોડાઉનમાં 10થી 15 ફૂટ પાણી ઘૂસતા નાના-મધ્યમ ઉદ્યોગકારોને કરોડોનું નુકસાન થયું છે. પ્રિન્ટિંગ, ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગોને ફટકો પડ્યો છે. પાણી ઓસર્યા બાદ કાદવથી વિસ્તાર ખરાબ થયો છે. ઉદ્યોગકારોએ વળતરની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપીના રોયલ હબ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં દમણગંગાના પૂરથી ભારે તબાહી! 78 ગોડાઉનમાં 15 ફૂટ પાણી!

Vapi Valvada Royal Hub Industrial Park Flood: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ મધુબન ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે દમણગંગા નદીમાં આવેલા પૂરની સીધી અસર વાપી નજીક વલવાડા ગામ સ્થિત રોયલ હબ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક પર જોવા મળી છે. પાર્કમાં આવેલા અંદાજે 78 જેટલા ગોડાઉનમાં 10થી 15 ફૂટ સુધી વરસાદી અને પૂરનું પાણી ઘૂસી જતાં અનેક નાના અને મધ્યમ ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાણી ઓસર્યા બાદ પણ સમગ્ર વિસ્તાર કાદવમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે ઉદ્યોગકારો તેમજ કર્મચારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

મધુબન ડેમમાંથી છોડાયેલા પાણીએ સ્થિતિ ગંભીર બનાવી

24 જુલાઈના રોજ ઉપરવાસમાં નોંધાયેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી મોટી માત્રામાં પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના પરિણામે નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થયો હતો. દમણગંગા નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું પાણી ઘૂસી ગયું હતું. તેમાં વલવાડા સ્થિત રોયલ હબ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સામેલ રહ્યો હતો, જ્યાં કલાકોમાં જ ગોડાઉનમાં પાણી ભરાઈ જતાં ઉદ્યોગકારોને માલસામાન બહાર કાઢવાની તક પણ મળી નહોતી.

78 ગોડાઉનમાં પાણી ઘૂસતા કરોડોનું નુકસાન

પૂરના પાણીના કારણે પાર્કમાં આવેલા અંદાજે 78 ગોડાઉનમાં 10થી 15 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. ગોડાઉનમાં રાખવામાં આવેલા તૈયાર માલ, કાચો માલ, મશીનરી, ઇલેક્ટ્રિકલ સાધનો તેમજ અન્ય કિંમતી સામગ્રી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. અનેક સ્થળોએ મશીનો લાંબા સમય સુધી પાણીમાં ડૂબેલા રહેતાં તે સંપૂર્ણપણે બિનઉપયોગી બન્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ અનેક ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વિવિધ પ્રકારના ઉદ્યોગોને ભારે ફટકો

રોયલ હબ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં પ્રિન્ટિંગ, ટેક્સટાઇલ, ઓઇલ, પેકેજિંગ તેમજ તબીબી ક્ષેત્રે ઉપયોગમાં આવતા સાધનોનું ઉત્પાદન કરતી અનેક સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઓ કાર્યરત છે. પૂરનું પાણી તમામ પ્રકારના ગોડાઉનમાં ઘૂસી જતાં વિવિધ ઉદ્યોગોના ઉત્પાદન પર સીધી અસર પડી છે. ઘણા ઉદ્યોગકારોનું કહેવું છે કે તૈયાર માલ ઉપરાંત ઓર્ડર મુજબ તૈયાર થઈ રહેલો માલ પણ બગડી ગયો છે, જેના કારણે ગ્રાહકોને સમયસર સપ્લાય આપવામાં પણ મુશ્કેલી ઉભી થશે.

પૂરનું પાણી ધીમે-ધીમે ઓસર્યા બાદ ઈન્ડસ્ટ્રિયલ પાર્કના પ્રવેશદ્વારથી લઈને આંતરિક માર્ગો સુધી કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભારે પ્રમાણમાં જમા થયેલા કિચડના કારણે વાહનોની અવરજવર તો દૂર રહી, સામાન્ય લોકોને ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે. અનેક લોકો કાદવમાં લપસી પડ્યાના બનાવો પણ સામે આવ્યા છે. જેના કારણે ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ અને માલસામાનની હેરફેર પણ પ્રભાવિત થઈ છે.

વહીવટી તંત્ર સામે ઉદ્યોગકારોમાં રોષ

સ્થાનિક ઉદ્યોગકારો અને લોકોનો આક્ષેપ છે કે પાણી ઓસર્યાને 12 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી અથવા વહીવટી તંત્રનો પ્રતિનિધિ સ્થળની મુલાકાતે પહોંચ્યો નથી. અસરગ્રસ્તોનું કહેવું છે કે નુકસાનનો વાસ્તવિક અંદાજ મેળવવા માટે તાત્કાલિક સર્વે થવો જોઈએ અને સ્થળ પર જરૂરી રાહત કામગીરી હાથ ધરવી જોઈએ. તંત્રની ગેરહાજરીને કારણે ઉદ્યોગકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

સરકાર પાસે વળતરની માગ ઉઠી

ભારે નુકસાનનો સામનો કરનારા ઉદ્યોગકારોએ સરકાર સમક્ષ યોગ્ય વળતર અને સહાય પેકેજની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ગોડાઉનમાં પાણી ઘૂસવાથી કરોડો રૂપિયાની મશીનરી અને માલસામાન બગડી ગયો છે. ઘણા નાના ઉદ્યોગકારો માટે આ નુકસાનમાંથી બહાર આવવું સરળ નહીં હોય. તેથી સરકાર દ્વારા વિશેષ સર્વે કરીને અસરગ્રસ્તોને આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

નુકસાનના મૂલ્યાંકનની રાહ

હાલ અસરગ્રસ્ત ઉદ્યોગકારો ગોડાઉનમાં ભરાયેલા કાદવ અને બગડેલા માલસામાનને બહાર કાઢવાની કામગીરીમાં વ્યસ્ત છે. નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન આગામી દિવસોમાં જ સામે આવી શકશે. બીજી તરફ ઉદ્યોગકારોની નજર હવે વહીવટી તંત્રની કામગીરી અને સરકાર તરફથી મળનારી સહાય પર ટકેલી છે. દમણગંગા નદીના પૂરથી સર્જાયેલી આ સ્થિતિએ એક વખત ફરી નીચાણવાળા ઔદ્યોગિક વિસ્તારોમાં પૂર નિયંત્રણ અને પૂર્વ તૈયારીઓ અંગેના પ્રશ્નો ઉભા કર્યા છે.